પ્રતિક્રિયા / માયાભાઈ અને કિર્તિદાને મોરારિબાપુને પોતાના બાપ ગણાવ્યા, સાંઈરામે કહ્યું-બાપુ મારા ભગવાન છે

માયાભાઇ અને કિર્તીદાન ગઢવીએ વિવાદનો અંત લાવવા અપીલ કરી

  • બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સત્તાવાર રીતે શાંતિ માટે અપીલ કરી
  • સ્વામિનારાયણના સંતોએ નિવેદન આપ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા ન મળ્યું: માયાભાઇ આહિર
  • બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે કલાકાર તરીકે મને દુખ થાય છે: સાંઇરામ દવે
  • કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી: કિર્તીદાન ગઢવી

Divyabhaskar.com

Sep 10, 2019, 03:54 PM IST

રાજકોટ: નિલકંઠવર્ણીનો વિવાદ રોજ વધુને વધુ વકરતો જાય છે. સંતો બાદ હવે કલાકારો મોરારિબાપુના સમર્થનમાં આવ્યા છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કહ્યું બાપુ તો મારા માટે ભગવાન છે જ્યારે માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવીએ બાપુનો પોતાના બાપ ગણાવ્યા છે. તેની સાથે સાથે આ ત્રણેય કલાકારોએ કહ્યું કે, બસ હવે આ વિવાદનો અંત લાવો. આપણો એક જ ધર્મ છે તેને મજબૂત કરીએ. આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે. તો બીજી તરફ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ સત્તાવાર રીતે શાંતિ માટે અપીલ કરી છે.

મોરારિબાપુ અમારો બાપ છે, કોઈની લાગણી દુભાવે નહીંઃ માયાભાઈ આહિર

હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારોરિ બાપુ અમારો બાપ છે, કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી. આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સમગ્ર રાષ્ટ્રને એક કરવા નીકળ્યા છીએ ત્યારે સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે.

બાપુ મારા માટે ભગવાન છેઃ સાંઇરામ દવેએ

હાસ્યકલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ.

બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે: કિર્તિદાન ગઢવી

લોકગાયક કિર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હિન્દુઓનો સૌપ્રથમ ધર્મ હોય તો તે સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. આપણે ચેતવું જોઇએ કે હિન્દુઓની વસ્તી વિશ્વમાં ખૂબ ઓછી છે. આપણે અંદરો અંદર વાદ વિવાદ કરીએ તો આનો અંત ક્યારે આવશે. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે. બાપુ વિશે જરા પણ કોઇ કંઇ બોલે તે મારા માટે સહન ન થાય.

ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને શાંતિની અપીલ કરીએ છીએઃ બીએપીએસ

તાજેતરમાં ધાર્મિક લાગણી દુભાયાના મુદ્દે જે કંઈ બન્યું છે તે બનવાકાળ બની ગયું છે. અમે સૌ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવીએ છીએ. આથી સંપ્રદાયના તમામ સંતો-ભક્તો તેમજ તમામ ધર્મપ્રેમી ભાવિકો-સંતો-મહંતો-આચાર્યોને અમારી નમ્ર પ્રાર્થના અને હાર્દિક અપીલ છે કે આપણે સૌ પરસ્પર વૈમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઈએ, સનાતન હિન્દુ ધર્મની એકતા માટે, ધર્મના યત્કિંચિત સેવાકાર્યો તથા ઉત્કર્ષમાં સાથે મળીને પ્રવૃત્ત થઈએ. હવે પરસ્પર નિવેદનો કરવાને બદલે પરસ્પર આદર રાખીને આપણે સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઈએ. સર્વે ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને અમે શાંતિની અપીલ કરીએ છીએ.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી