રાજકોટ / લગ્ન સમયે દીકરીના પિતા ચિંતા છોડે, ઝીક્સ ગ્રુપને કંકોત્રી મોકલો, યુવાઓ જમણવાર માટે ફ્રીમાં શાકભાજી આપશે

  • 6 દિવસમાં આ ગ્રુપને 10 હજાર ઓર્ડર મળી ચૂક્યા છે
  • એક મહિના અગાઉ કંકોત્રીનો ફોટો મોકલવાનો રહેશે
  • આ ગ્રુપના સભ્યોનો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે

Divyabhaskar.com

Nov 20, 2019, 06:28 PM IST

રાજકોટ: દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે. કંકોત્રી મળતા જ આ ગ્રુપના યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી દે છે અને તે પણ સાવ ફ્રીમાં. આ ગ્રુપના મોહિતભાઇએ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

મુંબઇમાં લગ્ન હોય તો પણ આ ગ્રુપના સભ્યો સક્રિય છે

રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોએ એક નવો વિચાર કરી નવી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર રાજ્ય અને મુંબઈમાં દીકરીના લગ્ન હોય તો આ સમયે તેમના લગ્ન સ્થળ સુધી નિશુલ્ક શાકભાજી પહોચાડવા નક્કી કર્યું છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી દીકરીના લગ્નની કંકોત્રીનો ફોટો અને શાકભાજીનું લિસ્ટ એક મહિના અગાઉ મોકલી આપનારને સેવા આપવામાં ઝીક્સ ગ્રુપ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.

ગ્રુપના સભ્યોએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે

રાજકોટ સહિત રાજ્યભરમાં અને મુંબઈમાં શાકભાજીની ફ્રી હોમ ડિલિવરી કરતા યુવાનોએ સાથે બેસી એક અનોખો વિચાર આવ્યો અને એ વિચાર અમલમાં મુક્યો છે. ઝીક્સ ગ્રુપના યુવાનોને દીકરીના લગ્ન સમયે પરિવાર સમયે ચિંતામાં રહેતા પિતા અને પરિવારની ચિંતા ઓછી કરવા નક્કી કર્યું અને સોશિયલ મીડિયા મારફત કોન્ટેક્ટ કરી એક મહિના અગાઉ જાણ કરી રજીસ્ટ્રેશન કરાવવા આહવાન કર્યું છે. જાહેરાત થતાની સાથે જ આ સેવાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને 6 દિવસમાં 10 હજાર બુકિંગ મળ્યા હોવાનું યુવાને જણાવ્યું હતું. એમબીએ સુધી અભ્યાસ કરનાર આ યુવાને સમાજની સેવા કરવાનું નક્કી કર્યું હતું અને પોતાના જ કામને લગતી સેવા શરૂ કરવા નિર્ણય કર્યો છે.

આ સેવા અન્ય રાજ્યોમાં પણ શરૂ કરવાની ઇચ્છા

સેવાની વ્યાખ્યામાં રાજકોટની આ ટીમે જરા હટકે અંદાજ અપનાવ્યો છે, ત્યારે દીકરીના પિતાની ચિંતા વિચારી નિઃશુલ્ક અને નિસ્વાર્થ સેવા કરવાનો આ વિચાર આજના યુવાનોમાં જોવા મળ્યો તે બાબત રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત કહી શકાય. ત્યારે હાલમાં 50 સભ્યોની ટીમથી સેવા શરૂ કરનાર આ યુવાનો ધીમે ધીમે આ સેવા અન્ય રાજ્યોમાં શરૂ કરવા ઈચ્છા દર્શાવી છે. રાજકોટમાં ઝીક્સ ગ્રુપની સંસ્થા આરટીઓ પાસે ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કાર્યરત છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી