રાજકોટ: જસદણ, ધોરાજી બાદ હવે રાજકોટમાં પણ મંજૂરી વગર ધો.1થી 5ના વર્ગો ચલાવતી શાળા ઝડપાઇ છે. રાજકોટના કુવાડવા રોડ પર બીએનટી પ્લાહાઉસની આડમાં ધો.1થી 5ના વર્ગો ધમધમતા હતા. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટના પ્રભારી છે છતાં રાજકોટ જિલ્લામાં છેલ્લા 15થી 20 દિવસમાં આ ચોથી ડમી શાળા ઝડપાઇ છે.
બીએનટી પ્લે હાઉસના નામે ધો.1થી 5ના વર્ગો ચાલતા
બીએનટી પ્લે હાઉસમાં ધો.1થી 5ના અંગ્રેજી માધ્યમના બાળકોને પણ ભણાવવામાં આવતા હોવાની વિગતો મળી હતી. સંચાલક પલ્લવીબેન કોશિયાએ કબૂલ્યું હતું કે, તેઓ ધો.3માં વિદ્યાર્થીને એડમિશન આપશે પરંતુ તેના માટે બાળકનું એક કલાકનું ઇન્ટરવ્યું લેવું પડશે, જેમાં બાળક પાસ થાય પછી તે ગુજરાત બોર્ડની માન્યતા ધરાવતી ક્રેન્સ સ્કૂલની માર્કશીટ મળશે તેવી વાત પણ કરી હતી. સંચાલક પલ્લવીબેને જે સ્કૂલનું નામ આપ્યું તે ક્રેન્સ સ્કૂલનું નામ ડી.ઈ.ઓ. કચેરી તરફથી મળેલા ખાનગી શાળાના નામની યાદીમાં જ ન હોવાનો વધુ એક ઘટસ્ફોટ થયો. હવે BNT પ્લેહાઉસ પાસે શાળાની માન્યતા છે કે કેમ?, અન્ય કોઈ શાળામાં બાળકોના નામ રજીસ્ટર હોય અને ભણતા હોય BNT પ્લેહાઉસમાં તેવું તો નથી ને? જો કે આ સવાલોના જવાબ ત્યારે જ મળશે જ્યારે ડી.ઈ.ઓ. આર.એસ.ઉપાધ્યાય સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરશે.
સ્ટીંગ દરમિયાન આચાર્યા સાથેની વાતચીતના અંશો
વાલી: ધો.3 માં એડમિશન લેવાનું છે..
આચાર્યા : ગુજરાતી મીડિયમમાં?
વાલી : ના, અંગ્રેજી માધ્યમમાં
આચાર્યા: તમારું નામ, નંબર લખાવી આપો..બાળકને મળવું પડશે અને તેનું એક કલાકનું ઈન્ટરવ્યૂ હું લઈશ ત્યારબાદ નક્કી કરીશ કે પ્રવેશ આપવો કે નહીં.
વાલી: ત્રીજું ધોરણ પૂર્ણ થાય પછી BNTના નામનું સર્ટિફિકેટ મળશે કે શેનું ?
આચાર્યા: ક્રેન્સ સ્કૂલનું સર્ટિફિકેટ મળશે. સ્કૂલનું બોર્ડ પ્રિન્ટિંગમાં આપ્યું છે. ત્યારબાદ મોટું બોર્ડ બહાર લાગી જશે
વાલી: મારુ બાળક સી.બી.એસ.ઈ. બોર્ડમાં છે.. અહીં ક્યું બોર્ડ છે?
આચાર્યા : અમારે અહીં ગુજરાત બોર્ડ છે, પણ બોર્ડ કોઈ પણ હોય અભ્યાસક્રમ એક સરખો જ હોય છે.
પ્લેહાઉસમાં ધો. 1 કે ઉપરની કક્ષાના વર્ગો ચલાવતા હોય તો ગેરકાયદે: DEO
જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય તો રાજકોટમાં ચાલતી આ ગેરકાયદે શાળા વિશે અજાણ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે પ્લેહાઉસ, નર્સરી, એલ.કે.જી. કે એચ.કે.જી. માટે મંજૂરી જરૂરી નથી અને માગવામાં આવે તો કોઈ આપતું પણ નથી. જો કે ધોરણ 1થી માંડીને ઉપરની તમામ ધોરણવાળી શાળા માટે મંજૂરી-માન્યતા ફરજિયાત છે. પ્લેહાઉસમાં જો મંજૂરી વિના શાળાના વર્ગો ચલાવતા હોય તો એ ગેરકાયદે જ કહેવાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.