રાજકોટ / 2021ના મે મહિનામાં રાજકોટનો રિંગ રોડ-2 તૈયાર થઈ જશે

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • આગામી દિવાળી પહેલા કામ પૂરું કરવાનું લક્ષ્ય
  • અંદાજે 80 ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવશે
  • છેલ્લા ચાર વર્ષથી રિંગ રોડ-2 બનાવવાનું કામ ચાલી રહ્યું છે

Divyabhaskar.com

Nov 03, 2019, 02:07 AM IST

રાજકોટઃ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)એ જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનો રિંગ રોડ 2 તૈયાર કર્યા બાદ તેના પર ટ્રાફિક વધતા આ રોડ ફોર ટ્રેક કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ કામગીરી કોન્ટ્રાક્ટર નક્કી કર્યા બાદ એક વર્ષમાં પૂરું થશે. કાલાવડ રોડથી ગોંડલ રોડ જોડતા રોડનું કામ પૂરું થવામાં છે, પરંતુ ત્યાં બે બ્રિજનું કામ જુલાઇ-ઓગસ્ટ 2020 સુધીમાં પૂરું થશે. ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના 10.5 કિ.મી.ના રોડમાંથી 4.5 કિ.મી.ના રોડનું કામ પૂરું થવામાં છે અને બાકીનું કામ આગામી દિવાળી સુધીમાં પૂરું થશે. ભાવનગર રોડથી અમદાવાદ હાઇ–વે સુધી રોડ બનાવવા માટે ડિમાર્કેશનની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે જે મે 2021 સુધીમાં કામ પૂરું કરવામાં આવશે. આમ રિંગ રોડ-2નું કામ મે 2021 સુધીમાં પૂરું કરવા રૂડાએ તૈયારી કરી છે.

આગામી દિવાળી પહેલા કામ પૂરું કરાશે
રિંગ રોડ-2માં હાલ જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના રોડ પર દૈનિક 25 હજારથી વધુ વાહનો પસાર થઇ રહ્યા છે. ટ્રાફિકને ધ્યાને રાખી આ રોડ હવે ફોરટ્રેક કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રોડનું કામ પૂરું થવામાં છે, પરંતુ બે બ્રિજની કામગીરી માટે જમીન સંપાદનના મુદ્દે જમીન માલિકો સાથે ચાલતો વિવાદ પૂરો થયો છે અને બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે જે જુલાઇ-ઓગસ્ટ 2020 સુધીમાં પૂરી થશે તેથી ગોંડલ રોડથી જામનગર જવા ઇચ્છુક વાહનચાલકો આ રિંગ રોડ-2નો ઉપયોગ કરી શકશે.
રૂડાના સીઇઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનો 10.5 કિ.મી.ના રોડ પર એક રેલવે ફાટક અને 5 નાના મોટા બ્રિજ આવે છે. 10.5 કિ.મી.ના રોડમાંથી 4.5 કિ.મી.ના રોડનું કામ પૂરું થવામાં છે. આ કામગીરીનું સ્થળ નિરીક્ષણ માટે ચેરમેન શનિવારે સવારે મુલાકાત પણ લીધી હતી. 5 બ્રિજની કામગીરી માટે ટેન્ડર બહાર પડી ગયા છે અને 6 નવેમ્બર ટેન્ડર ખૂલશે. આગામી દિવાળી પહેલા આ રોડ અને બ્રિજનું કામ પૂરું થશે.

છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે કામ
ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધી સુધીના રિંગ રોડ-2 9.5 કિ.મી.નો માર્ગ છે. આ રોડ માટે ડિમાર્કેશન ચાલુ કરવામાં આવ્યું છે. અંદાજે 80 ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવશે. જેમાં મહિકા, ઠેબચડા, અમરગઢ ભીચરી, ખેરડી, માલિયાસણ ગામનો સમાવેશ થાય છે. આ કામગીરી મે 2021 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. આ રોડ બનાવવા માટે સલાહકાર એજન્સીની નિમણૂકની પ્રક્રિયા ચાલુ છે ત્યાર બાદ ટેન્ડર બહાર પડશે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) છેલ્લા ચાર વર્ષથી રિંગ રોડ-2 બનાવવાનું કામ કરી રહ્યું છે. ત્યારે હવે આ કામ વહેલી તકે પૂરું થાય તે માટે રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલ અને સીઇઓ ચેતન ગણાત્રાએ સ્થળ મુલાકાત લઇ કામની પ્રગતિની માહિતી મેળવી હતી અને વહેલી તકે કામ પૂરું થાય તે દિશામાં કામ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને આદેશ કરવામાં આવ્યો છે.

  • ફેઝ 1 : જામનગર રોડથી કાલાવડ રોડ સુધીનો હયાત રિંગ રોડ ફોર ટ્રેકનું 1 વર્ષમાં કામ પૂરું થશે
  • ફેઝ 2: ગોંડલ રોડ સુધીમાં બે બ્રિજનું કામ જુલાઇ-ઓગસ્ટ સુધીમાં પૂરું થશે
  • ફેઝ 3: ગોંડલ રોડથી ભાવનગર રોડનું 10 કિ.મી.નું કામ દિવાળી સુધીમાં થશે
  • ફેઝ 4: ભાવનગર રોડથી અમદાવાદ હાઇ–વે સુધીનું કામ મે 2021 સુધીમાં થશે

જામનગર રોડથી મોરબી રોડનું કામ પણ શરૂ થશે
ખંઢેરી ખાતે કેન્દ્ર સરકારે એઇમ્સ બનાવવાની જાહેરાત કરી છે અને હિરાસરમાં એરપોર્ટ બની રહ્યું છે. આ બન્ને સ્થળે આવન જાવન માટે સરળતા રહે તે માટે રિંગ રોડ-2 ઘંટેશ્વરથી ગવરીદળ સુધી 90 મીટરનો રોડ બનાવવા માટે રૂડાએ સરકારને દરખાસ્ત મોકલી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ આ રોડનું કામ શરૂ થશે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી