ભાસ્કર સ્ટિંગ / રાજકોટ મનપા રૂ.500 લઇ વેપારીઓને ભાડે આપે છે ફૂટપાથ, પોલીસનો પહેરો

Rajkot Municipal Corporation takes illegal money from footpath traders, police also involved

  • દિવ્ય ભાસ્કરનો હેતુ સામાન્ય માણસોની રોજગારી છીનવવાનો નહીં, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને તેના અમુક કર્મચારીઓને ખુલ્લા પાડવાનો છે
  • સવારે 9.30 વાગ્યે ભાસ્કર ટીમે જેવા પાથરણાં પાથર્યા કે તરત જ અન્ય વેપારીઓ વિરોધ માટે પહોંચ્યા 
  • અમુક માથાભારે શખ્સોને બોલાવ્યા, ટીમ પર હુમલો થયો ત્યારે ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોતી રહી

Divyabhaskar.com

Nov 08, 2019, 05:57 AM IST
મહેન્દ્રસિંહ જાડેજા, અલ્પેશ રાણપરિયા, રાજકોટ: શહેરમાં વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યા માટે ફૂટપાથ પર થતું દબાણ મહત્ત્વનું કારણ છે, આ દબાણ દૂર કરવાની જવાબદારી અંગે પોલીસ અને મનપા તંત્ર એકબીજા પર ખો આપતું રહે છે. ફૂટપાથ પર પાથરણાં અને રેંકડીવાળાઓને બેસવા દેવા પાછળ તંત્રવાહકોનું આર્થિક હિત સમાયેલું હોય તે વાત જગજાહેર છે, ત્યારે આ વાતને સત્ય સાબિત કરવા માટે ભાસ્કરની ટીમે સ્થળ પર કપડાં વેચીને ભ્રષ્ટ લોકોને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું અને ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું. ફૂટપાથ પર બેસીને વેપાર કરતા વેપારીઓએ કહ્યું હતું કે, આજ જગ્યા પર બેસવા માટે મનપાએ મંજૂરી આપી છે. અને રૂપિયા 500 ચુકવીએ છીએ. આવા સંવાદનું ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ પણ ભાસ્કર પાસે છે.
મહિલા કોન્સ્ટેબલે ભાસ્કરની ટીમને ત્યાંથી કપડાં પેક કરી જતા રહેવા કહ્યું
યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યૂ નજીક વર્ષોથી ફૂટપાથ પર દબાણ કરી ટ્રેકશૂટ સહિતના કપડાઓનું વેચાણ થાય છે આ બાબત જગ્યા રોકાણશાખાથી અજાણ નથી, ગુરુવારે સવારે 9 વાગ્યે ભાસ્કરની ટીમ 100 જોડી કપડાં સાથે એ સ્થળે પહોંચી હતી અને ત્યાં લોખંડની એંગલ પર કપડાં ગોઠવી વેપારીનો સ્વાંગ રચ્યો હતો. 9.45 વાગ્યે રેંકડીમાં ત્યાંના વેપારીઓ પોતાનો માલ લઇને આવ્યા હતા. 10 વાગ્યે પાંચ શખ્સ ભાસ્કરની ટીમ પાસે પહોંચ્યા હતા અને આ જગ્યા પોતાની હોવાનું કહી જતા રહેવા ચીમકી આપી હતી. કોર્પોરેશનની જગ્યા પર તમે વેપાર કરો છો તો અમે શા માટે જઇએ તેમ ભાસ્કરની ટીમે કહ્યું હતું. તો સામે વેપારીઓ ફરી ત્રાડુક્યા હતા. અને કહ્યું હતું કે, વર્ષોથી આ જગ્યા પર ધંધો કરીએ છીએ. મનપાના સ્ટાફને જાણ છે અમને મંજૂરી પણ આપી છે તેમ કહી એક વેપારીએ પહોંચ જેવો કાગળ પણ બતાવ્યો હતો. આ જગ્યા અમને ફાળવી છે. તમે બેસસો તો તમારો માલ જપ્ત કરી લેશે. ભાસ્કરની ટીમે કહ્યું માલ તો તમારો પણ જપ્ત થઇ શકે. તો તેમણે કહ્યું કે, અમે મંજૂરીથી બેઠા છીએ. 10.30 વાગ્યે એ પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન બેલા ફરજ પર આવ્યા હતા, ફૂટપાથ પર દબાણ કરનારા તત્ત્વો સાથે પરિચય હોવાને કારણે મહિલા કોન્સ્ટેબલે ભાસ્કરની ટીમને દબાવવાનું શરૂ કર્યું હતું અને ત્યાંથી કપડાં પેક કરી જતા રહેવા કહ્યું હતું. અન્ય લોકો વેપાર કરે છે તો અમને શા માટે જવાનું કહો છો તેમ પૂછતાં મહિલા કોન્સ્ટેબલ ઉશ્કેરાયા હતા અને કપડાં પેક કરી લે નહીં તો કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.
મહિલા પોલીસે હુમલાખોર સામે કાર્યવાહી કરવાને બદલે ભાસ્કરની ટીમને ધમકાવવાનું ચાલુ રાખ્યું
પોલીસની ફરજને માન આપી ભાસ્કરની ટીમે થેલામાં કપડાં ભરી લીધા હતા. 11 વાગ્યે મોટું ટોળું એકઠું થયું હતું અને ભાસ્કરની ટીમને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું તે વખતે જ જંગલેશ્વરનો તૌફિક સંધી અને તેના સાગરીતો ધસી આવ્યા અને તેણે એલફેલ બોલી ભાસ્કરની ટીમ પર હુમલો કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન બેલાની નજર સામે હુમલો થવા છતાં મહિલા પોલીસે હુમલાખોર સામે કાર્યવાહી કરવાને બદલે ભાસ્કરની ટીમને ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું, અને બાદમાં મનીષાબેને ટ્રાફિક શાખામાં ફોન કરી પીઆઇ ભોયને બોલાવ્યા હતા. પીઆઇ ભોયે સ્થિતિનો કયાસ મેળવવાને બદલે ડારા ડફોરા કર્યા હતા. ભાસ્કરની ટીમે પોતાની સાચી ઓળખ આપતાં જ પીઆઇ ભોય, કોન્સ્ટેબલ મનીષાબેન અને હુમલાખોર તૌફિક સંધીની હાલત કફોડી બની હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીનું સ્થળ પરથી જ ધ્યાન દોરાતા અધિકારીએ પીઆઇ ભોયનો ઊધડો લીધો હતો.
મહિનામાં એક વખત રૂ.500નો દંડ અને રૂ. 4500નું ઉઘરાણું
જગ્યા રોકાણશાખાની જવાબદારી ફૂટપાથ પરનું દબાણ દૂર કરવાનું છે, પરંતુ આ ટીમ શહેરમાં દબાણ કરનારાઓને રૂ.500ના દંડની પહોંચ આપી રવાના થઇ જાય છે અને ફૂટપાથ પર દબાણ કરવાની મંજૂરી આપી દે છે. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ફૂટપાથ પર ધંધો કરનાર પાસેથી દર મહિને રૂ.5 હજાર વસૂલવામાં આવે છે જેમાંથી માત્ર રૂ.500ના દંડની પહોંચ આપવામાં આવે છે.
ભાસ્કરે આવું શા માટે કરવું પડ્યું
ફૂટપાથ પર દબાણને કારણે રાહદારીઓ તેના પર ચાલી શકતા નથી અને તે કારણે માર્ગો પર ભાર વધે છે, જેથી ટ્રાફિક સમસ્યા થાય છે. ફૂટપાથ પર ધંધો કરી ગુજરાન ચલાવતા સામાન્ય વ્યક્તિની રોજગારી છીનવાય તેવો હેતુ ભાસ્કરનો ક્યારેય નહોતો અને હશે પણ નહીં, પરંતુ આવા ગરીબ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી મનપા અને પોલીસના અમુક કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ઉઘરાણા અને તેને કારણે શહેરના વાહનચાલકોને ભોગવવી પડતી મુશ્કેલીનો ચિતાર સમાજ સમક્ષ રજૂ કરવાનો હતો. ભાસ્કરની ટીમે નાના વેપારી પાસેથી થતાં ઉઘરાણા અટકાવવા અને તેમને ધંધા માટે કાયમી સ્થળ મળી રહે તે અંગે તંત્રવાહકો વિચારે તેવા હેતુથી આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.
જગ્યા રોકાણશાખાના અધિકારીને ચાર વખત ફરિયાદ કરી પણ કોઇ ડોકાયું નહીં
ભાસ્કરની ટીમે સ્ટેચ્યૂ પાસે દબાણ અંગે મનપાના કોલ સેન્ટર પર ફરિયાદ નોંધાવી હતી, જેના ફરિયાદ નંબર 19181775 અપાયા હતા, ફરિયાદ નોંધાવવા છતાં કોઇ ન આવતાં જગ્યા રોકાણશાખાના અધિકારી પી.બી.જાડેજાને ત્રણ વખત ફોન કરી ધ્યાન દોરાયું હતું પરંતુ તેમણે હમણાં જ ટીમ મોકલું છું તેમ કહ્યું હતું. જોકે કોઈ આવ્યું નહોતું, એટલું જ નહીં જગ્યા રોકાણશાખાની ગાડી ત્યાંથી પસાર થઇ ગઇ હતી.
અધિકારી ફરિયાદની રાહ જોઇ રહ્યા છે
મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું કે, શહેરમાં ટ્રાફિક સમસ્યા સતત વધી રહી છે, પરંતુ મનપાના દબાણ હટાવ શાખાના અધિકારી પી.બી. જાડેજા કહે છે કે, ફૂટપાથ પર દબાણ અંગે કોઇ ફરિયાદ કરે તો તે દૂર કરવામાં આવે છે, અન્યથા દંડ વસૂલવામાં આવે છે પરંતુ સામાન જપ્ત કરતા નથી.મનપા વહીવટી ચાર્જ વસૂલ કરી ફૂટપાથ પર દબાણ કરવાની છૂટ ન આપી શકે. દબાણ હટાવ શાખા જો ચાર્જ વસૂલ કરી દબાણ દૂર ન કરતી હોય તો તેની સામે પગલાં લેવામાં આવશે. ફૂટપાથ પર દબાણ ચલાવી ન લેવાય. કોલ સેન્ટર અને અધિકારીને ફરિયાદ કરી હોવા છતાં ટીમ ન આવી હોય તે ગંભીર બાબત કહેવાય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
X
Rajkot Municipal Corporation takes illegal money from footpath traders, police also involved
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી