તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર: કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને યુવાને તમાચો માર્યો, સ્થાનિકોએ યુવકને બેરહેમીથી માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમા પટેલના પ્રચારમાં ગયો હતો

સુરેન્દ્રનગર: વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં ભાજપના સક્રિય તરૂણ ગજ્જરે સ્ટેજ પર ચડી ચાલુ ભાષણે હાર્દિક પટેલને થપ્પડ મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનારને બરેહમીથી માર માર્યો હતો. જોકે પોલીસ હુમલાખોરને લોકોમાંથી બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હુમલાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

લાફો મારનાર કડીના જેસલપુરનો રહીશ

હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર કડીના જેસલપુર ગામનો રહેવાસી છે અને ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે તેમના પિતા સાથે મીડિયાની વાતચીતમાં તેમણે જણાવ્યું કે હું જાણતો નથી કે એ કઈ પાર્ટી સાથે છે. 

આજે થપ્પડ મારી કાલે ભાજપ મને ગોળી મરાવશેઃ હાર્દિક

હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે. મને પ્રચાર કરતો રોકવા આ ભાજપનું ષડયંત્ર છે.આજે ભાજપના કાર્યકરે મને થપ્પડ મારી કાલે મને ગોળી પણ મારી શકે છે.

હાર્દિક પર મને ક્યારનો ગુસ્સો હતો એટલે લાફો માર્યોઃ તરૂણ ગજ્જર

તરૂણ ગજજર આગલા દિવસે જ સુરેન્દ્રનગર આવી ગયો હતો. સવારે તે બલદાણા પોતાની કાર લઇને ગયો હતો અને રેકી કરી હતી. ગજજરે હાર્દિક ઉપર હુમલો કરવાનું નકકી કરી જ લીધુ હતુ.  13 એપ્રિલના રોજ હાર્દિકની કલોલની સભામાં પણ ગયો હતો પરંતુ હાર્દિક આવ્યો ન હતો. 17 એપ્રિલના દિવસે બાલીસણામાં સભા હતી ત્યાં પણ પહોચી ગયો હતો. પરંતુ ત્યાં મોડો પડયો હતો. 

હાર્દિકે વઢવાણ પોલીસમાં જાણવા જોગ અરજી કરી

હાર્દિક પટેલે બલદાણા નજીકના વઢવાણ પોલીસમાં તરૂણ ગજ્જર વિરુદ્ધ જાણવા જોગ અરજી કરી છે.આ સંદર્ભે હાર્દિકે જણાવ્યું કે ‘હું જ્યારે ભાષણ કરતો હતો ત્યારે 10.45 સમયે મને એક અજાણ્યા શખ્શે થપ્પડ મારી હતી, હું આ યુવકને ઓડખતો પણ નથી. ’ 

થપ્પડ લાગતાં હાર્દિક હેબતાઈ ગયો હતો

હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો. લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.

હુમલાખોરને માફ કરવા હાર્દિક અપીલ: આ ઘટનાને પગલે વઢવાણ તાલુકા પંચાયતની ખારવા બેઠકના સભ્ય ભાવનાબેનના પતિ કિશોરભાઇ કાનાણી હાર્દિકના ખોળામાં માથુ મૂકી રડવા લાગ્યા હતા. તેમણે હુમલા બદલ હાર્દિક સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો. હાર્દિકે આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવી હુમલો કરનારને માફ કરી દેવાની અપીલ કરી હતી. રાજ્ય સરકારે હાર્દિકની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. 

વંથલીમાં રેશ્મા પર હુમલો

પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ અને માણાવદર એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ ઉપર હુમલો થયાનું જાણવા મળ્યું છે. ગત સાંજે પ્રચારમાં નીકળેલા ભાજપના કાર્યકર દિપક વડાલીયાએ રેશ્મા પટેલ સાથે બોલાચાલી કરી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેશ્મા પટેલને સારવાર માટે વંથલીની સરકારી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...