રાજકોટમાં પાકવીમા મુદ્દે કિસાન સંઘ અને ખેડૂતોની રેલી, આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયતની સંભાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેનર સાથે ખેડૂતોએ રેલી કાઢી - Divya Bhaskar
બેનર સાથે ખેડૂતોએ રેલી કાઢી
  • અઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

રાજકોટ: પાકવીમો, ભાવાંતર યોજના લાગુ કરવા અને સરકાર દ્વારા ડેમ-તળાવો રિપેર અને ઊંડા ન કરાતા ખેડૂતો, કિસાન સંઘ દ્વારા બહુમાળી ચોકથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના કમિશન એજન્ટ એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે. રેલી બાદ10થી વધુ ખેડૂતો રાજકોટના બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. બહુમાળી ચોક ખાતે એકઠા થયેલા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મોદીએ હવે સરકારી અધિકારીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે.

કંગાળ પરિસ્થિતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાશે

કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ વર્ષે અછત અને અર્ધ અછત હોવાથી ખેડૂતોને બહુ મુશ્કેલી પડી રહી છે. આવા ખરાબ સમયે જો ખેડૂતોને પાકવીમો ન મળેતો ખેડૂતોએ તેમના પરિવાર, ગાય, ભેસનો નિભાવ કેમ કરવો અને નવા વર્ષના બિયારણ, ખાતર તેમજ ખેતી ખર્ચના નાણાના અભાવે ખરીફ પાકનું વાવેતર કરી શકે તેમ નથી. પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોએ લીધેલી લોન પણ ભરી શકે તેમ નથી, ખેડૂતો લોન ભરવામાં ડીફોલ્ટર થયા છે. જેથી તેઓનું નવું પાક ધીરાણ મળી શકે તેમ નથી,  ખાનગી ધીરાણધારકો પાસેથી ઉચા વ્યાજે નાણા લેવાની ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ ખેડૂતોમાં સર્જાઇ છે. આ કપરી અને કંગાળ પરિસ્થિતિને લીધે ખેડૂતો આત્મહત્યા કરવા પ્રેરાશે.

પાકવીમો નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે

પાકવીમો ચૂકવવા અંગે વારંવાર રજૂઆતો સરકારને કરવામાં આવી છે પરંતુ કોઇ પણ અગમ્ય કારણોસર સરકાર પાકવીમો ચૂકવવાની કોઇ પણ કાર્યવાહી હજુ સુધી કરી નથી. આમ રાજકોટ જિલ્લાના ખેડૂતોને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી પાકવીમો નહીં મળે ત્યાં સુધી ખેડૂતો બેડી યાર્ડ બહાર આમરણાંત ઉપવાસ આંદલન પર બેસશે.