મલેરિયાના કર્મચારીઓએ મનપાની કચેરીમાંથી મચ્છરના પોરા શોધ્યા!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર
  • લોકોને લાખો રૂપિયાનો દંડ કરતી મનપાની પોલ છતી થઇ
  • કર્મચારીઓ અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેની અંટશમાં નવો પ્રયોગ

રાજકોટઃ મનપાની મલેરીયા શાખામાં પોરાનાશક કામગીરી કરતા કર્મચારીઓએ હડતાળ પાડી છે. હડતાળમાં નવા કાર્યક્રમના ભાગરૂપે કર્મચારીઓએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના કેમ્પસમાં તપાસ કરતા ગેટ પાસેથી જ મચ્છરના પોરા શોધી કાઢતા શહેરવાસીઓને મચ્છર ઉત્પત્તિ કેન્દ્રના નામે દંડ કરતી મનપાની પોલ છતી કરી છે. મલેરિયા શાખામાં હડતાળ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારીઓ બંને પોત પોતાની જીદ પર છે. કર્મચારીઓ મહેનતાણુ વધાર્યા વગર કામ કરવા તૈયાર નથી જ્યારે મ્યુનિસિપલ કમિશનરે હડતાળ પાડવામાં આવતા તેમના મહેનતાણા સાવ અટકાવી બરતરફ કરવા તૈયારી બનાવી છે અને અન્ય કર્મચારીઓ પાસે કામગીરી શરૂ કરાવી છે. 

કચેરીના ગેટ પાસે ધરણા કર્યા
શુક્રવારે મનપા મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં વ્યસ્ત હતુ ત્યારે કર્મચારીઓએ મનપાની કચેરીના ગેટ પાસે ધરણા કરી ત્યાંથી જ મચ્છરના પોરા શોધી કાઢ્યા હતા. કર્મચારીઓએ જણાવ્યું હતું કે ‘આ પોરા ડેંગ્યૂ ફેલાવતા મચ્છરના છે અને બે દિવસમાં મચ્છર બની મનપાના જ કર્મચારીઓને કરડવાના છે. કોર્પોરેશન પોતાની જ કચેરીમાં પોરાનાશક કામગીરી નથી કરી શકતી તો શહેરમાં કઇ રીતે કરી શકશે.’ મહાનગરપાલિકા કોઇ ઘરમાં તપાસ કરે અને મચ્છરના પોરા મળે તો 500 રૂપિયાનો દંડ કરે છે અને કોમર્શિયલ મિલકતોમાં તો 5000 રૂપિયાના દંડ ઉઘરાવાય છે ત્યારે તેમની જ કચેરી પાસે પોરા મળતા અધિકારીઓને વિચારતા કરી દીધા છે. 

મહાનગરપાલિકા જ મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર 
મલેરિયા શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે મનપાની ઓફિસ પણ એક મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર છે. આ કારણે જ ગત વર્ષે મનપાના કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ ડેંગ્યૂના તાવમાં સપડાયા હતા. હડતાળ હોવા છતાં કર્મચારીઓ એકઠા થઇ  શનિવારે મનપાની સમગ્ર ઓફિસમાં તપાસ કરી ક્યાં ક્યાં મચ્છરો ઉદભવે છે તે જગ્યા શોધી અધિકારીઓની આંખ ઉઘાડવા પ્રયત્ન કરશે.