રાજકોટ / બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં PSI રિવોલ્વર સાફ કરતા હતા અને ફાયરીંગ થયું, ગોળી લાગતા સ્પા સંચાલકનું મોત

ડાબી સાઇડ ઇન્સેટમાં મિસ ફાયર કરનાર પીએસઆઇ ચાવડા અને જમણી બાજુ ઇન્સેટમાં મૃતક હિમાંશુભાઇ અને ઘટનાસ્થળની તસવીર

  • હિમાંશુ સાથે અમુક પોલીસ અધિકારીઓને મિત્રતા, વર્ષોથી સ્પા ચલાવતો છતાં એક પણ વખત ગુનો નહીં
  • લાશ સ્વીકારવાનો ઈનકાર, સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયરિંગ થયાનું રટણ  
  • પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વર પાંચ ગોળીથી લોડેડ હતી

Divyabhaskar.com

Jan 16, 2020, 03:30 AM IST

રાજકોટ: શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.

દરવાજો ખોલતાની સાથે જ ગોળી છુટી
એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબામાં આવેલી એસ.ટી.પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં પીએસઆઇ પી.પી.ચાવડા બુધવારે સાંજે 5 વાગ્યે પોલીસ ચોકીમાં હતા અને 5.05 મિનિટે ગ્લો ફેમિલી સ્પાનો સંચાલક હિમાંશું દિનેશભાઇ ગોહેલ (ઉ.વ.29) તેને મળવા માટે બસ સ્ટેશને આવ્યો હતો. હિમાંશુ ગોહેલ પોલીસ ચોકીનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો હતો તે સાથે જ પીએસઆઇ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી અને હિમાંશુના કપાળમાં ગોળી ખૂંપીને પાછળના ભાગેથી બહાર નીકળી ગઇ હતી. ફાયરિંગ થતાં જ હિમાંશુ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો, અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ફોજદાર ચાવડાએ જ જાણ કરતાં ડીસીપી ઝોન-1 રવિ સૈની સહિતનો કાફલો દોડી ગયો હતો.
વન-ડે ક્રિકેટ મેચની ટિકિટ ખરીદનું કહી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો
પીએસઆઇ ચાવડાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પા ચલાવતો હોય તેના પરિચયમાં હતો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચની પાંચ જેટલી ટિકિટ પોતાને ખરીદ કરવી હોવાથી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. સાંજે ચારેક વાગ્યે રૈયારોડ પરથી પોતે સર્વિસ રિવોલ્વર રાખવાનું નવું પાકીટ (વોલેટ) ખરીદ કર્યું હતું અને જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા પાકીટમાં નાખી રહ્યા હતા તે વખતે ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું. રિવોલ્વરમાંથી ફાયર થયું એ સમયે જ હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી. ફોજદારની રિવોલ્વર પાંચ કાર્ટિસથી લોડેડ હોવાનું ખુલ્યું હતું.
રવિવારે બન્ને વચ્ચે દશેક મિનિટ વાર્તાલાપ થયો હતો
અનેક શંકાસ્પદ મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. ફોજદાર ચાવડા ગત રવિવારે સાંજે પ્રમુખસ્વામી આર્કેડે ગયા હતા અને સ્પા સંચાલક હિમાંશુને બહાર બોલાવ્યો હતો અને બન્ને વચ્ચે દશેક મિનિટ વાર્તાલાપ થયો હતો ત્યારબાદ ફોજદાર ચાવડા રવાના થઇ ગયા હતા. પોલીસે ફોજદાર ચાવડા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
એન્કાઉન્ટર થયાની વાત મુસાફરોમાં વહેતી થઇ
સાંજે 5.05 મિનિટે એસ.ટી.પોલીસ ચોકીની અંદર ફાયરિંગનો ધડાકો થતાં જ મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી, કેટલાક મુસાફરો ચોકી તરફ ગયા તો એક યુવકની લોહિયાળ હાલતમાં લાશ જોવા મળી હતી. પીએસઆઇએ એન્કાઉન્ટર કર્યાની વાત તે સાથે જ શરૂ થઇ ગઇ હતી અને થોડીવારમાં તમામ મુસાફરોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. ફાયરિંગની ઘટના બાદ પીએસઆઇ ચાવડા ચોકીની બહાર નીકળ્યા હતા અને તેના ચહેરા પર પસીનો વળી ગયો હતો, ફરીથી ચોકીની અંદર જઇ ફોજદાર ચાવડાએ પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કર્યો હતો અને પોતાનાથી ફાયરિંગ થઇ ગયાની જાણ કરી હતી.
સ્પાનું દૂષણ દૂર કરવાના પોલીસના દાવા ખોખલા
શહેરમાંથી સ્પાનું દૂષણ દૂર કરવામાં આવશે તેવા ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અગાઉ અનેક વખત દાવા કરવામાં આવ્યા હતા અને શહેરમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતા, પરંતુ એક પણ વખત હિમાંશુ સામે સ્પા ચલાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો નહોતો, હિમાંશુને અનેક પોલીસ અધિકારીઓ સાથે મિત્રતા હોવાનું તેના મિત્રવર્તુળોમાં ચર્ચાતું હતું, પોલીસ અધિકારીઓ સાથેની તસવીર પણ તે સોશિયલ મીડિયા પર મૂકતો હતો. ગ્લો સ્પા એસ.ટી.પોલીસ ચોકીના તાબા હેઠળ જ આવતી હતી, ફોજદાર ચાવડા અનેક વખત હિમાંશુને મળતા હતા અને હિમાંશુ પણ ચોકીએ જતો હતો, ક્રિકેટ મેચની ટિકિટ હિમાંશુ પાસેથી ફોજદાર ચાવડાએ શા માટે મગાવી તે બાબત તપાસનો વિષય બન્યો હતો.
મોં એટલી વાતો: PSI ચાવડા સ્પામાં ભાગીદાર હતા, રવિવારે હપ્તો લેવા ગયા’તા,
સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યાનું પીએસઆઇ ચાવડાનું રટણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તબક્કે માની લીધું છે, પરંતુ આ અંગે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઇ હતી. હિમાંશુ અગાઉ પાંચ-છ સ્પા ચલાવતો હિમાંશુ પોલીસની ધોંસ બાદ એકાદ વર્ષથી પ્રમુખસ્વામી આર્કેડમાં એકમાત્ર ગ્લો ફેમિલી સ્પા ચલાવતો હતો અને દશેક મહિનાથી રાજકોટ બદલી પામીને આવેલા પીએસઆઇ ચાવડા તેના ભાગીદાર બની ગયા હતા, તો ગત રવિવારે સાંજે ફોજદાર ચાવડા પ્રમુખસ્વામી આર્કેડે ગયા હતા તે વખતે વોર્ડન હિમાંશુને બોલાવવા ગયો હતો અને બહાર આવેલા હિમાંશુ પાસેથી ફોજદાર ચાવડાએ હપ્તાના રૂ.5 હજાર લીધા હોવાનું પણ કેટલાક લોકોમાં ચર્ચાતું હતું. પ્રમુખસ્વામી આર્કેડે હિમાંશુ, ફોજદાર અને વોર્ડન સાથે ઊભા હતા તે સીસીટીવી ફૂટેજ પણ ઘટના બાદ જાહેર થયા હતા.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલની મુલાકાતના સીસીટીવી સામે આવ્યા
પોલીસ તપાસમાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી ચાવડા અને મૃતક હિમાંશુ ગોહેલ વચ્ચે બે દિવસ પૂર્વે મુલાકાત થઇ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે જે જગ્યાએ મૃતક હિમાંશુ ગોહેલ સ્પાનો ધંધો ચલાવતો હતો તે જ કોમ્પલેક્ષ પાસે તારીખ 12 જાન્યુઆરીના રોજ સાંજના 4:30 કલાક બાદ મુલાકાત થાય છે. જે સમયે અન્ય ત્રણ જેટલા સખ્શોની પણ હાજરી હોવાનુ સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે પીએસઆઇ ચાવડા અને હિમાંશુ ગોહેલ વચ્ચે ક્યા પ્રકારના સંબંધો હતા તે અંગે તપાસ ચલાવી રહ્યા છે. તો સાથોસાથ બે દિવસ પૂર્વે આજે મુલાકાત થઇ હતી ત્યારે અન્ય જેટલા વ્યક્તિઓ હાજર હતા તેમની પણ શોધખોળ હાથ ધરી છે. તો સાથોસાથ તે તમામ વ્યક્તિઓ મળી આવ્યે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે તેમ જ નિવેદન પણ નોંધવામાં આવશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી