રાજકોટ / જજે કહ્યું આરોપીના વકીલ ક્યાં? 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચનારે લખીને આપ્યું કે મારો કેસ હું જાતે લડીશ

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

  • તાત્કાલિક તપાસ પૂરી કરી ચાર્જશીટ રજૂ કરવા રાજકોટ બારની રજૂઆત
  • આરોપી પર ટપલીદાવ થાય તે પહેલાં કોર્ટ સંકુલમાંથી લઈ જવાયો

Divyabhaskar.com

Dec 03, 2019, 10:39 AM IST

રાજકોટ: દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ સોમવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે આરોપીના વકીલ ક્યાં તેવું જજે પૂછતા 250થી વધુ વકીલ કોર્ટ રૂમમાં એકઠા થઇ ગયા હતા. જેને કારણે મામલો ગરમાયો હતો. અંતે આરોપીએ પોતાનો કેસ જાતે જ લડશેનું લખી આપતા મામલો થાળે પડ્યો હતો.

250 જેટલા વકીલો કોર્ટ રૂમમાં ધસી જતા મામલો ગરમાયો હતો

માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર ભારતનગર-8ના હરદેવ મશરૂ માંગરોળિયાની પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડની માગણી સાથે સોમવારે બપોરે પોણા બે વાગ્યે જજ ડી.ડી.ઠક્કરની કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી હરદેવ તેના વકીલ વગર કોર્ટમાં હાજર થયો હોય જજે નિયમ મુજબ આરોપીને વકીલ ફાળવવા માટે લીગલ સેલમાં જાણ કરી હતી. આરોપી પક્ષે વકીલની નિમણૂક અંગેની જજે લીગલ સેલને જાણ કરી હોવાની જાણ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીને થતાં તેઓ બારના અન્ય હોદ્દેદારો સહિત 250 જેટલા વકીલ સાથે કોર્ટ રૂમ દોડી ગયા હતા. અને આરોપી સામે ગંભીર ગુનો હોવાથી બાર એસોસિએશને તેના પક્ષે કોઇ વકીલે કેસ ન લડવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો હોવાની રજૂઆત બાર પ્રમુખે જજને કરી હતી. એક તબક્કે કોર્ટમાં વકીલોના રોષથી વાતાવરણ ગરમાયું હતું. બાદમાં આરોપી તેનો કેસ જાતે લડશેની વાત જાહેર થઇ હતી.
અદાલતે આરોપી હરદેવ માંગરોળિયાને પોલીસ કસ્ટડીમાં સોંપ્યો હતો. કોર્ટમાં કાર્યવાહી ચાલુ હતી તે સમયે પણ વકીલો મોટી સંખ્યા હાજર હોય અને તેમનો રોષ જોતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીને કોર્ટ રૂમથી મોબાઇલમાં બેસાડીને લઇ ગયા હતા. બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચલાવવા માંગ કરી હતી.

રાજકોટની પીડિતાને સરકાર સ્પે. પીપી આપશે: ગૃહમંત્રી જાડેજા

ગુજરાતની આર્થિક કરોડરજ્જૂ ગણાતા સુરત, રાજકોટ અને વડોદરામાં સગીર બાળકીઓ પર દુષ્કર્મના કેસના કારણે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે. સુરત અને રાજકોટના કેસમાં આરોપીઓની ધરપકડ કરાઇ છે, જ્યારે વડોદરામાં પોલીસ શકમંદોની અટકાયત કરીને તપાસ પૂરઝડપે ચાલી રહીં હોવાનું ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ત્રણેય કેસની પીડિતાને મદદરૂપ થવા મુખ્યમંત્રીની સુચના અનુસાર રાજ્ય સરકાર સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકિયુટર(વકીલ) આપશે. ઉપરાંત તમામ કેસને ફાસ્ટ ટ્રેક મોડ પર ચલાવવા અને પેરવી ઓફિસરની સેવા આપવા માટે રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટને વિનંતી કરશે તેવી જાહેરાત પ્રદિપસિંહે કરી હતી.

આરોપીને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા

પોલીસે સોમવારે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપી હરદેવ માંગરોળિયાને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 2 દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનરે આરોપીની માહિતી આપનાર માટે રૂ.45 હજારનું ઇનામ જાહેર કર્યું હતું જે રકમ પોલીસને જ મળી હતી, આ ઉપરાંત સામાજિક સંગઠને જાહેર કરેલી રકમ મળી ઇનામની કુલ રૂ.70 હજારની રકમ સાથે ડીસીપી ઝોન 1 રવિ સૈની, એસીપી ટંડેલ અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ.એમ.ગઢવી હોસ્પિટલે પહોંચ્યા હતા અને બાળકીના પરિવારને રૂ.70 હજાર અર્પણ કર્યા હતા તેમજ બાળકી માટે પોલીસ રમકડાં પણ લઇ ગઇ હતી.

X
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતોઆરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી