તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતીનું આળ મૂકી 30 દી’માં 40 વિદ્યાર્થીને લૂંટ્યા: ચાર ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખથી વધુની મતા લૂંટ્યાની શંકા, 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત
  • કાલાવડ રોડ પર પડ્યાપાથર્યા રહેતા, ફોટા વાયરલ કરી દેશું
  • આંબેડકરનગરમાંથી હમણા ટોળું આવે છે કહી ધમકાવતા

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર શાળા કોલેજ નજીક વિદ્યાર્થીઅોને અાંતરી છેડતીનું આળ મૂકી છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગને પોલીસે દબોચી લીધી હતી. ચાર શખ્સોની ગેંગે છેલ્લા 30 દિવસમાં 40 વિદ્યાર્થીઓને ધમકાવી લૂંટી લીધા હતા. પોલીસે રોકડ અને બાઇક સહિત કુલ રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 
નાનામવા રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલની સામે હરિદ્વાર હાઇટ્સમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો પ્રિન્સ શેખલિયા (ઉ.વ.19) ગત તા.22ના સાંજે સાતેક વાગ્યે કાલાવડ રોડ પર પ્રદ્યુમન હાઇટ્સ પાસેથી પસાર થતો હતો ત્યારે એક્ટિવા પર બે શખ્સો ધસી આવ્યા હતા અને પ્રિન્સને અટકાવી તે મારી બહેનની છેડતી કરી છે, તારો ફોટો પાડી વાયરલ કરી દઇશ, હમણા આંબેડકરનગરમાંથી ટોળું આવે છે તેમ કહી યુવકને ધમકાવ્યો હતો અને છરી બતાવી તેની પાસેથી સોનાની લક્કી અને બે વિંટી સહિત કુલ રૂ.1 લાખની માલમતા લૂંટી લીધી હતી. 
આ ઘટના હજુ તાજી જ હતી ત્યાં ગત તા.8ના અન્ય એક વિદ્યાર્થી શ્યામ મોર (ઉ.વ.19)ને પણ ઉપરોક્ત શખ્સોએ જ આત્મીય કોલેજની પાછળ આંતરી છેડતીનું આળ મૂકી છરી બતાવી સોનાની વિંટી અને રોકડ સહિત કુલ રૂ.20800ની મતા લૂંટી લીધી હતી. ટૂંકાગાળામાં બે વિદ્યાર્થીઓને લૂંટી લેવાયાની ઘટના ધ્યાને આવતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણજારા સહિતનો સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને ચોક્કસ વર્ણનના આધારે ચાર લૂંટારૂઓને દબોચી લીધા હતા. 
વિદ્યાર્થીઓને લૂંટતી ગેંગનો ભેદ ઉકેલાવા અંગે વિગતો આપતા ડીસીપી ઝોન 2, મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસે ઘનશ્યામનગરના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.20), હુડકો પોલીસ ચોકી પાસેના ક્રિષ્ના ચોકમાં રહેતા સુનિલ નવિન રાઠોડ (ઉ.વ.19), અભય હસમુખ સિધ્ધપુરા (ઉ.વ.19) તથા રાજદીપ ઉકા ડાંગર (ઉ.વ.19)ને ઝડપી લીધા હતા. લૂંટારૂ ગેંગે છેલ્લા 30 દિવસમાં 40 જેટલા વિદ્યાર્થીઓને ધમકાવી રૂ.10 લાખની મતા લૂંટ ચલાવ્યાની શંકા છે. 
આરોપીઓ પાસેથી રોકડા રૂ.25 હજાર, રૂ.1.50 લાખની કિંમતનો સોનાનો ઢાળીયો, એક બાઇક અને એક પલ્સર સહિત કુલ રૂ.2.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગેંગનો ભોગ બનનાર લોકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ડીસીપી જાડેજાએ અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...