'વાયુ'ની અસર / સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ, તાલાલા-સુત્રાપાડામાં 8 ઈંચ, ઠેર-ઠેર પાણી ભરાયા, ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદ

  • ગોંડલ, જસદણ, જામનગર, મોરબી, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ
  • વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી
  • સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં ગોઠણડૂબ પાણી ભરાયા

Divyabhaskar.com

Jun 14, 2019, 05:23 PM IST

રાજકોટ/ગીરસોમનાથ: વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2, કોડીનારમાં 2, ઉનામાં 1 અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.આ તરફ તાતીવેલા ગામે વાયુ વાવાઝોડા બાદ આવેલા ભારી પવનના કારણે નાગરવેલનાં બગીચાઓ જમીનદોસ્ત થયા હતાં. જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ તરફ રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે.

શોરૂમના છાપરા અને દીવાલ પડી
ભારે પવનના કારણે વેરાવળ જુનાગઢ હાઇવે પર તાલાલા ચોકડી પાસે આવેલા શોરૂમના છાપરા અને દીવાલો પડી હતી. જ્યારે બીજી તરફ વેરાવળમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.વાયુ વાવાઝોડાને પગલે વેરાવળ તલાલા હાઇવે નદીમાં ફેરવાતા વાહન વ્યવહારને અસર થઇ રહી છે. ત્યાં ગોઠણ જેટલા પાણી ભારઇ ગયા છે. તંત્ર આ પાણીનો નિકાલ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.વેરાવળ, તાલાલા સુત્રાપાડા અને કોળીનાર તાલુકામાં અવિરત ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર-ઠેર માર્ગો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદ
જૂનાગઢના ગીરનાર પર્વત ઉપર પણ વાવાઝોડાની અસર વર્તાઇ હતી, અહીં ડુંગર પર સ્થિત અંબાજી મંદિર પાસે હેલિપેડ પાસે દુકાનોના છાપરા ઉડ્યા હતા. ગીરનાર પર્વત ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદથી દુકાનોનો માલસામાન ઉડી ગયો અને પગથિયા પર પાણી વહેતા થઇ ગયા હતા.

વરસાદથી રાજકોટમાં વીજ પુરવઠો ખોરવાયો: રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ: ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પણ સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદ પાડવાની આગાહી પણ કરવામાં આવી છે. જેની અસર રાજકોટ જિલ્લાના ગોંડલ તથા આસપાસ ના વિસ્તારમાં પણ જોવા મળી હતી. ગઈકાલ દિવસ દરમિયાન હળવા ઝાપટા તેમજ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બાદમાં થોડા સમય માટે ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. વરસાદની આગાહીને પગલે તમામ શાળા-કોલેજોમાં તંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ બાદ શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી: ગીરસોમનાથમાં આખી રાત વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું છે તેને જીવનદાન મળ્યું છે. ગીરસોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દીવમાં તમામ સિગ્નલ ઉતારી લેવાયા

દીવમાં તમામ સિગ્નલ હટાવી લેવાવામાં આવ્યા છે. જ્યારે વેરાવળમાં હજુ 9 નમ્બરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. કરોડોના ખર્ચે બનેલા સાયક્લોન સેન્ટરમાં ઘૂસ્યું હતું. પાણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. ઉનાના ખજૂદરા ગામે આવેલ સાયક્લોન સેન્ટર ખુદ પાણીમાં લોકોને બચાવવા માટે કરોડોના ખર્ચે બનાવાયું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી