સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં અપાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તૂતનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ અંતે સત્તાધીશોને સાન આવી
  • કોર્સની માન્યતા મુદ્દે યુજીસીનો નિર્ણય ન આવે ત્યાં સુધી અભ્યાસક્રમ શરૂ કરવામાં નહીં આવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજીસીની મંજૂરી વગર વર્ષોથી ચાલતા એક્સટર્નલ અભ્યાસક્રમના તૂતનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ આ પ્રકરણમાં ખુદ યુજીસીના ચેરમેન ડો.ડી.પી.સિંઘે પણ આ બાબતે તપાસ શરૂ કરાવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને સાન આવી હોય તેમ આ વર્ષે બી.એ., બી.કોમ. એમ.એ. અને એમ.કોમ. સેમેસ્ટર-1ના એક્સટર્નલ અભ્યાસક્રમને હાલ પૂરતો ચાલુ નહીં કરવા પરિપત્ર જારી કર્યો છે જેના પગલે દિવ્ય ભાસ્કરના અહેવાલને પણ હવે સત્તાધીશોએ આડકતરી રીતે સ્વીકાર્યો છે.

વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લાવવો જરૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસ કરનારા 2.80 લાખ સહિત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં એક્સટર્નલ અભ્યાસક્રમ કરનારા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી અમાન્ય ઠરે તેવી ભીતિ હોય દિવ્ય ભાસ્કર દ્વારા આ વિદ્યાર્થીઓના હિતમાં અભિયાન ઉપાડવામાં આવ્યું છે અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યુજીસીની ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યૂરોની મંજૂરી વગર ચાલતા એક્સટર્નલના અભ્યાસક્રમના તૂતને ખુલ્લું પાડવામાં આવ્યું હતું.

વાઇસચાન્સેલર્સની મિટીંગ યોજવામાં આવી
આ બાબતની જાણ થતા યુજીસીના ચેરમેન ડો.ડી.પી.સિંઘે આ અંગેની તપાસ શરૂ કરાવી છે અને ગુજરાતની મુલાકાતે આવેલા ચેરમેન ડો.ડી.પી.સિંઘની સાથે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અગ્ર સચિવ અંજુબેન શર્મા અને અલગ-અલગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સહિતનાઓએ બેઠક યોજી હતી જેમાં ડો.ડી.પી.સિંઘે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિતનો પ્રશ્ન હોય તેના માટે કોઇ નિરાકરણ શોધવા ખાતરી આપી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અમિત પારેખે પરિપત્ર જારી કર્યો છે જેમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને જણાવવાનું કે બી.એ., બી.કોમ., એમ.એ. અને એમ.કોમ. સેમેસ્ટર-1માં પરીક્ષા બાહ્ય વિદ્યાર્થી તરીકે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2019-20માં પ્રવેશની કામગીરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ હાથ ધરવામાં આવશે નહીં. આ પરિપત્રથી યુનિવર્સિટીના એક્સટર્નલ અભ્યાસક્રમ સામે દિવ્ય ભાસ્કરે તાકેલી શંકાની સોયને આડકતરું સમર્થન મળ્યું છે.

કુલપતિ પેથાણીનું હિંમતભર્યું પગલું 
વર્ષોથી એક્સટર્નલ અભ્યાસક્રમ મંજૂરી વગર ચાલી રહ્યો છે અને તેના માટે પૂર્વ ‌કુલપતિઓ, સિન્ડિકેટ અને સેનેટ સભ્યો અને અધિકારીઓ પણ જવાબદાર છે અને અત્યાર સુધીના જવાબદાર કુલપતિઓ જે કામ કરી શક્યા નથી તે કામ કુલપતિ ડો.પેથાણીએ કર્યું છે અને એક્સટર્નલ અભ્યાસક્રમની માન્યતા બાબતે સર્જાયેલા પ્રશ્નને ધ્યાનમાં રાખીને વર્ષ 2019-20માં આ કોર્સ ચાલુ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

  • વાઇસ ચાન્સેલર ડો.નીતિન પેથાણી અને પીવીસી ડો.વિજય દેશાણીની સૂચનાથી બી.એ., બી.કોમ.. એમ.એ. અને એમ.કોમ. સેમેસ્ટર-1માં પ્રવેશની પ્રક્રિયા હાલ અટકાવી છે. - અમિત પારેખ, પરીક્ષા નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી