પિયર ગયેલી પત્નીને સરપ્રાઈઝ આપવા જતા અમદાવાદના યુવાનનું કાર પલટી જતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના મણિનગરના યુવકનો ગોંડલ- રાજકોટ હાઇવે પર અકસ્માત
  • પત્નીએ અમદાવાદ આવવા ટ્રાવેલ્સમાં બુકિંગ પણ કરાવ્યું હતું
  • સાપર પહોંચી પત્નીને ફોન કરીને જાણ કરી કે, હું તને સરપ્રાઈઝ આપવાનો છું

અમદાવાદ/ગોંડલ: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર કાર પલટી જતા અમદાવાદના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવક સાસરીમાં પત્નીને લેવા જતો હતો અને તેને સરપ્રાઇઝ આપવાનો હતો. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ગોંડલ ખોડિયાર હોટલ પાસે કાર પલટી 
અમદાવાદના મણિનગરના ગંગેશ્વર સોસાયટીમાં રહેતા અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા અંકિત નરેશભાઈ શાહ (ઉ.વ.37) પોતાની બ્રેઝા કાર GJ27 BS 5963માં અમદાવાદથી જેતપુર જઈ રહ્યા હતા ત્યારે ગોંડલ ખોડિયાર હોટલ પાસે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી જતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સીટી પોલીસના જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. 

પત્નીએ અમદાવાદ આવવા ટ્રાવેલ્સમાં બુકિંગ પણ કરાવ્યું હતું
અકસ્માત અંગે જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અંકિત શાહના પત્ની જેતપુર પિતાને ત્યાં આવ્યા હોય અને તેઓ તેને તેડવા આવવા માટે સરપ્રાઈઝ આપવાના મૂડમાં હતા અમદાવાદથી નીકળ્યા બાદ સાપર પહોંચી પત્નીને ફોન કરીને જાણ કરી હતી કે, હું તને સરપ્રાઈઝ આપવાનો છું અને ત્યાં ગોંડલ પાસે કાળનો કોળિયો બની જતાં સરપ્રાઇઝ કાળમુખી બની જવા પામી હતી. આ ઘટનામાં વધુ દુઃખની વાત તો એ કે અંકિતભાઈના પત્નીએ અમદાવાદ જવા માટે ટ્રાવેલ્સ અને ટિકિટ પણ બૂક કરાવી લીધી હતી.