રાજકોટ: રાજકોટમાં શિક્ષણ જગત માટે શરમજનક કિસ્સો દબાવી દેવા શાળા સંચાલકો મરણીયા બન્યાં છે. શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી એલ.જી. ધોળકિયા સ્કૂલમાં બે શિક્ષકોને સગીરા વિદ્યાર્થિનીને મોબાઇલ અપાવી તેમાં ગંદા મેસેજ કરતા હોવાની વાતે જોર પકડ્યું છે. મોબાઇલ વિદ્યાર્થિનીની માતાના હાથમાં આવી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને સગીરાના વાલીઓએ શાળાએ જઇ બે શિક્ષકને બરોબર મેથીપાક ચખાડ્યો હતો અને શાળા સંચાલકોએ બન્નેને સ્કુલમાંથી હાકી કાઢ્યા હતા. પરંતુ નરાધમ શિક્ષકને આકરી સજા કરવાના બદલે શાળાની આબરૂ બચાવવા સંચાલકોએ મામલો દબાવી દેવા હવાતિયા મારવાનું ચાલુ કર્યું છે. સુત્રો કહે છે ભાજપ સાથે ઘરોબો ધરાવતા સંચાલકોએ સીએમ કાર્યાલય સુધી દોરડા ધણધણાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાળા સંચાલકો અને જવાબદારોના ફોન બંધ, ડીઇઓ કહે છે તપાસનું કહ્યું છે: આ કાંડ શિક્ષણ જગતમાં ચર્ચાતા શાળા સંચાલકો અને જવાદારોએ પોતાના ફોન પણ બંધ કરી દીધા છે. શાળામાં જાણે કશું થયું જ ન હોય તેવો સંચાલકો અને જવાદારો વ્યવહાર કરી રહ્યાં છે. ડીઇઓ આર. એસ. ઉપાધ્યાએ જણાવ્યું હતું બનાવની વિગત મને મીડિયા દ્વારા જાણવા મળી છે. જરૂરી તમામ તપાસ કરવાનું કહ્યું છે. હજુ સુધી મને કોઇ વાલી તરફથી ફરિયાદ મળી નથી પરંતુ તપાસ કરાવીશું.
વાલીએ ચેમ્બરમાં ઢોર માર્યો છે, જો સીસીટીવી આવે તો સત્ય બહાર આવે: સગીરાને મેસજ કર્યા બાદ સગીરાના વાલી ગુસ્સે ભરાયા હતા અને આ મુદ્દે તે શાળાએ ગયા હતા અને સંચાલકને ઉગ્ર રજૂઆત કરી હતી. બન્ને શિક્ષકો રજની કુનપરા(પટેલ) અને કિશન જે. પેઢડિયાએને ઢોર માર માર્યો હતો. વાલીઓ પણ આબરૂના ડરે કોઇ ફરિયાદ કરતા નથી કે મીડિયા સામે આવતા નથી. સગીરાના વોટ્સઅપ ચેટિંગ જો ચેક કરવામા આવે તો સત્ય બહાર આવી શકે એમ છે અને ફરિયાદ થાય તો અગાઉ કોઇ સાથે આવું થયું હોય તો તેની વિગતો પણ મળી શકે તેમ છે.
કહેવાતા વિદ્યાર્થી સંગઠોનો કેમ ચૂપ છે: એનએસયુઆઇ અને એબીવીપી જેવા સંગઠનો આ મુદ્દે કેમ આગળ નથી આવતા એ સવાલ છે. ફી વધારો અને વિદ્યાર્થીઓને અન્યાય વખતે મોરચો માંડતા સંગઠનો આવી વાતને ગંભીરતાથી લ્યે અને સત્ય બહાર આવી શકે છે. પરંતુ આવડા મોટા કાંડ બાદ તે પણ ચૂપ બેઠા છે તે એક મોટો સવાલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.