• Gujarati News
  • National
  • Rajkot Civil Cases Like Dengue, Doctors Are Declining Patients Relied On Resident Doctor

રાજકોટ સિવિલની હાલત ડેન્ગ્યુ જેવી, તબીબો ઘટી રહ્યા છે દર્દીઓ રેસીડેન્ટ ડોક્ટરના ભરોસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • 300 તબીબનું મહેકમ છે પણ 200થી ઓછા ફરજ બજાવે છે છતાં બદલીઓ કરાઈ
  • તબીબોની બદલી થતા આ મુશ્કેલી ઊભી થશે

રાજકોટઃ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાંથી 20 તબીબની બદલી એમસીઆઈના ઈન્સ્પેક્શનના નામે સુરત, વડનગર, જામનગર અને વડોદરા કરી દેવાઈ છે. ઈન્સ્પેક્શન તો ત્યાં થશે પણ હાલાકી રાજકોટના દર્દીઓને થશે. આટલા પ્રમાણમાં ફેકલ્ટીની બદલી થઇ જતા શૈક્ષણિક કાર્ય થંભી જશે. પીડીયુ મેડિકલ કોલેજમાં મંજૂર મહેકમ 300 પ્રોફેસરનું છે તેની સામે માંડ 200 કરતા ઓછા તબીબ ફરજ નિભાવી રહ્યા હતા તેમાંથી વધુ 20ની બદલી કરાઈ છે. હવે માત્ર 180 મેડિકલ પ્રોફેસર જ વધ્યા છે.

દર્દીઓને અસર થશે
ડેન્ગ્યુમાં શરીરમાંથી પ્લેટલેટ ઘટી જાય એટલે હાલત કફોડી થઇ જાય. મેડિકલ કોલેજના સ્વાસ્થ્યમાં પ્રોફેસરનું કામ પ્લેટલેટ જેવું જ છે અને ત્યાં 300ના કાઉન્ટને બદલે 180 થઇ ગયા એટલે કે અડધા થઇ ગયા છે. 20 તબીબની ઘટ થતાં મોટાભાગના વિભાગોમાં ઓપીડીની જવાબદારી રેસિડેન્ટને સોંપાશે અને રેસિડેન્ટ ડોક્ટર તેને વધારાના બોજા તરીકે જ લેશે જેની સૌથી વધુ અસર દર્દીઓને થશે. કારણ કે, સર્જરી, ઓપીડી આ બધી જવાબદારી પ્રોફેસર પર હોય છે.  આ ઉપરાંત તબીબી પ્રમાણપત્રોમાં પણ તેમની જ સહી હોય છે તેથી સહીઓ માટે કતારો લાગશે અને બિનઅનુભવી રેસિડેન્ટ ઓપીડી પર હોવાથી યોગ્ય અને સચોટ નિદાનની કોઇ ગેરંટી નહીં રહે.

શૈક્ષણિક કાર્ય

  • બદલી કરાયેલા પ્રોફેસરના લેક્ચર અટકી જશે તેમાં અભ્યાસ થશે નહીં
  • રેસિડેન્ટ ડોક્ટરને પરીક્ષાઓ માટે પ્રોફેસરને બદલે ઈન્ટરનેટ પર ભરોસો રાખવો પડશે
  • ઈન્સ્પેક્શન પત્યા બાદ ફરીથી કોર્સ અધૂરો હતો ત્યારથી શરૂ થાય તેની ગેરંટી નહીં
  • રેસિડેન્ટ ડોક્ટર પહેલાંથી જ બે શિફ્ટમાં કામ કરી બોજ હેઠળ છે તેમાં વધારો થઈ જશે

સિવિલ હોસ્પિટલ

  • સર્જરી માટે સામાન્ય કરતા વધુ વેઈટિંગ આવશે
  • ઓર્થોપેડિકમાં એમએલસી કેસ જ પ્રોફેસર જોઇ શકશે બાકીના દર્દીઓ રેસિડેન્ટ ભરોસે
  • જે વિભાગમાં બે કરતા ઓછી ફેકલ્ટી છે તે તબીબી પ્રમાણપત્રો અને ઓફિસ કામમાંથી બહાર નહીં આવે.
  • દર્દીઓને સમયસર ડોક્ટર ન મળતા હાલત કથળી શકે છે.
  • અમદાવાદમાં રીફર થતા કેસોની સંખ્યામાં વધારો થશે

700ની જરૂરિયાત સામે મહેકમ 300, હાલ 180 જ પ્રોફેસર ઉપલબ્ધ
મેડિકલ કોલેજના ભૂતપૂર્વ સિનિયર પ્રોફેસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમુક વિભાગોમાં સીટની સંખ્યા વધારી દેવાઈ છે જેથી હાલના તબક્કે 700 પ્રોફેસરની જરૂરિયાત છે. તેની સામે કામ તો માંડ 180 કરી રહ્યા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વર્ક લોડ મુજબ પ્રોફેસરની ફાળવણી કરવાની થાય તો તેના કરતા પણ આંક વધી શકે છે. કોઇને કોઇ કારણોસર ભરતીઓ અટકી જાય છે અને મહેકમ વધારાતું નથી. જેથી અંતે તો દર્દીઓને હાલાકી થાય છે અને રેસિડેન્ટ ડોક્ટર માટે અભ્યાસ એક બોજારૂપ બની જાય છે અને જલ્દીથી છુટકારો મળે તેેની રાહ જોતા હોય છે.