રાજકોટ / ટ્રાફિકનાં નિયમોની અમલવારી શરૂ, 50% લોકોએ હેલ્મેટ પહેર્યા, બપોર સુધીમાં 200થી વધુ લોકો પાસેથી 1.10 લાખ દંડ વસૂલ્યો

ટ્રાફિકનાં નવા નિયમોની અમલવારી શરૂ
MSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા
MSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા
હેલ્મેટની ચોરી
હેલ્મેટની ચોરી

  • શહેરના મોટા ભાગના વેપારીઓએ બંધ પાળ્યો
  • ટ્રાફિક પોલીસે સરકારી વાહનોને પણ દંડ ફટકાર્યો
  • જેતપુરમાં વૃદ્ધે માથા પર તપેલી પહેલી વિરોધ પણ કર્યો અને કાયદાનું પાલન પણ કર્યું

Divyabhaskar.com

Sep 16, 2019, 06:09 PM IST

રાજકોટ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી નવા મોટર વાહન વ્હિકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. જેથી વાહનચાલકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. રાજકોટમાં અગાઉ માત્ર 10 ટકા જ લોકો હેલ્મેટ પહેરતા હતા. પરંતુ આજે 50 ટકાથી વધુ લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. આ સાથે જ ફોર વ્હિલચાલકોએ પણ સીટ બેલ્ટ પહેરવાનું શરૂ કરી દીધુ છે. એટલે કે લોકોમાં હવે ટ્રાફિકનાં નિયમોને લઈને અવેરનેસ આવી રહી છે. બીજી તરફ હેલ્મેટ ન મળતાં MSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા હતાં. તો જામનગર SPએ આદેશ કર્યો છે કે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવશે. રાજકોટમાં બપોર સુધીમાં 200થી વધુ લોકો પાસેથી 1 લાખ 10 હજાર દંડ પોલીસે વસૂલ્યો છે. રાજકોટમાં 3 વાગ્યા સુધીમાં 229ને ઇ મેમો ફટકારવામાં આવ્યો હતો અને 1,14,800 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરનાં અનેક વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો
ટ્રાફિકનાં નવા નિયમનાં વિરોધમાં શહેરનાં સોની બજાર,પેલેસ રોડ સહિતનાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ એકઠા થઈને સરકાર સામે સુત્રોચાર કરીને વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ ટ્રાફિક પોલીસે ST બસ, સીટી બસ સહિતના સરકારી વાહનોને દંડ ફટકાર્યો છે.

નિયમનો ભંગ કરનારને દંડની જોગવાઈ અનુસાર દંડ કરવામાં આવશે
ટ્રાફિક નિયમ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદીપસિંહે નિવેદન આપતા કહ્યું કે આજથી લાગુ થયેલા નવા નિયમની કડક અમલવારી થશે.પોલીસ અને પ્રજા બંને પર સમાન અમલવારી કરવામાં આવશે.નિયમનો ભંગ કરનારને દંડની જોગવાઈ અનુસાર દંડ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓને પ્રજા સાથે ઘર્ષણ ન થાય તે પ્રકારે કામ કરવાની સૂચના આપી છે. આ સાથે જ જણાવ્યું હતું કે લોકોને માત્ર દંડ જ નહીં ફટકરાય તેમને ટ્રાફિક નિયમનનું પાલન કરવા સમજાવવામાં પણ આવશે.
-સંદીપસિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર

હેલ્મેટ ન મળતાં MSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા
તો બીજી તરફ હેલ્મેટ ન મળવાનાં કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ સાયકલ લઈને કોર્ટમાં પહોંચ્યા હતા.મહત્વનું છે કે હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરવા માટે લોકો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યા છે. જી.બી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટની જરૂરિયાત નથી. સુપ્રીમ કોર્ટ સુધી નવા કાયદા સામે લડવું મુશ્કેલ અને ખર્ચાળ છે

હેલ્મેટનાં ભાવમાં ધરખમ વધારો

ટ્રાફિકનાં નવા નિયમનાં કારણે હેલ્મેટનાં ધંધામાં ભારે તેજી આવી ગઇ છે. ટ્રાફિક નિયમની અમલવારી શરૂ થતાં જ હેલ્મેટનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ કાળાબજારમાં મળતાં હેલ્મેટના ભાવ 2થી 3 ગણા થઈ ગયા છે. બીજી તરફ હેલ્મેટની દુકાનો અને PUC કઢાવવાની દુકાનો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

કર્મચારીઓને મેમો આપી દંડ ફટકારવામાં આવ્યો
શહેરમાં સરકારી કચેરીઓ બહાર પણ પોલીસનું ટ્રાફિકને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન હેલ્મેટ, પી.યુ.સી અને આર.સી બુક વગર આવતા કર્મચારીઓને મેમો આપી દંડ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસ નિયમનું ભંગ કરતું પકડાશે તો દંડ તો થશે જ- જામનગર SP
જામનગરનાં પોલીસ વડાએ જિલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં તેમણે પહેલા પોલીસને જ ટ્રાફિક નિયમનું પાલન કરવાની કડક સુચના આપી હતી. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, જો કોઇ પોલીસ નિયમનું ભંગ કરતું પકડાશે તો દંડ તો થશે જ પરંતુ ખાતાકીય પગલા અને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે બેઠકમાં આવનારા પોલીસ કેવા વાહનમાં આવ્યા, હેલ્મેટ પહેર્યુ છે કે નહીં, સીટ બેલ્ટ છે કે નહીં વગેરેની તપાસણી અધિકારી પાસે કરાવી હતી. જિલ્લા પોલીસવડા શરદ સિંઘલના આ પગલાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે.

અમરેલી-સાવરકુંડલામાં રત્ન કલાકારોને દંડનો ડર
અમરેલીમાં પણ પ્રથમ દિવસે નવા નિયમોની અસર જોવા મળી હતી. અમરેલી અને સાવરકુંડલામાં રત્ન કલાકારોમાં દંડનો ડર પણ જોવા મળી રહ્યો છે. જેને લઈને હીરાના કારખાનાઓમાં આવતા રત્ન કલાકારોની ઓછી હાજરી જોવા મળી રહી છે અને હીરાની ઘંટીઓ ખાલી જોવા મળી રહી છે.

હેલ્મેટની ચોરીનો વીડિયો વાઈરલ, સીસીટીવીમાં કેદ
ટ્રાફિકનાં નવા નિયમ આવતાં જ હેલ્મેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વાઈરલ વીડિયોમાં યુવક ચોરી કરવા માટે મોબાઈલમાં વાતો કરતો જોવા મળે છે. જે બાદ દુકાનમાં નજર ફેરવી બાદમાં હેલ્મેટની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ જાય છે. જો કે આ વીડિયો ક્યાનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ નવા નિયમો આવતાની સાથે જ હેલ્મેટ ચોરીનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

X
MSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યાMSCT બાર એસો.ના પ્રમુખ સાયકલ લઈને નીકળ્યા
હેલ્મેટની ચોરીહેલ્મેટની ચોરી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી