તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની MSB સ્કૂલની પ્રવાસ બસ બગોદરા નજીક સળગી, 35 વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની સાવચેતીએ બાળકોની જિંદગી બચાવી
  • પરંતુ સ્કૂલ સંચાલકોની લાપરવાહી સામે રોષ

રાજકોટ: શહેરની એમએસબી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની પ્રવાસની બસ શુક્રવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં બગોદરા નજીક અચાનક સળગી ઊઠી હતી. બસમાં રહેલા 35 વિદ્યાર્થીઓનો શિક્ષકોની સતર્કતાથી બચાવ થયો હતો.

 

વાલીઓએ શિક્ષકોની સજાગતાને બિરદાવી હતી, પરંતુ નિયમની વિરુધ્ધ સ્કૂલ સંચાલકોએ રાત્રે પ્રવાસ શા માટે કરાવ્યો, વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસની તગડી ફી વસૂલવામાં આવી હોવા છતાં પૂરતી સવલતો શા માટે રાખવામાં આવી નહોતી, સહિતના મુદ્દે વાલીઓમાં સ્કૂલ સંચાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

એમએસબી સ્કૂલની પ્રવાસ બસમાં ધોરણ-3 અને 4ના 35 વિદ્યાર્થીઓ હતા. બસમાં ધુમાડા નીકળતા પાછળના વાહનચાલકે ઓવરટેઇક કરી બસના ચાલકને જાણ કરી હતી. બસ ચાલકે બસ ઊભી રાખી જોતાં જ ધુમાડાના ગોટા જોવા મળતા તે ગભરાઇ ગયો હતો અને તેણે બસ ખાલી કરવાનું કહેતા શિક્ષકોએ તમામ 35 બાળકોને ઉતારી દીધા હતા, બાળકો ઉતરતા હતા તે વખતે જ બસ આગની લપેટમાં આવી ગઇ હતી. કેટલાક બાળકોએ બૂટ, ચપ્પલ કાઢીને સીટ પર બેઠા હતા અને ભાગતી વખતે કેટલાક બાળકો પગમાં દાઝી ગયા હતા. જો બસ ખાલી કરવામાં એકાદ મિનિટનું મોડું થયું હોત તો એવી દુર્ઘટના સર્જાત કે તેની કલ્પના પણ થરથરાવી દે તેવી છે

રાત્રે આઠ વાગ્યે બનેલી ઘટનાને પગલે બસમાંથી તમામ બાળકોને નીચે ઉતારી દેવાયા હતા. બાળકોને તાકીદે બસમાંથી ઉતાર્યા તેથી કેટલાય વિદ્યાર્થીઓને બૂટ-ચપ્પલ અને સ્વેટર પહેરવાનો પણ મોકો મળ્યો નહોતો. બસ સળગીને ખાક થઇ જતાં બે કલાક સુધી બાળકોને હાઇવે પર ઊભા રાખવામાં આવ્યા હતા. 8 અને 9 વર્ષની વયના વિદ્યાર્થીઓ બે કલાક સુધી કડકડતી ઠંડીમાં થરથરતા રહ્યા હતા.  

સ્કૂલ પ્રવાસની બસને નડેલા જીવલેણ અકસ્માતોની હારમાળા બાદ તાજેતરમાં જ રાજ્ય સરકારે રાત્રીના પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. રાત પડે એટલે પ્રવાસ બસ હોલ્ટ થઇ જાય તે માટેની જવાબદારીઓ થોપવામાં આવી છે, પરંતુ રાજકોટની એમએસબી સ્કૂલના સંચાલકોએ રાજ્ય સરકારના તમામ નિયમોનો ઉલાળિયો કરી રાત્રી દરમિયાન પણ પ્રવાસની બસ ચાલુ રખાવી હતી. વિદ્યાર્થીઓની જિંદગી સાથે ચેડાં અને નિયમોનો ઉલાળિયો કરનાર જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તેના પર સહુની મીટ મંડાઇ છે.

એમએસબી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મુસ્લિમભાઇ ભારમલે જણાવ્યું હતું કે, ધોરણ-3 અને 4 વિદ્યાર્થીઓનો મુંબઇ પ્રવાસ યોજાયો હતો અને બગોદરા નજીક બસમાં અકસ્માતે આગ ભભૂકી હતી, પરંતુ શિક્ષકોની જાગૃતિથી તમામ 35 બાળકોને કુશળ રીતે બહાર કાઢી લેવાયા હતા અને એકપણ બાળકને સામાન્ય ઇજા પણ થઇ નથી. પ્રવાસ રદ કરીને રાત્રે 2 વાગ્યે તમામ બાળકોને પરત લઇ આવવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તાજેતરની ઘટનાઓ બાદ પ્રવાસની બસની રાત્રી મુસાફરી પ્રતિબંધિત છે. આ અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને પ્રવાસ જતાં પૂર્વે મંજૂરીના પણ નિયમો છે. બગોદરા નજીક સ્કૂલની પ્રવાસ બસ સળગવાની ઘટનાને ગંભીર ગણાવી આ અંગે તપાસ બાદ જવાબદારો સામે આકરા પગલાંનો તેમણે નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...