• Gujarati News
  • National
  • Tomorrow Morning The 'wind' Storm Will Hit, 359 People Migrated From 55 Villages By This Evening

કાલે વહેલી સવારે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે, આજે સાંજ સુધીમાં 55 ગામના 3599 લોકોનું સ્થળાંતર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘વાયુકાલ’ સામે બાહુબલિ બની લડીશું - Divya Bhaskar
‘વાયુકાલ’ સામે બાહુબલિ બની લડીશું
  • તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરાઈ, સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
  • રાજકોટ જિલ્લામાં વાવાઝોડું ધોરાજી કે ગોંડલ પંથકમાંથી પ્રવેશ કરશે
  • કોલેજોમાં ચાલતી પરીક્ષા પણ નહીં લેવાય

રાજકોટ: શહેર-જિલ્લામાં ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાના ભયે વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને સંભવત: ‘વાયુ’ વાવાઝોડું રાજકોટ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે 3.30 થી 4.30 વાગ્યા વચ્ચે ગોંડલ અથવા ધોરાજી પંથકમાંથી પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. 

દરેક સ્કૂલોમાં એક-એક કર્મચારીને 24 કલાક હાજર રહેવાના હુકમ કરાયા
વાવાઝોડું ત્રાટકવાના ભયે બુધવારે સાંજ સુધીમાં ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણા તાલુકાના 55 ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 3599 લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ કવાયત આદરી છે. તેમજ ગાંધીનગરથી આવેલા આદેશના પગલે 2 લાખથી વધુ ફૂડ પેકેટો તૈયાર કરવા વિવિધ સંસ્થાઓને જવાબદારી સોંપાઈ છે. 

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર 
વાવાઝોડાં ત્રાટકવાના ભયે રાજકોટ શહેર-જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડા પ્રિયાંક સિંઘે જણાવ્યું હતું.

એનડીઆરએફની ટીમ શહેરમાં રહેશે કે તાલુકામાં તેનો આજે નિર્ણય થશે
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે પરિપત્ર જારી કરી વાવાઝોડાની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતી ધ્યાનમાં રાખી આગામી બુધવાર અને ગુરુવારના રોજ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. તેમજ દરેક શાળામાં એક કર્મચારીઓને રાઉન્ડ ધ કલોક હાજર રહેવા અને પ્રાંત કચેરી, મામલતદાર કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે સૂચના મળે તે અનુસાર સલામતી માટે સહયોગ આપવા આદેશ કર્યો છે. 

પીજીવીસીએલની ટેક્નિકલ ટીમને એલર્ટ રહેવાના આદેશ જારી થયા
આ ઉપરાંત રાજકોટ શહેરમાંથી 150 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા હતા. વીજપુરવઠો જાળવવા અને કોઈ વીજક્ષતિ જણાય તો નિવારણ કરવા પીજીવીસીએલની ટેક્નિકલ ટીમને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે. એનડીઆરએફના જવાનોને  બોટ, લાઇફ જેકેટ, લાઇફ રિંગ, વોલ કટર, બ્રિધિંગ એપ્રેટસ સેટ, ટેલી કટર, જીએમ સર્વેમીટર, માઇક્રો સર્વે મીટર, ઓટો ઇન્જેક્ટર સેટ, એનબીસી ઓવરબુટસ સહિત 33 આઇટમોની કિટ સાથે રેસ્ક્યૂ કામગીરી માટે આવી છે.

સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં એલર્ટ, બેડીમાં ગુરુ-શુક્ર આવક બંધ રહેશે
સૌરાષ્ટ્રના તમામ યાર્ડોમાં એલર્ટ જાહેર કરાતા ખેડૂતો સવારથી જ પોતાનો માલ સલામત સ્થળે ખસેડવામાં લાગી ગયા હતા. બેડી યાર્ડમાં પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મગફળી, તલી, ઘઉં, એરંડા વગેરે વેપારીઓને ખુલ્લામાં રાખવા પડ્યા છે. મંગળવારથી જ ખેડૂતોનો માલ પ્લેટફોર્મ પર ઉતારાઈ રહ્યો છે. બેડી યાર્ડના ચેરમને ડી.કે.સખિયાએ કહ્યું કે, માલને કોઇ નુકસાન ન થાય તે માટે વાવાઝોડાની આગાહીને કારણે યાર્ડમાં ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માલની આવક બંધ જ રખાશે.

શહેરમાં જ્યાં જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં-ત્યાં બેરિકેડ કરવા આદેશ
શહેરમાં જુદા જુદા કામ અર્થે જ્યાં જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં બેરિકેડ કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યા છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વિજિલન્સ ટીમ દેખરેખ રાખશે. ખાનગી બાંધકામ હોય કે સરકારી વરસાદ કે વાવાઝોડાને પગલે ખાડાઓમાં પાણી ભરાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે જ્યાં જ્યાં ખાડા ખોદ્યા છે ત્યાં બેરિકેડ કરવા આદેશ અપાયા છે. મેડિકલની ટીમો પણ તૈયાર રાખી છે. કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે.

અગમચેતી / STમાં GPS એક્ટિવ રાખી મોનિટરિંગ થશે
એસ.ટી. નિગમમાં પણ રાજ્યના દરેક ડિવિઝનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવા અને દરેક એસ.ટી બસની જીપીએસ સિસ્ટમ એક્ટિવ રાખી બસ ક્યાં અને કઈ પરિસ્થતિમાં છે તેનું મોનિટરિંગ કરવા જણાવ્યું છે. એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરને પણ વધુ પાણી હોય તેવા વિસ્તારમાં બસ નહીં લઇ જવા અને મુશ્કેલીના સમયમાં કંટ્રોલમાં જાણ કરવા આદેશ આપી દેવાયા છે. 

ફાયરમેનની પરીક્ષા 15મી સુધી મોકૂફ રહી
મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડમાં 9 ફાયરમેનની જગ્યા માટે 3300થી વધુ અરજીઓ આવી છે જેના માટે મંગળવાર સવારથી પરીક્ષા સહિતની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ રાજકોટમાં પણ વાયુ વાવાઝોડાની અસર થવાની સંભાવનાને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ હવે પછીની પરીક્ષા 15 જૂન સુધી સ્થગિત રાખવા આદેશ કર્યા છે.

13થી 15 જૂનનો શાળા પ્રવેશોત્સવ મુલતવી
રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી 13થી 15 સુધી શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરાયો હતો. જો કે, એમાં પણ વાવાઝોડું વિઘ્નરૂપ બન્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ ફંટાતા સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે.