સામૂહિક આપઘાતની ચીમકીનો વીડિયો સામે બાદ પોલીસે બૂટલેગરની ધરપકડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • થોરાળામાં મહિલા બૂટલેગરના ત્રાસ અંગે લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી પોલીસે કરી ન હતી

રાજકોટ:શહેરનાં થોરાળા વિસ્તારમાં રહેતા એક આધેડે પરિવારજનો સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપતો વીડિયો વાઇરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. મહિલા બૂટલેગરના ત્રાસથી પોલીસે મુક્ત નહીં કરાવતા ચીમકી આપી હતી, જોકે પોલીસે ચીમકી બાદ કાર્યવાહી કરતાં આધેડે ચીમકી પાછી ખેંચી લીધી હતી. હાલ પોલીસે મહિલા બુટલેગરના સાગરીતને ઝડપી પાડી મહિલા બુટલેગરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગર મકાન ખાલી કરવા દબાણ કરતા  
થોરાળા વિસ્તારમાં રહેતા ભરતભાઇ હકુભાઇ અગેચણિયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કર્યો હતો. વીડિયોમાં ભરતભાઇ, તેમના પત્ની, પુત્રી અને પુત્ર સહિત ચાર સભ્યો દેખાતા હતા. ભરતભાઇએ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક રહેતી કંચન અશોક ગોહેલ નામની મહિલા દારૂનું વેચાણ કરે છે અને ભરતભાઇના ઘરના ડેલાની બહાર ઊભા રહી દારૂની કોથળીઓ વેચે છે અને દારૂની કોથળીના ઘરમાં ઘા પણ કરે છે. તેમજ ધમકી આપી મકાન ખાલી કરી જતા રહેવા પણ દબાણ કરે છે.

મહિલા બુટલેગરના સાગરીતની અટકાયત કરી
આ અંગે અગાઉ પોલીસ કમિશનર અને થોરાળા પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી, મહિલા બૂટલેગરનો ત્રાસ અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળી પોતે તથા તેના પત્ની, પુત્રી અને પુત્ર સામૂહિક આપઘાત કરશે અને સામૂહિક આપઘાત પાછળ પોલીસ તથા મહિલા બૂટલેગર જવાબદાર રહેશે. વીડિયો વાઇરલ થતાં જ થોરાળા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને મહિલા બૂટલેગરના એક સાગરીતને ઉઠાવી લીધો હતો અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ભરતભાઇ અને તેના પરિવારજનોનું પણ નિવેદન નોંધ્યું હતું.