રાજકોટ / ધર્મ એકબીજાને જોડે છે પણ સંપ્રદાય તોડે છે: હેમંત ચૌહાણે પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો

  • ધીરૂભાઇ સરવૈયા, કિર્તીદાન ગઢવી સહિત 17 કલાકારોએ સ્વામિ.સંપ્રદાયને  ‘રત્નાકર’ એવોર્ડ પરત કર્યો

Divyabhaskar.com

Sep 14, 2019, 04:02 AM IST

રાજકોટ: માયાભાઇ આહિર, સાંઇરામ દવે બાદ કિર્તીદાન ગઢવીએ પણ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતએ કરેલા કલાકારો વિશેના નિવેદનથી દુખ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. લોકસંગીતના તમામ કલાકારોની સાથે સહમત થઇને બિહારી હેમુ ગઢવીએ પણ પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાએ એવોર્ડ પરત કર્યો છે. અત્યાર સુધીમાં 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડાએ એવોર્ડ પરત કરી ચૂક્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનથી કલાકારોમાં રોષ

સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસ્વરૂ સ્વામીએ એક નિવેદનમાં કલાકારો દારૂ પીને કાર્યક્રમ કરે છે. આ નિવેદનથી સૌરાષ્ટ્રભરના કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. અન્ય કલાકારોની સાથે રહી ધીરૂભાઇ સરવૈયાએ એવોર્ડ પરત કર્યો છે. તેમજ હેમંત ચૌહાણ પણ આ બાબતને લઇને રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમજ હરદેવ આહિરે પણ એવોર્ડ પરત કર્યો છે.

માયાભાઇથી લઇ હેમંત ચૌહાણ સહિતના કલાકારોએ એવોર્ડ પરત કર્યો, આ રહી યાદી

જય વસાવડા, અંકિત ત્રિવેદી, પ્રણવભાઇ પંડ્યા, સાંઇરામ દવે, કિર્તીદાનભાઇ ગઢવી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, માયાભાઇ આહિર, ભિખુદાનભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ કવિરાજ, જીતુ કવિ દાદ, હરેશદાનભાઇ, દેવરાજભાઇ ગઢવી, બિહારી હેમુ ગઢવી, લક્ષ્મણભાઇ બારોટ, અનુભા ગઢવી અને કવિ દાદ બાપુએ એવોર્ડ પરત કર્યા છે.


રત્નાકર એવોર્ડ અર્પણ કરનાર શું કહે છે

લોકસાહિત્યકાર હરદેવ આહિરે જણાવ્યું હતું કે, 6 વર્ષથી એવોર્ડ અર્પણ કરતા હતા. આ એવોર્ડ હું જ અલગ અલગ ક્ષેત્રે નામના ધરાવતા લોકોને આપતો હતો. આ એવોર્ડ તમામ કલાકાર મને આપી ગયા છે. જે સરધાર સ્વામિનારાયણ મંદિરે આ તમામના એવોર્ડ અને ધનરાશિ પરત કરવાનો છું. આગામી દિવસમાં આ એવોર્ડને લઇને શુ નિર્ણય કરવામાં આવશે તે મીડિયામાં જણાવવામાં આવશે.

કિર્તીદાન ગઢવી શું કહ્યું

કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતો વિવાદ પૂરો થઇ ગયો હોવા છતાં ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે ત્યારે કલાકારો માટે એક હાથ સન્માન કરે છે અને એક હાથે આવા અપમાનજનક શબ્દો કહે છે. એ બિલકુલ મને અને કોઇ પણ કલાકારને સ્વીકાર્ય નથી. જેટલા પ્રેમથી એવોર્ડ આપવામાં આવ્યો હતો તેટલા જ પ્રેમથી એવોર્ડ પરત કરીએ છીએ.

સરધાર સ્વામિનારાયણ મંદિરના પ્રફૂલભાઇ મધ્યસ્થી બનશે

સરધાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગુજરાતના કલાકારોને રત્નાકર એવોર્ડ આપવામાં આવ્યો હતો. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના બગસરાના સ્વામીએ કલાકારોને લઇને વિવાદસ્પદ નિવેદન આપતા એવોર્ડને લઇને વિવાદ છેડાયો છે. પરંતુ સરધાર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રફૂલભાઇ ગઢવી હવે કલાકારો અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે જે એવોર્ડને લઇને વિવાદ છેડાયો છે તેમા મધ્યસ્થી બની સમાધાન કરવા પ્રયાસો કરી રહ્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી