Corona Update Live Gujarat / ગુજરાતમાં કોરોના ઘુસ્યો, રાજકોટ-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, અમદાવાદની યુવતી પોઝિટિવ હોવાની શંકા

જામનગરની લેબોરેટરીમાં સ્પષ્ટ ન થતા નમૂના પુના મોકલાયા (સિવિલ હોસ્પિટલની ફાઇલ તસવીર)

  • અમદાવાદની યુવતી રહે છે તે સેટેલાઈટ વિસ્તારની આખી સોસાયટીને મોડી રાત્રે ક્વોરન્ટાઈનમાં મૂકાઈ
  • રાજકોટના કોરોનાના દર્દી સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા અને 11 દિવસમાં મળેલા 1 હજારથી વધુને ક્વોરન્ટાઈનમાં મુકાશે
  • સુરતની યુવતી લંડનથી, રાજકોટનો યુવક પરિવાર સાથે UAEથી આવ્યો
  • રાજકોટના યુવાનના પરિવારમાં 4ની તબિયત બગડી, સેમ્પલ લેવાયાં
  • જ્યાં યુવક રહેતો હતો ત્યાં 40 ટીમે 18 હજારથી વધુ ઘરોમાં સરવે કર્યો

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 02:35 AM IST

રાજકોટ, સુરત, અમદાવાદ: છેવટે ગુજરાતમાં પણ કોરોના વાઈરસ ઘૂસી આવ્યો છે. રાજકોટ અને સુરતમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટનો મક્કા-મદીના ગયેલો એક યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને બીમારીમાં સપડાયો હતો. આ યુવાન સાઉદીથી મુંબઈ થઈને ટ્રેનમાં રાજકોટ પહોંચ્યો હતો. 17 માર્ચે તેને પીડીયુ મેડિકલ કોલેજમાં દાખલ કરાયો છે. બીજીબાજુ સુરતની 21 વર્ષની યુવતી લંડનમાં અભ્યાસ કરતી હતી અને તે મુંબઈ થઈને સુરત પહોંચી હતી. તેને પણ સુરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના સેમ્પલ અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં મોકલી અપાયા હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરતની યુવતી લંડનમાં અભ્યાસ કરતી હતી
સુરતની યુવતી લંડનમાં અભ્યાસ કરે છે. 16 માર્ચે તે પરત આવી પછી તેને ઉધરસ અને તાવની તકલીફ થતાં સિવિલમાં દાખલ કરાઈ હતી. ત્યાં તેની તપાસ કરાતાં તેનામાં કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા. તેના સંપર્કમાં આવેલી 9 વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરાઈ છે.
રાજકોટમાં 42 વર્ષીય પ્રૌઢ સાઉદીથી આવ્યો હતો
રાજકોટનો 42 વર્ષીય પ્રૌઢ મદીનાથી મુંબઈ થઈને ટ્રેનમાં રાજકોટ પહોંચ્યો હતો. તેનામાં કોરોનાના લક્ષણ મળતાં તેના 17 જેટલા સંબંધીઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે 18 હજારથી વધુ ઘરોમાં સરવે પણ હાથ ધર્યો છે.
અમદાવાદની યુવતી પોઝિટિવ હોવાની આશંકા
ગુજરાતમાં કોરોનાના રાજકોટ-સુરતના 2 દર્દીના કેસ પોઝિટિવ આવ્યા છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષનો યુવક મક્કાથી મુંબઈ પરિવાર સાથે આવ્યો હતો અને ત્યાંથી ટ્રેનમાં 8 માર્ચે રાજકોટ પરત ફર્યો હતો. તેની સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ અને 8 તારીખથી 19 તારીખ સુધી તેના સંપર્કમાં આવેલા 1 હજારથી વધુ લોકોની આરોગ્ય વિભાગે ચકાસણી શરૂ કરી છે. આ તમામને ક્વોરન્ટાઈન કરાશે. જ્યારે ન્યૂ યોર્કથી આવેલી અમદાવાદની એક યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા છે. વધુ ચકાસણી માટે સેમ્પલ પૂણે મોકલાયા છે. બીજી તરફ મોડી રાત્રે આ યુવતી જે જગ્યાએ રહે તે સેટેલાઈટ વિસ્તારની આખી સોસાયટીને ક્વોરન્ટાઈનમાં મુકી દેવાઈ છે.
અન્ય બે દવાખાને પણ દવા લીધી હતી
ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવી છે. 8મી માર્ચે રાજકોટ આવ્યા બાદ તેને એક સપ્તાહ સુધી શરદી હતી. આ દરમિયાનમાં યુવક દેવપરામાં આવેલા ખાનગી ડોક્ટર પાસે દવા લેવા પહોંચ્યો હતો. તે દવાથી તબિયતમાં કોઈ સુધારો ન થતાં અન્ય બે દવાખાને પણ દવા લીધી હતી. છતાં પણ તબિયતમાં સુધારો ન થતાં આખરે 16મી માર્ચે આ યુવક દેવપરા વિસ્તારની લોટસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતાં અને તેની હિસ્ટ્રી જાણતા તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો.
1 મીટરના અંતરમાં મળેલા તમામ લોકોને હવે શોધવામાં આવી રહ્યા છે
17 માર્ચે યુવક સિવિલ પહોંચ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવારમાં સિવિલના તબીબોએ તેને કંઈ ન હોવાનું કહી રજા આપી દીધી હતી. જોકે ખાનગી હોસ્પિટલના તબીબે સિવિલ સર્જનને યુવક શંકાસ્પદ હોવાની જાણ કરતાં તાત્કાલિક તેને પાછો બોલાવાયો હતો અને રાત્રે દાખલ કરી તેના સેમ્પલ લેવાયા હતા. ત્યારબાદ તેને જામનગર ખાતે રિફર કરાયો હતો. 10 દિવસના સમયગાળામાં યુવક ઉમરાહ કરીને આવ્યો હોવાથી સંખ્યાબંધ લોકો તેને મળ્યા હતા. આ પછી તેને કોરોના ડિટેક્ટ થયો હોવાને કારણે હવે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. 1 મીટરના અંતરમાં તેને મળેલા તમામ લોકોને હવે શોધવામાં આવી રહ્યા છે અને તમામનું તબીબી પરિક્ષણ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવા કે નહીં તેનો નિર્ણય કરાશે. 2 પોઝિટિવ કેસ પછી રાજ્યના દરેક શહેરના મેડિકલ ઓફિસરોને એલર્ટ કરી દેવાયા હોવાનું સૂત્રોનું કહેવું છે.
રાજકોટના દર્દીની તપાસ કરનારા 4 ડોક્ટરને પણ ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા
કોરોના પોઝિટિવ આવ્યા પહેલા યુવાનેને શરદી અને તાવની સમસ્યા રહેતા અલગ અલગ 4 તબીબો પાસે સારવાર કરાવી હતી. તે પૈકીના એક તબીબને સાંજે જ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. આ ઉપરાંત અન્ય 3 તબીબોનો પણ રાત્રીના સમયે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ તબીબોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ ચારેય તબીબને હોમ ક્વોરન્ટીનને બદલે પથિકાશ્રમમાં રખાયા છે. આ ઉપરાંત એક તબીબે ચકાસેલા તમામ દર્દીઓને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ માટે અલગ અલગ મેડિકલ ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત યુવક જ્યાં રહે છે તેના ઘરે અને તેની આસપાસના ઘરોમાં પણ ફ્યુમિગેશન કરવા માટે રાજ્ય સરકારે મ્યુનિ. હેલ્થ વિભાગને તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્યની 40 ટીમ, 18 હજારનો સરવે
રાજકોટમાં કોરાનાનો પોઝિટિવ રિપોર્ટ આવે તે પહેલાં જ મ્યુનિ.એ જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય વિભાગની 40 ટીમો ઉતારી દીધી હતી. આ ઉપરાંત જે સ્થળે યુવક રહેતો હતો તેમજ તેના જે સંબંધીઓને ક્વોરન્ટાઈન કરાયા છે તેમની આસપાસના 18 હજાર લોકોનો સરવે એક જ દિવસમાં કર્યો હતો. જો કે, એકપણમાં કોરોનાના લક્ષણ નહીં મળ્યા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે.
બંને દર્દીઓ સાથે ટ્રાવેલ કરનારાની તપાસ થશે
ગુજરાત આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ અને સુરતના દર્દી સાથે ટ્રાવેલ કરનારા તમામ લોકોની માહિતી અમે એકત્રિત કરી રહ્યા છે. તેઓ જ્યાં ગયા અને જેને મળ્યા છે તે તમામની તપાસ કરવામાં આવશે.
જામનગરના 20 ક્વોરન્ટાઈનમાં
કોરોના પોઝિટિવ યુવક સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં આવ્યો હતો. તેની સાથે જામનગરના 20 પેસેન્જર હતા. જેમાંથી 15ને ઓળખી કાઢી હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
જ્યારે રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેષ ભંડેરીએ અપીલ કરી છે કે, કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો તેને જે લોકો મળ્યા હોય તેમણે સામેથી જાણ કરવી જોઈએ. આ ઉપરાંત કોઈનામાં લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
કોરોનાના દર્દીને ‘તમને કંઈ નથી કહી રાજકોટ સિવિલે રવાના કરી દીધો હતો’
શહેરમાં કોરોનાના ભય વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી પકડાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યો તે યુવક અને તેના પિતા મંગળવારે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ અહીંના ડોક્ટરે તમને કઈ નથી કહી તગેડી મૂક્યા હતા.
આ યુવક ચાર ખાનગી ડોક્ટર પાસે પણ સારવાર માટે ગયો હતો. પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં ગત મંગળવારે સિવિલમાં ગયો હતો. યુવકે શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને દવા લખી આપી હતી. જો કે, એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે આ દર્દીને સિવિલમાં જવાની સલાહ આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને યુવક અને તેનો પરિવાર મક્કા મદીનાથી આવ્યો હોવાની જાણ કરી હતી.
યુવક અને તેના પિતા સિવિલ હોસ્પિટલમાં રવાના થયા પછી આરોગ્ય વિભાગમાંથી ફોન આવતાં બંનેને સિવિલના ડોક્ટરોએ ફોન કરીને પાછા બોલાવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ 9 સભ્યોનો પરિવાર મક્કા ગયો હતો અને 8 માર્ચે પરત ફર્યો હતો.
રાજ્યભરના ખાનગી પાર્ટી પ્લોટ પણ આજથી બંધ
રાજ્યભરના ખાનગી પાર્ટી પ્લોટો પણ બંધ કરી દેવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. જેને પગલે શુક્રવારે મ્યુનિ. દ્વારા અમદાવાદ શહેર અને ઔડાની હદમાં આવેલા અંદાજે 1 હજારથી વધુ પાર્ટી પ્લોટો બંધ કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. 29 માર્ચ સુધી આ તમામ પાર્ટી પ્લોટો બંધ રખાશે.
બીજી તરફ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્કેનિંગ માટે ટુ લેયર કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર એક જ લેયરમાં વિદેશથી આવતા લોકોની તપાસ કરવામાં આવતી હતી, પરંતુ હવે જુદી જુદી બે ટીમો દ્વારા સ્કેન કર્યા બાદ જ જે તે મુસાફરને એરપોર્ટની બહાર લાવવામાં આવે છે. ત્યાંથી સીધી બીઆરટીએસ બસ મારફતે સ્પોર્ટ્સ ક્લબ અથવા સ્પોર્ટ્સ હોસ્ટેલ ખાતે ઓબ્ઝર્વેશન માટે લઈ જવામાં આવે છે. 24 કલાકના ઓબ્ઝર્વેશન પછી તેમની સ્થિતિ શંકાસ્પદ ન લાગે તો તેમને જે તે શહેરમાં જવાની મંજૂરી આપવામાં આવે છે.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, ખાનગી પાર્ટી પ્લોટ ઉપરાંત તમામ એમ્યુઝમેન્ટ પાર્ક પણ બંધ કરાવવામાં આવશે.
અમદાવાદીઓને અપીલ કરી છે કે, કોરોના મુદ્દે ગંભીરતાથી દાખવવામાં આવે અને વિદેશથી આવેલા એક પણ સભ્ય સાથે સંપર્કમાં આવવાનું લોકો ટાળે. ઘરની બહાર પણ નીકળવાનું લોકો ટાળે તે જરૂરી છે. જરૂરિયાત સિવાયની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં લોકો જોડાય નહીં તે ખૂબ જ જરૂરી છે.
વધુ 5 લોકોના સેમ્પલ નેગેટિવ આવ્યા
ન્યૂ યોર્કથી અમદાવાદમાં આવેલી વધુ એક 22 વર્ષની અને અન્ય એક શંકાસ્પદની સ્થિતિ ગંભીર બનતા તેમના સેમ્પલ પૂણે મોકલાયા છે. આ ઉપરાંત પણ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયેલા 5 શંકાસ્પદોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ન્યૂ યોર્કથી આવેલી યુવતીને પોઝિટિવ હોવાનો મેસેજ પણ વાઈરલ થયો હતો.

કઈ સેવા પર અસર
શિક્ષણ : ગુજકેટ રદ

30 માર્ચે યોજાનારી ગુજકેટની પરીક્ષા 14 એપ્રિલ પછી યોજાશે. આ ઉપરાંત ભરતી પરીક્ષા તેમજ સ્કૂલોની પરીક્ષા મોકૂફ છે.
ટ્રાન્સપોર્ટ
એએમટીએસ :
મ્યુનિ.એ એએમટીએસ બસોની ફ્રીકવન્સી 10 ટકા ઘટાડી નાખી છે. છેલ્લા કેટલાક દિવસમાં આ સેવામાં પેસેન્જરની સંખ્યામાં 70 હજારનો ઘટાડો નોંધાયો હતો. જરૂર પડે ફ્રીકવન્સીમાં વધુ ઘટાડો થઈ શકે છે.
એસટી : એસટી નિગમે અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત સહિતના શહેરોમાંથી મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં જતી તમામ બસ સેવા રદ કરી છે. એસટીની રોજની 138 ટ્રિપ હંગામી ધોરણે બંધ રહેશે.
મંદિર
સાવચેતીના પગલાં રૂપે અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર રણછોડરાય મંદિર, શામળાજી, બહુચરાજી, મોઢેરા, જગન્નાથ મંદિર, સાળંગપુર હનુમાન મંદિર, બીએપીએસના તમામ મંદિર, ઈસ્કોન મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ચોટીલા ચામુંડા માતા મંદિર 29 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત તમામ ચર્ચ પણ બંધ રહેશે.
ચૂંટણી રદ
ચૂંટણી પંચે રાજ્યની 13 તાલુકા પંચાયતની 17 બેઠકો અને 13 નગર પાલિકાની 29 બેઠકો માટે 24 માર્ચે યોજાનારી પેટા ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્ય સરકારે કોરોના અંગે ગાઈડલાઈન જાહેર કરી

  • રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં પણ આરોગ્યલક્ષી સુરક્ષા વધારાઈ
  • રાજકોટના જંગલેશ્વરમાં શંકાસ્પદ કેસને પગલે
  • આરોગ્ય વિભાગનો 225 કર્મચારીની 40 ટીમ સાથે 18 હજારથી વધુ ઘરમાં સર્વે
  • અંબાજી, ડાકોર, સોમનાથ, દ્વારકા અને પાવગઢ મંદિર 2૦થી 30 માર્ચ સુધી સંપૂર્ણ બંધ
  • આ મંદિરોમાં નિયમિત પૂજા-આરતી ચાલુ રહેશે, પરંતુ દર્શનાર્થીઓ નહીં આવી શકે
  • રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી માટે ૩૧ માર્ચ સુધી યોજનારી ભરતી
  • પરીક્ષાઓ મોકુફ
  • રાજ્યની તમામ પરીક્ષા ૧૪ એપ્રિલ, ર૦ર૦ પછી લેવાશે
  • ગુજકેટની ૩૦ માર્ચે આયોજિત પરીક્ષા પણ મોકૂફ, જે ૧૪ એપ્રિલ પછી લેવાશે
  • મહારાષ્ટ્ર જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ સેવા બંધ
  • અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી બસ સેવાના મુસાફરોનું ચેકપોસ્ટ પર સ્ક્રીનિંગ કરાશે

રાજકોટ જિલ્લામાં કલમ 144 લગાવવામાં આવી
અધિક કલેકટર પરિમલ પંડ્યા દ્વારા જિલ્લામાં કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 37 (૪) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વાઇરસ અંગે કોઈપણ પ્રકારની અફવા સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી ફેલાવતા ઝડપાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પરવાનગી વગરના તમામ સભા સરઘસના કાર્યક્રમો યોજવા પર પાબંધી લગાવાઇ છે. મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પણ પાબંધી લાદવામાં આવી છે.
રાજકોટમાં તમામ બાગ બગીચા અને બાલ ક્રિડાંગણ બંધ કરાયા
કોરોના વાઇરસના સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાગ બગીચા અને બાલ ક્રિડાંગણ બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટથી આંતરરાજ્ય બસ સંચાલન બંધ
રાજકોટ એસટી વિભાગે પણ આ અંગે સર્તકતા દાખવી રાજકોટથી આંતરરાજ્ય બસ સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે ગોંડલથી રાજસ્થાન જતી ઉદયપુર અને મહારાષ્ટ્રમાં જતી નાસિક બસ રૂટનું સંચાલન બંધ કરેલ છે અને એસ ટી તંત્ર નો આદેશ હશે તો એક્સપ્રેસ સંચાલન પણ બંધ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર જે. આર. અગ્રાવત દ્વારા જણાવાયુ હતું.

બેના રિપોર્ટ પોઝિટીવ, 25ના રિપોર્ટ આવવાના બાકી

રાજ્યમાં અત્યાર સુધીમાં 150 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી બે પોઝિટીવ અને 123 નેગેટીવ તથા 25ના રિપોર્ટ આવવાના બાકી છે. સુરતના પોઝિટીવ કેસની કલેક્ટર બંછાનિધિ પાનીએ પણ પુષ્ટી કરી છે. જ્યારે રાજકોટના મેયરે પણ આ વાત કન્ફર્મ કરી છે.

તંત્રએ પહેલેથી જ પોઝિટીવ કેસ માનીને દર્દીના 17 સંબંધીઓને ક્વોરેન્ટાઈન કર્યાં હતા

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. તંત્રએ પહેલેથી જ પોઝિટીવ કેસ માનીને તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરેન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. જેને લઇને આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળ્યો હતો. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે DivyaBhaskarને જણાવ્યું હતું કે, આજે 19 માર્ચે વધુ ચાર કેસ શંકાસ્પદ નોંધાયા છે. ચારેય વ્યક્તિના લોહીની નમૂના જામનગર પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિ વિદેશથી આવ્યા હતા અને કોરોનાના લક્ષણ જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની 40 ટીમોએ 18 હજારથી વધારે ઘરોમાં સર્વે કર્યો

જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની 40 ટીમોએ 18 હજારથી વધારે ઘરોમાં સર્વે કર્યો છે. સર્વેમાં 225 કર્મચારીઓ જોડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. રિપોર્ટ આવે તે પહેલા તંત્ર દોડતું થયું છે.

મક્કા ગયેલો યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો

જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષનો યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી ચાર દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ તેમને શરદી અને તાવની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ યુવાનના લોહી, કફના નમૂના લઇ જામનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જામનગર લેબોરેટરીમાં સેમ્પલ પરથી નિદાન સ્પષ્ટ થયું નહોતું અને કોરોનાની શંકા દ્રઢ બનતા સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવા અંગે ટ્વિટ કરી માહિતી આપી છે.

પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, જામનગરની લેબોરેટરીમાં પૃથક્કરણ બાદ કોઇ બાબત સ્પષ્ટ નહીં થતાં વધુ નિદાન માટે સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. બીજીબાજુ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ કહ્યું હતું કે, દર્દીનો રિપોર્ટ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, પરંતુ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. વૃદ્ધના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા 17 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતાં યુવકને કોરોના હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ ગઇ હતી.

76 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ

સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની ઉપર બીજા માળે આવેલા આઈસોલેશન વોર્ડની સામે આવેલા ટીબી વોર્ડ તેમજ નીચેના માળે આવેલા પ્રસુતિ વિભાગના દર્દીઓની સલામતી માટે તેમની લિફ્ટ અલગ કરી દેવામાં આવી છે તેમજ તેમના એક જ સંબંધીને હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં હાલ 76 લોકો કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. કોરોના વાઇરસને લઇને રાજકોટ બાન લેબની ઉત્તરાખંડ અને હિમાચલ ખાતે ફેક્ટરીમાં મોટાભાગના ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધા છે. જેમાં 700 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

શંકાસ્પદ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને ખસેડવા પડે તો 6 સ્થળ નક્કી કરાયા

શંકાસ્પદ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને ખસેડવા પડે તો કલેક્ટર દ્વારા 6 સ્થળની વ્યવસ્થા ગોઠવાઇ છે. માલિયાસણ નજીક ત્રિમૂર્તિ મંદિરના 9 રૂમ અને 2 હોલ, કાલાવડ રોડ ઉપરની એક 2000 બેડ ધરાવતી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, યુનિવર્સિટી રોડ પર આવેલા એમ્પલોયઝ ટ્રેનીંગ સેન્ટરનો સમાવેશ કરાયો છે. તેમજ જંગલેશ્વર વિસ્તારમાં સવારથી કોર્પોરેશન, કલેક્ટર તથા પોલીસની 22 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શંકાસ્પદ કોરોના યુવાનના ઘરની આસપાસના 60 મીટરના વિસ્તારમાં ટીમો દ્વારા તપાસ કરાઇ છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી