તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મીય કોલેજના વિદ્યાર્થીને ગાંજો સપ્લાય કરનાર શખ્સ જસદણથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે ઝડપાયેલ બંને આરોપી વિદ્યાર્થીઓની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગાંજા સાથે ઝડપાયેલ બંને આરોપી વિદ્યાર્થીઓની ફાઇલ તસવીર
  • કોલેજિયનોને નશામાં ગરક કરનાર વિદ્યાર્થીઓ ગાંજાનો જથ્થો જસદણ પંથકથી લાવ્યાનો ધડાકો
  • કેટલા વિદ્યાર્થીઓ નશાની ગર્તામાં ડૂબ્યા, વધુ કેટલા છાત્રો માદક પદાર્થ વેચે છે સહિતના મુદ્દે તપાસ

રાજકોટઃ આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને શહેર પોલીસે 3.400 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા, ઝડપાયેલા બે પૈકી સૂત્રધારને ગાંજાનો જથ્થો આપનાર સુરતનો નહીં પરંતુ જસદણ પંથકનો હોવાનું ખૂલતા પોલીસ દોડી ગઇ હતી અને સપ્લાયરને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી. શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળની સોમનાથ સોસાયટી મેઇન રોડ પરથી એસઓજીના પીઆઇ રાવલ સહિતના સ્ટાફે આત્મીય કોલેજના દિવ્યેશ રમેશ સોલંકી (ઉ.વ.24) તથા ગાયત્રી બંગલો નજીક રહેતા હર્ષ સુનિલ ગાંધી (ઉ.વ.19)ને રૂ.2,04,000ની કિંમતના 3.400 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

પોલીસની સઘન પૂછપરછ ચાલુ
પોલીસની આગવીઢબની પૂછપરછમાં દિવ્યેશ સોલંકીએ કબૂલાત આપી હતી કે, પોતે આત્મીય કોલેજમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે અને કોલેજમાં જ બીસીએમાં અભ્યાસ કરતાં હર્ષનો બે મહિનાથી પરિચય થયો હતો અને તે મિત્ર બન્યા બાદ શરૂઆતમાં તેને ગાંજાનો નશો કરાવ્યો હતો અને તે વ્યસની થતાં તેને ગાંજો વેચવાનું કામ સોંપ્યું હતું. પોતે સુરતથી ગાંજાનો જથ્થો લાવ્યાનું શરૂઆતમાં દિવ્યેશે રટણ કર્યું હતું, પરંતુ પોલીસની આગવીઢબની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને જસદણ પંથકથી ગાંજો લાવ્યાની કબૂલાત આપતા પોલીસની ટીમ જસદણ પંથકમાં દોડી ગઇ હતી અને સપ્લાયરને સકંજામાં લીધો હતો. સપ્લાયર ક્યાંથી ગાંજો લાવતો હતો અને રાજકોટમાં કેટલા લોકોને અગાઉ સપ્લાય કર્યો હતો સહિતના મુદ્દે આગામી દિવસોમાં ધડાકો થશે. દિવ્યેશ અને હર્ષે કોલેજના કેટલા વિદ્યાર્થીઓને માદક પદાર્થના સેવનના રવાડે ચડાવી તેની જિંદગી અવડે પાટે ચડાવી હતી તેમજ માદક પદાર્થના વેચાણમાં કોલેજના અન્ય કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તે સનસનીખેજ વિગતો બહાર લાવવા પોલીસે બંનેની સઘન પૂછપરછ ચાલુ રાખી હતી.