તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઘમાં માતા પડખુ ફરતા પુત્ર દબાયો, શ્વાસનળીમાં દૂધ ભરાતા બાળકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જનેતાનું દૂધ જ પુત્રના મૃત્યુનું નિમિત્ત બન્યાના કારણથી માતાને હજુ અજાણ રખાઈ છે
  • રાજકોટની ઘટના, દૂધ ભરાઈ જવાથી હૃદય બંધ થયાનું ખુલ્યુ

રાજકોટઃ માતાનું દૂધ અમૃત સમાન હોય છે પણ આ દૂધ જ એક બાળક માટે વિષ બનીને જીવ લઇ ગયું હોય તેવો દુર્ભાગ્યપૂર્ણ બનાવ રાજકોટ શહેરમાં બન્યો છે.  સવારે પ્રિન્સ નામના 5 માસના બાળકને મૂર્છિત હાલતમાં તેડીને માતા-પિતા શહેરના ખાનગી હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. જ્યાં તેમણે સરકારી હોસ્પિટલમાં જવાનું કહેતા બંને સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યાં પહોંચતાં જ તબીબે બાળકને મૃત ઘોષિત કર્યું હતું. બાળકને કોઇ બીમારી ન હતી કે પછી તેમના ઘરમાં કોઇ બીમાર ન હતા. તેને તમામ રસી પણ આપી દેવાઈ હતી તો પછી અકાળે મોત મળ્યું તેનું કારણ જાણવા પરિવારજનો બેબાકળા બન્યા હતા. અંતે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દૂધને કારણે મોત મળ્યાનું બહાર આવ્યું હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જો કે પોતાના પુત્રના મૃત્યુનું કારણ પોતાનું જ દૂધ છે તે હકીકતથી માતાને બેખબર રખાઈ હોવા છતાં માતા આઘાતમાંથી હજુ બહાર આવી નથી.

માતા મોતના આઘાતમાં સરી પડ્યાં
મનપાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાત્રે બાળકને સ્તનપાન કરવાની જરૂર લાગતા માતાએ સ્તનપાન શરૂ કરાવ્યું હતું. આ સમયે માતા અને પુત્ર બંને સૂતા હતા. ઊંઘમાં જ માતાને ખ્યાલ નહીં આવ્યો હોય અને તે પુત્ર પર પડખું ફરી ગઇ હતી. આ સમયે સ્તનપાન ચાલુ જ હતું જેથી દૂધ બાળકના મોંમાં આવતું જ રહ્યું. બાળક દબાઇ જતાં શ્વાસ લેવા ગયું ત્યાં આ દૂધ શ્વાસનળીમાં જતું રહ્યું અને તે ફેફસાંમાં ભરાઈ જતા બાળકનું હૃદય અને ફેફસાં બંને બંધ પડી જતા ઊંઘમાં જ તેનો જીવ જતો રહ્યો હતો. વહેલી સવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા પણ ત્યાં ડોક્ટરને ખ્યાલ આવી જતા સરકારી હોસ્પિટલ મોકલવાની સલાહ આપી હતી. માતાના દૂધને કારણે બાળકનો જીવ ગયો તે ખૂબ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય. સૌથી પહેલા બાળકના પિતાને રિપોર્ટ અંગે જાણ કરવામાં આવી હતી અને મૃત્યુનું કારણ બતાવ્યું હતું. માતાને તો પુત્રનાં મોતની ખબર પડતા તેઓ મોટા આઘાતમાં સરી ગયા છે અને બોલી ન શકે તેવી સ્થિતિ છે. 

સ્તનપાન પછી બાળકને થાબડવું 
માતા હજુ બાળકનાં મોતના આઘાતમાં છે હજુ તેને મોતનું કારણ ખબર નથી જ્યારે તેને જાણ થશે કે તેના વહાલસોયા પુત્રનાં મોતનું કારણ તેનું દૂધ છે તો કેવો વજ્રઘાત માતા પર થશે તેનો અંદાજ કાઢવો પણ શક્ય નથી. સ્તનપાનની સ્થિતિ વિશે ડો. રાઠોડે જણાવ્યું કે સૂતા સૂતા સ્તનપાન કરાવવાથી આ પ્રકારની ઘટનાઓ બની શકે છે એ માટે જ અલગ અલગ કેમ્પ દ્વારા માતાઓને સલાહ આપવામાં આવે છે કે બાળકને સ્તનપાન કરાવવા તેને ખોળામાં રાખવું જોઇએ. આ ઉપરાંત કાંગારું પદ્ધતિ પણ અપનાવી જોઇએ જેથી બાળક કેટલું સ્તનપાન કરે છે અને ક્યારે સૂઈ જાય છે તેનો ખ્યાલ રહે. આ ઉપરાંત સ્તનપાન પછી તેને થાબડવામાં આવે તો બીજી કોઇ સમસ્યા પણ ન થાય.