તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌશર હાજીએ શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૌશર હાજીની ફાઇલ તસવીર - Divya Bhaskar
કૌશર હાજીની ફાઇલ તસવીર
  • મુસ્લિમ યુવતીના કંઠેથી વહ્યા શુદ્ધ શાસ્ત્રીય રાગોમાં શિવ-કૃષ્ણના પદ અને મીરાં ભજન
  • વિવિધ રાગમાં પ્રસ્તુત કરી બંદિશ
  • 'સુણો દયાલ મ્હારી અરજી'થી સૌ ભાવ વિભોર

રાજકોટઃ કહેવાય છે કે સ્વરની સાધના એ જ પરમેશ્વરની સાધના છે. સંગીતને ધર્મના વાડા પણ નડતા નથી. બોલિવૂડનું શ્રેષ્ઠ ભજન ‘મન તડપત હરિ દર્શન કો આજ ’એ આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. બૈજુ બાવરા ફિલ્મના આ ભજનના શબ્દો લખ્યા હતા શકિલ બદાયુનીએ, રચના સ્વરબદ્ધ કરી હતી નૌશાદે અને તેને ગાયુ હતું બોલિવૂડના સ્વર સમ્રાટ મહોમ્મદ રફીએ. આવો જ કંઇક માહોલ રાજકોટમાં તાજેતરમાં શાશ્ત્રીય સંગીત પ્રેમીઓને માણવાનો અવસર મળ્યો હતો. સ્થળ હતું હેમુ ગઢવી ઓડિટોરિયમ. ઉપલક્ષ્ય હતું સ્વર સુધા સંસ્થા અયોજિત શાસ્ત્રીય સંગીત સમારોહનો. કલાકાર હતા કૌશર હાજી. જેમના અસ્ખલિત સ્વરમાં રજૂ થયેલા શંકર-કૃષ્ણ પદો અને મીરાં ભજન સહિતની પ્રસ્તુતિએ શ્રોતાએને મંત્રમુગ્ધ કર્યા હતા.

વિવિધ રાગોમાં પ્રસ્તુત કરી બંદિશ
જયપુર અત્રૌલી ઘરાનાના કૌશર હાજી જાણીતા શાસ્ત્રીય ગાયિકા અશ્વિની ભીડેની શિષ્યા છે. તેમણે કાર્યક્રમનો પ્રારંભ રાગ ઝિંઝોટીમાં વિલંબિત બંદિશથી કર્યો. શબ્દો હતા મહાદેવ શંકર..જ્યારે તેમણે રજૂ કરેલી દ્રુત બંદિશામાં શબ્દો હતાં..પતિદેવન મહાદેવ શિવશંભો . ત્યાર બાદ તેમણે રાગ વાચસ્પતિમાં રજૂ કરી એક બંદિશ. મધ્યલય બંદિશના શબ્દો હતા.. કમલ નયન વારો શ્યામ મ્હારો અને દ્રુત બંદિશમાં રજૂ કરી રચના છેડોના મોહે શ્યામ કન્હૈયા. ત્યાર બાદ તેમણે ઠુમરીનો એક પ્રકાર ઝૂલાની રજૂઆત કરી. રાગ ગારામાં કરેલી રજૂઆતના શબ્દો હતા બદરિયાયા બરસે સૈયા,ઝૂલા ધીરે ધીરે ઝૂલ રે. ત્યાર બાદ રજૂ થઇ રાગ પ્રતીક્ષામાં બંદિશ.. કારી બદરિયા. આ રજૂઆતની વિશેષતા એ હતી કે તેમા નીલ તાલમાં તબલા સંગત કરાઇ હતી. આ તાલ એક વિરલ તાલ ગણાય છે.

સુણો દયાલ મ્હારી અરજીથી સૌ ભાવ વિભોર
મીરા રચિત પદ સુણો સુણો તુમ સુણો દયાલ મ્હારી અરજી ... આ મીરાના પદની જ્યારે રજૂઅાત કરાઇ ત્યારે શ્રોતાઅો કૃષ્ણ રંગે રંગાઇને ભારે ભાવ વિભોર બન્યા હતા. ત્યાર બાદ રાગ ભૈરવીમાં ખૂબ જાણીતી ઠુમરી સૈયા નિકસ ગયે મૈના લડીથી રચનાથી સમારોહનું  સમાપન કરાયું અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું પણ ગાન કરાયું હતું. કાર્યક્રમમાં તબલા સંગત કરી હતી પુષ્પકરાજ જોષી, હાર્મોનિયમ સંગત કરી હતી સુપ્રિયા જોષીએ અને તાનપુરા સંગત કરી હતી પ્રિયંકા શુક્લ અને ઇશિતા ઉમરાણિયાએ.

અન્ય સમાચારો પણ છે...