‘કેનાલોના કામો નબળા, અધૂરા હોવાથી ગાબડાં પડે છે’,ખોટી અરજી કરનારા સામે પગલા લેવા ખેડૂતોની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લખતરની તાવી કેનાલમાં ખેડૂતોએ આડાશ કરતાં ગાબડું પડ્યાનું કહેવાતા રજૂઆત
  • આરોપ  : ખોટી અરજી કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા માટે આવેદન પાઠવાયું

લખતરઃ લખતર તાલુકાનાં તાવી ગામ નજીકથી પસાર થતી એલ.ડી.3 માઇનોર કેનાલમાં ગાબડું પડયુ હતું . જેમાં તંત્રનાં અધિકારી દ્વારા ખેડૂતોએ આડશ ઉભી કરેલ હોવાથી પાણી ઓવરટેપિંગ થતા કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું કહી પગલાં ભરવામાં અરજી લખતર પોલીસને કરાઇ હતી. આથી આવી ખોટી અરજી કરનારા અધિકારીઓ સામે પગલાં લેવા માટે ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આ કેનાલનું કામ અધૂરું કેમ છોડ્યું છે તેમ જણાવ્યુ હતુ.

 લખતર તાલુકાનાં તાવી અને વરસાણી નજીકથી પસાર થતી નર્મદા કેનાલની એલ.ડી.૩ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા ગાબડુ પડ્યુ હતુ. કેનાલમાં ગાબડુ પડવા છતાં તંત્ર લાજવાનાં બદલે ગાજતા આ ગાબડાં ખેડૂતોએ પાડ્યા હોવાનું જણાવી તેવા પગલાં ભરવા લખતર પોલીસને લેખિત અરજી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. આથી ખેડૂતો રોષે ભરાયા હતા અને લખતર મામલતદાર કચેરીએ ધસી જઇ આવેદન પત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા એક તો કેનાલોના કામો અધુરા છોડવામાં આવે છે અને ઉપરથી ખેડૂતો સામે ખોટા આરોપો કરવામાં આવે છે.

કેનાલોના કામો અધૂરા હોવાથી ગાબડા પડે છે
કેનાલના કામો અધૂરા હોવાથી કેનાલમાં ગાબડાં પડે છે અને અત્યાર સુધી ત્રણ વખત કેનાલમાં ગાબડાં પડેલ છે અને તે ખેડૂતોએ સ્વખર્ચે રીપેર કરાવેલ છે. છતાં અધિકારી આ કેનાલનાં કામ કરનારને છાવરવા માટે ખેડૂતો દ્વારા આડશ કરતા પાણી ઓવરટેપિંગ થતા ગાબડું પડ્યું હોઈ આવા તત્વો સામે પગલાં લેવા ખોટી અરજી લખતર પોલીસમાં કરેલ છે.  -  સહદેવસિંહ ઝાલા, ખેડૂત, તાવી

આ સમાચાર મળતા સ્થળ તપાસ માટે ગયો હતો
 આ કેનાલના સમાચાર મળતાં જ રાત્રેં જ સ્થળ તપાસ માટે ગયેલ હતો. અને આ કેનાલનું કામ પૂર્ણ કરવા નર્મદા વિભાગ અને પ્રાંત અધિકારી સાથે યોગ્ય કાર્યવાહી કરવા જણાવશે તેમ જણાવ્યું હતુ. - ડો.વી.બી.પટેલ, મામલતદાર.

સીધી વાત
બી.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર,લીંબડી

કેનાલ સાફ કરેલ છે.?
- હા, કેનાલ દર વર્ષે સાફ કરવામાં આવે છે.
કેનાલનું કામ અધૂરું છે તે વાત સાચી છે.?
- આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં અમુક અડચણો છે.
અગાઉ કેનાલ કેટલી વાર તૂટી છે.?
- કેનાલ અગાઉ ત્રણેક વાર તૂટી છે.
કેનાલ તૂટ્યા બાદ રીપેર કરાવી ?
- હા, કેનાલ તૂટે તેને રીપેર કરવાની જવાબદારી એજન્સીની હોય છે તેથી તેણે રીપેર કરી હતી.