• Gujarati News
  • National
  • Two Children Death From Fever In Rajkot, 17 Cases Of Dengue Were Registered In 20 Days

જન્માષ્ટમી પહેલા જ રાજકોટ રોગચાળાના ભરડામાં, 2 બાળકોનાં શંકાસ્પદ મોત, ડેંગ્યુ, ચિકનગુનિયા અને તાવના કેસો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિશ્ર ઋતુમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા, સ્વાઈન ફ્લૂનું જોખમ છતાં સાવચેતીના કોઈ પગલા નહીં
  • મેળામાં ભીડથી ચેપનાં ખતરા વચ્ચે રાજકોટ માંદગીનાં ભરડામાં
  • આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી

રાજકોટ:વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો  છે અને આરોગ્ય અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ છેલ્લા 3-4 દિવસથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. જ્યારે 21 હજાર બ્લડની સ્લાઈડ લેવામાં આવી છે. જન્માષ્ટીના તહેવાર અને લોક મેળા પહેલા જ અનેક લોકો સિવિલમાં સારવાર હેઠળ છે. એક બાજુ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે અને બીજી બાજુ વાસ્તવિકતા જ અલગ છે. રાજકોટમાં આયેશા નામની બાળકીનું અને અન્ય એક બાળકનું શ્વાસનળીમાં દુઘ ભરાતાં  મોત થયું છે.
શહેરમાં છેલ્લા એક મહિનામાં હજારો તાવના કેસ નોંધાઈ ચૂક્યાં છે. શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મચ્છરના બ્રિડિંગની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે રોગચાળો વધશે તો ત્યાંના અધિકારી જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે.

મેયર અને આરોગ્ય સમિતિના ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવી
આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટ આવવાના હોવાથી રોગચાળાને લઈ મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રોગચાળો અટકાવવા માટે તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. તેમજ રોગચાળો અટકાવવા માટે આદેશો કરવામાં આવી રહ્યા છે.

પીએમ રિપોર્ટ બાદ આયેશાના મોતનું કારણ સામે આવશે
સિવિલ સર્જન મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, દરેક ચોમાસામાં રોગચાળો વકરતો હોય છે. લોકો જાગૃતિ દાખવી રોગચાળો અટકાવી શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં આઈપીડી અને ઓપીડીના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. સોમવારના રોજ બે બાળકોના મોત થયા હતા. આ બન્ને બાળકોના સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થઈ ચૂક્યા હતા.જેથી તેમના પીએમ કરાવવામાં આવ્યું હતું. પ્રિન્સનું મોત શ્વાસનળીમાં દૂધ ફસાવાથી થયું હતું જ્યારે આયેશાના મોત અંગે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે.

20 દિવસમાં ડેંગ્યુના 24 પોઝિટીવ કેસ
જુલાઈમાં 301 શંકાસ્પદ ડેંગ્યુ કેસ અને 27 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ઓગસ્ટમાં 288 શંકાસ્પદ ડેંગ્યુ કેસ અને 24 પોઝિટીવ આવ્યા હતા. તેમજ ચિકન ગુનિયાના 22 શંકાસ્પદ અને એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. ઓગસ્ટમાં ચિકનગુનિયાના 26 શંકાસ્પદ કેસ સામે આવ્યા જેમાં 2 પોઝિટીવ  હતા. જુલાઈમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 86,326 દર્દીઓ અને આઈપીડી 5,468 દર્દીઓએ સારવાર લીધી હતી.

3 બાળકોનાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
કુવાડવા રોડ પર રહેતા 5 માસના પ્રિન્સુનું અને સુંદરમ સોસાયટીમાં રહેતી ત્રણ માસની આયેશાનું મોત નિપજ્યું છે. જેમાં આયેશાનું મોત શંકાસ્પદ છે. જ્યારે અન્ય એક બાળકનું શંકાસ્પદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

10,879 ઘરમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી
ચાલુ મહિના દરમિયાન 51,327 ઘર તથા ટાંકા, પીપ વગેરે મળી2,63,631 પાત્રો તપાસવામાં આવ્યાં હતા. જેમાંથી ઘરોની અંદરથી 5572 પાત્રો પોરા માટે પોઝીટીવ મળી આવ્યા હતાં. જે બાબતે ઘરના લોકોને સમજણ આપી પોરાનો નાશ કરવામાં  આવ્યો હતો. તથા  તાવના કેસમાં 4316 લોહીના નમુના લેવામાં આવ્યા છે. તો સોસાયટી વિસ્તારમાં 10,879 ઘરમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી છે.

રોગચાળા મુદ્દે કોંગ્રેસ મેદાનમાં
શહેરમાં વધી રહેલા રોગચાળાને લઈને કોંગ્રેસના કર્મચારીઓએ કોર્પોરેશનમાં કમિશ્નર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે રોગચાળાને લઈને મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતિના ચેરમેને આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રોગચાળાને લઈને તમામ પ્રકારની કરવામાં આવી રહી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં રોગચાળો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં હોવાથી તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે.

રોગચાળાને લઈને શહેરમાં ફોગીંગની કામગીરી હાથ ધરાઈ
શહેરમાં વકરી રહેલા રોગચાળાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે શહેરનાં અલગ અલગ વિસ્તામાં ફોગીંગની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ મચ્છરના બ્રિડિંગની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેથી રોગચાળો વધુ ન ફેલાઈ.

જૂનાગઢ સિવિલમાં દર્દી વધતાં બેડ ખુટી પડ્યા
શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓ જોવા મળી રહ્યા છે. ચાર જિલ્લામાંથી જૂનાગઢ ખાતે સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓને અપુરતી સારવાર અને સુવિધા મળે છે. દર્દીઓમાં વધારો થતાં હોસ્પિટલોમાં બેડ ખુટવા લાગ્યા છે. ચોમાસાના વરસાદી પાણીને લઇને મચ્છરોનો ઉપદ્રવ વધતા તાવ, શરદી, ઉધરસ તેમજ ઝાડા ઉલટીઓના દર્દીઓમાં વધારો થયો છે. સિવિલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. 30 હજારની આસપાસ નોંધાતી ઓપીડી હવે 35 હજારથી પણ વધુ નોંધાઇ રહી છે. સારવાર લેવા આવતા દર્દીઓને વોર્ડમાં દાખલ કરવામાં આવે છે પરંતુ દર્દીઓ વધી જતાં વોર્ડમાં બેડ ખુટી જવાને લીધે દર્દીઓને નીચે ગાદલા પાથરી સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. તેમજ સિવિલનાં પુરૂષ અને મહિલા વોર્ડમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.