તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં ઊર્જામંત્રીનું પૂતળું બળાયું: વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિનો ગામેગામ વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • MDએ વીજ કચેરીને તાળાં મરાવી દીધા, 
  • ભરતી કૌભાંડ છૂપાવવા મીડિયા અને યુવા પાંખથી મોં છૂપાવતા ફરતા ભાવિન પંડ્યા
રાજકોટ: પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડ બાદ આ પરીક્ષા જ રદ કરવા, જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે શુક્રવારે સવારે NSUIના આગેવાનો ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે પીજીવીસીએલની નાનામવા ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસે રજૂઆત કરવા પહોચ્યા હતા.પરંતુ આ કૌભાંડ પર ઢાંકપીછોડો કરતા મેનેજિંગ ડિરેક્ટરે કચેરીના મુખ્ય ગેટ પર તાળા મરાવી દઈને રજૂઆત કરવા આવેલા આગેવાનોને પ્રવેશવા દીધા ન હતા સાથે વીજ સબંધિત કામ માટે આવેલા અરજદારોને બાનમાં લીધા હતા.

એનએસયુઆઈના આગેવાનોએ શુક્રવારે વિદ્યુત સહાયકની પરીક્ષાના ઉમેદવારોને સાથે રાખી પીજીવીસીએલના એમ.ડીને રજૂઆત કરવા આવ્યા હતા. શરૂઆતમાં આ કૌભાંડમાં ભીનું સંકેલી લેવા એમ.ડીએ મળવાનો ઇનકાર કરી સિનિયર ઈજનેરને આગળ કરી દીધા હતા પરંતુ વિરોધ સૂત્રોચ્ચાર થતા એમ.ડીને મળીને એનએસયુઆઈના આગેવાનોએ આ સમગ્ર કૌભાંડની ઝીણવટથી તપાસ કરવા, ગેરરીતિ આચરનાર અધિકારીને શોધી તેણે સસ્પેન્ડ કરવા, પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે લેખિતમાં જવાબ માંગ્યો હતો પણ નહીં આપતા આગેવાનો એમ.ડીની ચેમ્બરમાં જ બેસી ‘એમ.ડી હમસે ડરતા હે, પોલીસ કો આગે કરતા હે’ સુત્રોચ્ચાર કરતા પોલીસે એનએસયુઆઈના આગેવાનોને ટીંગાટોળી કરી કચેરીની બહાર ખદેડી મુક્યા હતા. રાજકોટ ઉપરાંત ધોરાજીમાં પણ પરીક્ષા કૌભાંડ મુદ્દે વિરોધ થયો હતો. સૌરાષ્ટ્રમાં ગામેગામથી 4400થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ ગેરરીતિ બહાર આવતા ગામેગામ વિરોધનો વંટોળ ઉભો થયો છે.

એનએસયુઆઈના આગેવાનો રજૂઆત કરવા ગયા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા, પરીક્ષા રદ કરી ફરીથી લેવા અને ઉમેદવારોને ન્યાય આપવા લેખિતમાં જવાબ માગ્યો ત્યારે એમ.ડી ભાવિન પંડ્યાએ કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાનું ચાલુ રાખતા લેખિતમાં કશું નહિ આપવા અને કાર્યવાહી કરીશ એવો ઉડાવ જવાબ આપી ગેરરીતિ છાવરી હતી. ભરતી કૌભાંડ છતું થયાના આટલા દિવસો થયા છતાં હજુ સીધી કોઈ કાર્યવાહી વીજતંત્રે કરી નથી. ખરેખર રાજ્યની સૌથી મોટી વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરપદે કાર્યરત અને આઈએએસ કક્ષાના અધિકારી તરીકે તેમની મહત્ત્વની ફરજ બને છે કે કંપનીમાં કોઈપણ જગ્યાએ ખોટું થયું હોય તેની માહિતી કોઈપણ વ્યક્તિએ આપી હોય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવી ન્યાયિક નિર્ણય કરવો જોઈએ પરંતુ હાલ એમ.ડીના નકારાત્મક વલણથી એવું સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભરતી પ્રક્રિયામાં ફરજ ચૂક્યા છે જેના લીધે હજારો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...