રેસકોર્સ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી જ્યુબિલી બાગ ગાંધીજીના સ્ટેચ્યૂ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો - Divya Bhaskar
બે કિલોમીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો
  • દેશમાં ટુકડા ગેંગ સક્રિય થઇ છે, તેઓ નથી ઇચ્છતા કે દેશ મજબૂત બને, તેથી સીએએનો વિરોધ કરે છે: મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, હજારો લોકો ઊમટી પડ્યા

રાજકોટઃ નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપવા રાષ્ટ્રીય એકતા સમિતિએ ગુરુવારે રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂથી જ્યુબિલી બાગ ગાંધીજીના સ્ટેચ્યૂ સુધી 2 કિ.મી. લાંબી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. તિરંગા યાત્રામાં બે કિલોમીટર લાંબા અને 10 ફૂટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો, ધાર્મિક સંસ્થાઓના વડા, શાળા, કોલેજના બાળકો જોડાયા હતા. આ રેલીને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ પાકિસ્તાન ગયેલા ભારતીયોને નાગરિકતા આપવા અને ત્યાર બાદ નેહરુએ પાકિસ્તાનના લિયાકત અલી સાથે સંધિ કરી હતી કે, એક બીજાના દેશમાંથી આવતા નાગરિકોને નાગરિકતા આપશે, પરંતુ હવે નાગરિકતા આપવા સામે વિરોધ થઇ રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત મજબૂત દેશ બન્યો છે અને કોઇએ ભારત સામે આંખ ઉઠાવી જોયું નથી. ટુકડા ટુકડા ગેંગ સક્રિય થઇ છે તેઓ નથી ઇચ્છતા કે દેશ મજબૂત બને તેથી સીએએનો વિરોધ કરે છે, પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી કાશ્મીર, સીએએ સહિતના જટિલ પ્રશ્નો એક બાદ એક હલ કરી તેઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. નાગરિકતાનો કાયદો નાગરિકતા આપે છે અને કોઇના નાગરિકત્વનો હક્ક છીનવતો નથી. 1947માં દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં 450 મંદિર હતા અત્યારે 25 મંદિર છે અને તે પણ જર્જરિત હાલતમાં છે ત્યાં લઘુમતીઓની સંખ્યા સતત  ઘટી રહી છે તેથી વડાપ્રધાને નાગરિકતા આપવા બિલ લાવ્યા, પરંતુ દેશ વિરોધી તત્ત્વો જૂઠા પ્રચાર કરી રહ્યા છે.

પાંચ રિપોર્ટર પાંચ સ્થળ
રાજકોટમાં ગુરુવારે ઉત્સવ જેવો માહોલ હતો, તિરંગા યાત્રા જે રૂટ પરથી પસાર થવાની હતી તેના મહત્ત્વના પાંચ પોઈન્ટ પર દિવ્ય ભાસ્કરે પાંચ રિપોર્ટરને તૈનાત કર્યા હતા તેનું પળેપળનું કવરેજ અત્રે પ્રસ્તુત છે...
તમામ ધર્મ-સંપ્રદાયના સાધુ-સંતો જોડાયા
તિરંગા યાત્રામાં જૈનમુનિ સંતો, અપૂર્વમુનિ સ્વામી, ભૂપેન્દ્ર રોડ મંદિરના કોઠારી રાધારમણદાસજી સ્વામી, આર્ષ વિદ્યામંદિરના ફાઉન્ડર પરમાત્માનંદ સરસ્વતીજી, ઇન્દ્રવિજય મહારાજ, વિશ્વબંધુજી, ધર્મવલ્લભજી, નિર્દોષમુનિ, વિવેકસાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પંચાયતઃ 10:10 વાગ્યે વિદ્યાર્થીઓ ઊભા રહી જતા પાછળથી આવતા વિદ્યાર્થીઓ એકબીજા સાથે ભટકાયા હતા અને ધ્વજ ભેગો થઈ ગયો હતો. કાર્યકરોએ તુરંત જ વિદ્યાર્થીઓને ભગાવ્યા હતા જેથી એકદમથી તિરંગો ખેંચાતા જિલ્લા પંચાયતની કચેરીની સામેના જ ભાગમાં ધ્વજના બે ભાગ થઈ ગયા હતા.

યાજ્ઞિક રોડઃ યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ પેલેસ હોટેલમાં ઉતરેલા વિદેશી મહેમાનો સવારથી દેશભક્તિના ગીતો સાંભળીને હોટેલના પેસેજમાં આવી ગયા હતા અને આખી તિરંગા યાત્રા નિહાળી હતી. હોટેલની સામે જ ઊભા કરેલા સ્ટેજ પર વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા.

ત્રિકોણબાગઃ ત્રિકોણબાગ ખાતે 10.30 કલાકે તિરંગા યાત્રા પહોંચી હતી. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએએના સમર્થનમાં યુવતીઓએ રાસ રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર  ડાન્સ રજૂ કરીને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રમય બનાવી દીધું હતું.

જ્યુબિલી ચોકઃ સવારે 10:35થી 11 કલાક દરમિયાન યાત્રા ગાંધી મ્યુઝિયમ પહોંચી હતી. યાત્રા આવી પહોંચતા વાહનચાલકોને રસ્તો ઓળંગતા પોલીસે પકડી રાખવા પડ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયેલા હોય જ્યુબિલી ચોક પાસેનો રસ્તો બંધ કરી દેવાતા વાહનચાલકો અટવાયા હતા. 

કોગ્રેસ પર મુખ્યમંત્રીએ પ્રહારો કર્યા 
વિજય રૂપાણીએ CAAના સમર્થનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ, જૈન સમાજ, હિન્દુ સમાજ બધા જ સમાજોના આગેવાનો અને ધર્મગુરૂઓ આજે CAAના સમર્થનમાં બહાર આવ્યા છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ ઐતિહાસિકભર્યો નિર્ણય કર્યો છે તેનું આ સમર્થન છે. ગુજરાતમાં અલગ અલગ મહાનગરોમાં દરેક જગ્યાએ આ રેલી નીકળી રહી છે. જનસમર્થન ગુજરાતમાંથી આજે CAAને વ્યાપક પ્રમાણમાં મળી રહ્યું છે. કોંગ્રેસ મુસ્લિમોને ગુમરાહ કરી રહી છે. CAAથી અન્ય દેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની છે કોઇની નાગરિકતા છીનવવાની નથી. આથી દેશમાં રહેતા લોકોએ ડરવાની જરૂર નથી. કોંગ્રેસ CAAને લઇને દેશમાં રહેતા લોકોને ગેરમાર્ગે લઇ જઇ રહી છે. અલ્યા, માલ્યા જમાલ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.   

ભાજપમાં હવે કોઇ બે ફાંટા નથી: બાવળીયા 
તિરંગા યાત્રામાં હાજર રહેલા કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ભાજપમાં હવે કોઇ બે ફાંટા નથી. જે ગેર સમજણ હતી તે દૂર થઇ ગઇ છે. નવા પરિપત્રથી કોઇ પણ સમાજને અન્યાય નહીં થાય. SC, ST અને OBC કોઇ પણ અન્ય સમાજના લોકોને અન્યાય ન થાય તે પ્રમાણે સુધારા વધારા કરવામાં આવશે. તમામને ન્યાયિક રીતે મેરીટના ધોરણે ન્યાય મળે તે રીતે સુધારા કરવામાં આવશે.

સાધુ-સંતો પણ તિરંગા યાત્રામાં જોડાયા 
રેલીમાં સાધુ, સંતો પણ જોડાયા હતા. જેમાં મુંજકા આશ્રમના સ્વામી પરમાનંદજી તેઓના આશ્રમમાં યોજાયેલી શિબિરમાં હાલ ઉપસ્થિત 28 NRI સાથે આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારેશ્વર મંદિર ભક્તિનગર તથા રણછોડદાસ આશ્રમના સંત-મહંત તેમજ સેવકગણોએ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં વિવિધ સામાજીક સંસ્થાઓ, સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા. 

પોલીસ કમિશનર અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું હતું
CAAના સમર્થનમાં તિરંગા યાત્રાને લઇને શહરેના માર્ગો પર ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે યાત્રાને જોડતા અનેક માર્ગો પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેમજ કેટલાક માર્ગોને ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સનું ગ્રાઉન્ડ પર વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...