લાંચ / દર 15 દિવસે એક લાંચિયો અધિકારી-કર્મચારી ACBની ઝપેટે ચડે છે, CMનાં શહેરમાં પૈસાનાં જોરે કામની પતાવટ

Every 15 days, a government employee take bribe 85 cases file in 3 years!

  • ક્લાસ વનથી ક્લાસ 3નાં કર્મચારી લાંચ લેવામાં સુરા
  • ટ્રાફિકનાં કાયદામાં ભ્રષ્ટાચાર નહીં વધે તેની શું ખાત્રી? કોંગ્રેસનો સવાલ

Divyabhaskar.com

Sep 11, 2019, 02:59 PM IST

જીજ્ઞેશ કોટેચા, રાજકોટ:મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ કબુલી ચુક્યા છે કે, રેવન્યુ શાખામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. પરંતુ રૂપાણીનાં રાજકોટમાં પણ સરકારી બાબુઓ લાંચ લેચા ખચકાતા નથી. બેરોકટોક નાના કામો પણ પૈસા આપી પતાવટ કરતા હોવાનું એસીબીના ચોપડે સાબિત થયું છે. છેલ્લા 3 વર્ષમાં રાજકોટ ડિવિઝનમાં કુલ 85 જેટલા સરકારી બાબુઓએ લાંચ લીધી હોવાના કેસ નોંધાયા છે. સરેરાશ વાત કરીએ તો દર પંદર દિવસે એક લાંચિયો અધિકારી કે કર્મચારી એસીબીની ઝપટે ચડે છે. મુ્ખ્યમંત્રીના શહેરમાં સરકારી કામોની પતાવટ પૈસાના જોરે થતી હોવાનું એસીબીના આંકડાઓ બોલે છે.

રાજ્યમાં સરેરાશ 48 કલાકે એક લાંચિયો સરકારી બાબુ પકડાય છે

શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજુભા ઝાલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું, કે ગુજરાત સહિત રાજકોટમાં ભ્રષ્ટચાર ખદબદે છે. રાજકોટ ડિવિઝન એટલે કે રાજકોટ, શહેર ગ્રામ્ય, મોરબી, જામનગર, દ્વારકા થઇને ત્રણ વર્ષમાં કુલ 85 કેસ નોંધાયા છે. એટલે કે પંદર દિવસે એક ગુનો નોંધવામાં આવે છે. આ સિવાય પણ પૈસા દઇને પતાવટ થઈ હોય તેવા બનાવો કેટલા થતા હશે તે તો રામ જાણે! ગુજરાત રાજ્યની વાત કરીએ તો દર 48 કલાકે એક લાંચિયા બાબુ પકડાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય 16 સપ્ટેમ્બરથી બેફામ ભ્રષ્ટાચાર થશે તેવો આક્ષેપ કર્યો હતો. ટ્રાફિકના કાયદામાં 500થી 2000નાં દંડ રાખવામાં આવ્યા છે. પ્રજા પણ આવા આકરા દંડથી બચવા 100-200 રૂપિયા આપી છુટી જશે અને લેવાવાળા પણ આવી લાંચ લઇ લેશે. પ્રજાએ પણ જાગૃતતા દાખવવા કોંગ્રેસે અપીલ કરી હતી.

રાજકોટ ડિવિઝનમાં વર્ષ 2017માં 19, 2018માં 41 અને 2019માં ઓક્ટોબરમાં 25થી વધુ કેસ

આતો એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) આરટીઆઇથી પર હોવાની વાત છે અને આમ પણ કોઇને માહિતી દેવામાં એસીબી ઓફિસના અધિકારીઓ મનમાની પણ કરી લેતા હોય છે. શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા કહે છે કે, ગુજરાત જ નહીં ખુદ રૂપાણીનાં રાજકોટમાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. કોંગ્રેસ સમિતિ લાંચિયા અધિકારી અને કર્મચારી વિરૂદ્ધ આવેદનપત્ર પણ પાઠવ્યું છે. જેમા છેલ્લા ત્રણ વર્ષના આંકડા જાહેર કર્યા હતાં.

પોલીસ ખાતુ પણ લાંચ લેવામાં પાછળ નથી

સૌરાષ્ટ્રમાં એસીબીનાં છટકામાં છેલ્લા સાડા છ વર્ષમાં 210 અધિકારી અને કર્મચારી ઝડપાયા છે. જેમા એક વિગત મુજબ ગૃહવિભાગનાં જ 63 કેસ હોવાનું માનવામાં આવે છે. દારૂ પીધેલા હોય તો છોડી મુકવાના, ઝડપાયેલા આરોપીને માર ન મારવા વગેરે સહિતના કેસમા એક ચોક્કસ ભાવ જાણે પોલીસે બાંધી લીધા હોય તેવું લાગે છે અને લાંચ માંગવાનાં અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યાં છે. આવા કેસમાં સરકારી બાબુને સસપેન્ડ કરવા સુધીનાં પગલા પણ ભરવામાં આવતા હોય છે.

લાંચ માંગ્યાના ચર્ચાસ્પદ કેસ પર નજર કરીએ....

  • 9 જુલાઇ 2019ના રોજ ઇન્કમટેક્ષ ઓફિસર જ લાંચમાં ઝપટે ચડ્યા હતાં. રેસકોર્સ રીંગરોડ પર આવેલી ઇન્કમટેક્ષ ઓફિસમાં ફરજ બજાવતા નરસી પાલજી સોલંકી એ નોટિસ અને કોઇ ક્વેરી નહીં કાઢવા અરજદાર પાસે 30 હજારની લાંચ માંગી રંગે હાથ ઝડપાઇ ગયા હતાં.
  • ગત વર્ષોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટનાં તત્કાલીન એસ્ટેટ મેનેજર નિધીબેન કુબડીયાએ તો 1 કરોડ 50 લાખની લાંચ માંગી હતી. જેમાં પ્રથમ હપ્તાનાં 20 લાખ લેવા તેના પતિ હિતેષભાઇ એસીબીનાં હાથે ચડી ગયા હતાં.
  • ભૂતકાળમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અશોકકુમાર અને નિવૃત એજ્યુકેશન ઇન્સપેક્ટર 25 હજારની લાંચમાં ઝપડે ચડી ચુક્યા હતાં.
  • કોન્ટ્રાક્ટર તેના બિલ સમયસર આપવા કોઇ ક્વેરી નહી કાઢ્યા વગર પાસ કરી દેવા રેલવેનાં વર્ગ 1નાં બે અધિકારી સવા લાખની લાંચ લેતા પકડાયા હતાં, જેમાંથી એક અધિકારીનાં ઘરમાંથી તો 10 લાખ રોકડની અપ્રમાણસર મિલકતની અલગથી કાર્યવાહી થઇ હતી.

લોકોમાં ઘણી જાગૃતતા આવી છે-ACB, સીટી PI
એસીબી રાજકોટ સિટી પીઆઇ એસ.એસ આચાર્યે Divyabhaskar સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે, લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. કોઇ લાંચ માગે તો એસીબીનો સંપર્ક કરતા હોય છે. સામે લાંચ માંગવાનું પ્રમાણ પણ વધતું જાય તેવો આડકતરો સ્વીકાર કર્યો છે. ભ્રષ્ટાચારી લોકો સામે કેસ કરી મજબુત પુરાવા મેળવી તેને સજા પણ થાય તેવા અમારા પ્રયાસો હોય છે. આગામી દિવસોમાં ભ્રષ્ટચારનાં કેસ ઘટે તેવા પુરા પ્રયાસો કરીશું.
-રાજકોટ સિટી પીઆઇ, એસ.એસ આચાર્યે

X
Every 15 days, a government employee take bribe 85 cases file in 3 years!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી