આત્મહત્યા / રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો, પ્રેમપ્રકરણની ચર્ચા

  • તકીયો આડો રાખી ખુશ્બુના માથા પર ગોળી છોડ્યા બાદ રવિરાજસિંહ લમણે ગોળી ધરબીની શંકા
  • રવિરાજસિંહ પરિણીત હતા, ખુશ્બુના પિતાને જામજોધપુરમાં ભજીયાનો ધંધો

Divyabhaskar.com

Jul 12, 2019, 01:17 AM IST

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર 150 ફૂટ નવા રિંગ રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઈ-વિંગમાં ચોથામાળે 402 નંબરના ફ્લેટમાં પ્રેમિકા એએસઆઈની તેની જ સર્વિસ પિસ્ટલથી પરિણીત પ્રેમી પોલીસમેને હત્યા કરી નાખી પોતે પણ લમણે ગોળી ધરબી દઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકા દબાણ કરતી હોઇ અને પોતે પરિણીત હોવાથી બીજા લગ્ન કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ઝઘડો થયા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. બુધવારે મધરાતે બનેલી ઘટના બાદ તાલુકા પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપી દેવાયા હતા. આ ઘટનાની ફરિયાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નોંધવામાં આવશે તેમ તપાસનીશ પોલીસ અધિકારી વી.એસ. વણઝારાએ જણાવ્યું હતું.

પોલીસે કરી પ્રાથમિક તપાસ
રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા(ઉ.વ.30) ગુરુવારની વહેલી સવાર સુધી પોતાના નિવાસ સ્થાન મવડી હેડ ક્વાર્ટર ખાતે ન પહોંચતા તેમના પત્નીએ મોબાઈલ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ રવિરાજસિંહનો ફોન સતત નો રિપ્લાય આવતા તેમના પત્નીએ પોતાના ભાઈનો સંપર્ક કરીને સઘળી હકીકત જણાવી હતી. આથી રવિરાજસિંહના સાળાએ રવિરાજસિંહના મિત્રોની પૂછપરછ કર્યા બાદ રવિરાજસિંહ સંભવત: તેમની સાથે જ યુનિવર્સિટી પોલીસમથક હેઠળની મુંજકા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અને 2016માં એએસઆઈ તરીકે નિમણૂક પામેલા ખુશ્બુબેન રાજેશભાઈ કાનાબારને ત્યાં કદાચ હોઇ શકે તેવી જાણકારી મળી હતી.

લથબથ હાલમાં પડ્યો હતો મૃતદેહ
આથી સીધા જ મુખ્યમંત્રી આવાસ યોજના પહોંચ્યા હતા અને ત્યાં રવિરાજસિંહની સફેદ કલરની 8280 નંબરની ક્રેટા કાર પડેલી જોઇને તેઓ ત્યાં જ હોવાનું સ્પષ્ટ થતા અને જ્યાં કાર પડી હતી તે ઈ-વિંગમાં મહિલા એએસઆઈ ખુશ્બુબેન ફ્લેટ નં 402માં રહેતા હોવાની જાણ થતા ચોથામાળે જઇને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઇ અવાજ ન આવતા કઈંક અજુગતું બન્યાની શંકાના આધારે બાજુમાં જ આવેલા ફ્લેટ નં 401માં જઇને તેની ગેલેરીમાંથી ફ્લેટ નં 402માં પ્રવેશ કરી તપાસ કરતા એએસઆઈ ખુશ્બુ અને પોલીસમેન રવિરાજના લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ પડ્યા હતા. આથી રવિરાજસિંહના સાળાએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ. વણઝારા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

હત્યા કરી આપઘાત કર્યો
એફએસએલની મદદથી પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, રવિરાજસિંહે મહિલા એએસઆઈને ફાળવવામાં આવેલી પિસ્ટલમાંથી ફાયરિંગ કરી એએસઆઈ ખુશ્બુની હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ પોતાના લમણા પર તે જ પિસ્ટલમાંથી ગોળી છોડી આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત પ્રાથમિક તબક્કે એવું પણ બહાર આવ્યું છે કે, ખુશ્બુએ લગ્નનું દબાણ કરતા અને પોલીસમેન રવિરાજસિંહ પરિણીત હોવાથી ખુશ્બુ સાથે લગ્ન શક્ય ન હોવાના કારણે આ મામલે કદાચ ઝઘડો થયો હોવો જોઇએ અને આ કારણોસર જ ખુશ્બુની હત્યા કરી પરિણીત પ્રેમી રવિરાજસિંહે આપઘાત કરી લીધો હતો. જોકે, આ મુદ્દે ખુશ્બુ કે રવિરાજસિંહના પરિવારજનોએ પોલીસને હજુ સુધી એકપણ બાબત જણાવી નથી ત્યારે પોલીસ બંને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરશે ત્યારબાદ સાચી હકીકત સામે આવશે.

આવી રહી પોલીસની પ્રાથમિક તપાસ...
ગુરુવારે સવારે હત્યા અને આપઘાતના સમાચારની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલા ઈ-વિંગમાં ફ્લેટ નં 402માં દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, રવિરાજસિંહ જાડેજાએ ખુશ્બુ કાનાબારની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો. જો કે આ ઘટના અંગે ગુરુવારે પોલીસે કોઇ ગુનો નોંધ્યો નથી કે ફરિયાદ પણ દાખલ કરી નથી. પોલીસ તમામ કડીઓ મેળવવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ. વણઝારાએ જણાવ્યું હતું.

ફ્લેટની સ્થિતિ
ફ્લેટનું નિરીક્ષણ કરવામાં આવતા ખુશ્બુ કાનાબાર નીચે ચત્તા પાટ પડ્યા હતા અને તેમના માથામાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જ્યારે રવિરાજસિંહ જાડેજાની લાશ સેટી પલંગની બાજુમાં ખૂણામાં પડી હતી તેના માથામાંથી પણ વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું. આ ઉપરાંત બંનેના શરીર પર ઈજાના એકપણ નિશાન મળી આવ્યા ન હતા. તેમજ ઘરની તમામ વસ્તુઓ પણ વેરવિખેર થઇ ન હતી.

FSL તપાસમાં આ વિગતો સ્પષ્ટ થઈ
એફએસએલની ટીમે તપાસ કરતા ખુશ્બુ કાનાબારના માથામાં પાછળના ભાગે જ્યાં ભમરી હોય છે ત્યાંથી સહેજ નીચે ગોળી વાગી હોવાનું સ્પષ્ટ થયું હતું. ગોળી વાગ્યા બાદ શરીરની આરપાર નીકળી ન હતી આથી ગોળી ખુશ્બુ કાનાબારના શરીરમાં ફસાઈ ગઇ હતી, જ્યારે રવિરાજસિંહના જમણા કાનની ઉપર ઈજાના નિશાન હતા આથી રવિરાજસિંહે લમણા પર પિસ્ટલ રાખી ટ્રીગર દબાવ્યું હશે જેથી જમણી તરફથી ઘૂસેલી ગોળી ડાબી બાજુ એટલે કે આરપાર થઇને સોંસરવી નીકળી ગઇ હતી અને સામેની દીવાલ સાથે અથડાઈને જમીન પર પડી હતી. ઘટનાસ્થળેથી બે ખાલી ખોખા પણ મળી આવ્યા હતા.

સી-વિંગનો કેમેરો પુરાવો આપશે
રાત્રે 2.30 કલાકે કાર આવાસમાં દાખલ થઇ હોવાનું દેખાયું
મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, બુધવાર રાત્રીના 2.30 કલાકે એટલે કે ગુરુવારની વહેલી સવાર પહેલા સફેદ કલરની 8280 નંબરની ક્રેટા કાર આવાસ યોજનામાં દાખલ થઇ હોવાનું સ્પષ્ટ થયું છે. આથી રવિરાજસિંહ મોડી રાત્રીના ખુશ્બુ કાનાબારને મળવા આવ્યો હોવાનું પોલીસ માની રહી છે. 402 નંબરના ફ્લેટમાં વારાફરતી બે ફાયર થયા આમ છતાં ત્રીજા માળે રહેતા લોકોને કોઇપણ પ્રકારનો અવાજ સંભળાયો ન હતો કે કોઇ જાણ થઇ ન હતી. ચોથા માળે 402 નંબરના ફ્લેટની બાજુમાં 401માં ફર્નિચરનું કામ ચાલે છે, જ્યારે 404 નંબરમાં એક પરિવાર રહે છે અને એક ફ્લેટ ખાલી છે. એક માળ પર 4 ફ્લેટ આવેલા છે. ખુશ્બુ કે રવિરાજને રાત્રીના આવતા કે જતા કોઇએ જોયા ન હતા.

તંત્રએ અહીંયા ધ્યાન ન આપ્યું
ફ્લેટ ભાડેથી અપાતા હોવાની અનેક વખત ફરિયાદ કરાઈ મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે વ્યક્તિને ડ્રોમાં ફ્લેટ મળ્યો છે તેના સિવાય અન્ય કોઇ વ્યક્તિને ફ્લેટ ભાડે આપી શકાતો નથી. આમ છતાં 1100થી વધુ ફ્લેટ ધરાવતા આ આવાસમાં અનેક પરિવારો ભાડેથી રહે છે. આ બાબતે અન્ય ફ્લેટધારકોએ એક સપ્તાહ પહેલાં જ પોલીસ કમિશનર, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને તાલુકા પોલીસને લેખિતમાં જાણ કરી હતી કે હાલમાં અનેક પરિવારો અહીંયા ભાડેથી રહે છે જેમાંથી કેટલાક અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર વણઝારાએ આ બાબતે હાઉસિંગ બોર્ડના અધિકારીઓને જાણ કરીને ગેરકાયદે રીતે રહેતા ભાડૂતોને તાકીદે ત્યાંથી હાંકી કાઢવા તાકીદ કરી હતી અન્યથા તેઓની સામે પગલાં લેવા પણ જણાવ્યું હતું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી