તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેપરોમાં છબરડાં નિવારવા ફરી ચેરમેન સિસ્ટમને અમલમાં મૂકશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દરેક વિષયમાં પેપર કાઢવામાં એક-એક ચેરમેન મુકાશે, ત્યારબાદ જવાબદારી ચેરમેનની રહેશે
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં જૂની પ્રથા ફરી અમલી બનાવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચ-એપ્રિલમાં લેવાયેલી પરીક્ષામાં અનેક પેપરોમાં છબરડાં હોવાનું બહાર આવ્યું હતું અને તેના પરિણામે વિદ્યાર્થીઓને પેપરમાં ભારે હાલાકી અનુભવવી પડી હોવાની અને પરીક્ષાનો રિયલ સમય પૂરો થયા બાદ મોડે સુધી પેપર ચાલુ રાખવાની યુનિવર્સિટીના સત્તાધીશોને ફરજ પડી હતી જેને ધ્યાનમાં લઇને હવે પેપરોમાં છબરડાં અટકાવવા ચેરમેનની જૂની સિસ્ટમ ફરી અમલી કરવાનો નિર્ણય કરાયો છે.

પેપર કાઢવાની નવી સિસ્ટમનો અમલ
પ્રો-વાઇસ ચાન્સેલર ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પેપરોના એસેસમેન્ટની સિસ્ટમમાં ધરમૂળમાંથી ફેરફાર કરી નખાવવામાં આવ્યા બાદ હવે પેપરો કાઢવાની સિસ્ટમમાં સુધારો કરવાનું અભિયાન હાથ ધરાયું છે. જેમાં દરેક વિષયનું પેપર કાઢનારા 3 કે 5 અધ્યાપકોમાંથી એક સિનિયર અધ્યાપકને ચેરમેન બનાવાશે અને તે જેટલા અધ્યાપકોને પેપર કાઢવાની જવાબદારી સોંપી હશે તેની સાથે કો-ઓર્ડિનેશન કરશે. આ ચેરમેન જેટલા અધ્યાપકોએ પેપર કાઢ્યા હશે તેના પેપરો ચેક કરશે અને તેમાં કોઇ ભૂલ હશે તો પરીક્ષા વિભાગમાં જમા કરાવતા પહેલા સુધરાવી નાખશે. જેથી ભૂલ થતી અટકશે. પછી પણ જો ભૂલ નીકળશે તો જવાબદારી ચેરમેનની ફિક્સ કરાશે.

આ પ્રકારની ભૂલો થતી હતી

 • પહેલા સેમેસ્ટરની પરીક્ષામાં બીજા કે બીજામાં ત્રીજા-ચોથા સેમેસ્ટરનું પેપર નીકળી જતું હતું.
 • ઓછા વેઈટેજવાળા  ચેપ્ટરમાંથી વધુ ગુણના પ્રશ્ન પૂછતા. 
 • નવો સિલેબસ અમલી થઇ ગયો હોવા છતાં જૂના સિલેબસના કોઇ ચેપ્ટરનો પ્રશ્ન પેપરમાં પૂછતા હતા
 • ભળતા નામના વિષયના પેપર જ કેન્દ્રમાં પહોંચતા હતા
 • પ્રશ્ન પૂછવામાં ઘણી ‌વખત છબરડાં થતાં હતા.

નવી સિસ્ટમથી આ થશે ફાયદો

 • પેપરમાં આવતા છબરડાં મહદઅંશે નિવારી શકાશે
 • વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ અટકશે.
 • બિનજરૂરી વિવાદ ટાળી શકાશે અને પરીક્ષા વિભાગની કામગીરી ડિસ્ટર્બ નહીં થાય.

આ સિસ્ટમ હતી
અત્યાર સુધી કોઇપણ વિષયનું પેપર 3 કે 5 અધ્યાપકોને કાઢવા માટે અપાતા હતા. આ અધ્યાપક પોતાના કોડ નંબર સાથે પરીક્ષા વિભાગમાં સીલબંધ કવરમાં પેપર જમા કરાવી જાય છે. ત્યારબાદ તેમાંથી એ, બી કે સીમાંથી કોઇપણ એક પેપર છપાવવા માટે ટીક કરી સિલેક્ટ કરાતા. પેપર છપાઇ ગયા બાદ સીલબંધ કવરમાં જ સીધું જે તે પરીક્ષા કેન્દ્રમાં મોકલાતું અને પરીક્ષા સમયે કવર ખોલાય ત્યારે ભુલની ખબર પડતી.

અન્ય સમાચારો પણ છે...