દાવપેચ / શું 20 એકર જમીનના 'સાટા'માં કુંવરજી બાવળિયા ભાજપમાં આવી ગયા?

X

divyabhaskar.com

Mar 09, 2019, 11:40 AM IST
  • બાવળિયાએ અમરાપુર ગૌચર નકલી સહી-સિક્કા કરીને પોતાના ટ્રસ્ટના નામે કર્યું
  • 2008માં જેલમાં જઈ આવેલા બાવળિયા સામેનો આ કેસ હવે કોર્ટના બોર્ડ પર આવ્યો 
  •  ફરિયાદીનો આક્ષેપઃ  'કેસ પાછો ખેંચવા હવે રૂપાણી, વાઘાણી દબાણ કરે છે' 
  •  CID તપાસની માગણી કરનાર ભાજપના કાર્યકર્તાનું મર્ડર થઈ ચૂક્યું છે

જીજ્ઞેશ કોટેચા, રાજકોટ: અત્યારે લોકસભાની ચૂંટણીના માહોલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે પક્ષપલટાના આ ખેલના એક મહારથી કુંવરજી બાવળિયાએ શા માટે પક્ષાંતર કર્યું તેની સ્ફોટક વિગતો સામે આવી રહી છે. બાવળિયા ગત વર્ષે અચાનક ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની ગયા તેને રાજકીય ડહાપણ ગણવામાં આવે છે. પરંતુ કેટલીક ચોંકાવનારી હકીકતો એવું સૂચવે છે કે જમીન કૌભાંડમાં એક વાર જેલમાં જઈ આવેલા બાવળિયા 7 વર્ષની સજાથી બચવા ભાજપમાં જોડાયા છે. અથવા તો જમીન કૌભાંડનું કાંડુ મરડીને ભાજપે બાવળિયાને પક્ષપલટો કરવાની ફરજ પાડી છે. બાવળિયા ભાજપમાં જોડાયા પછી કેસ નબળો પાડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવો ફરિયાદીઓ પણ આક્ષેપ કરે છે.

1

શું છે અમરાપુર ગૌચર જમીન કૌભાંડ કેસ?

શું છે અમરાપુર ગૌચર જમીન કૌભાંડ કેસ?

જસદણ-વીંછિયા તાલુકાના અમરાપુર ગામના તત્કાલીન સરપંચ સવિતાબેન નાથાલાલ વાસાણીએ અગાઉ 3 જુલાઈ, 2005ના રોજ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, સ્થાનિક ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ તત્કાલીન તલાટી કમ મંત્રી ભૂપતભાઈ ખાચરના મેળાપીપણામાં 21 ફેબ્રુઆરી, 2004ના રોજ તેમની (એટલે કે સરપંચ સવિતાબેનના નામે) બનાવટી સહી-સિક્કા કરીને અમરાપુર ગામની સર્વે નં. 418 પૈકી 154 એકર અને 17 ગુંઠામાંથી 20 એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી.

2004માં કલેક્ટરે કહ્યું ત્યારે કૌભાંડની ખબર પડી-સરપંચ: સમગ્ર હકીકત જાણવા DivyaBhaskar ફરિયાદી સવિતાબેનના ઘરે અમરાપુર ગામે પહોંચ્યું હતું. સવિતાબેનને પૂરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, "હું તો સાવ અભણ છું માત્ર મારી સહી કરતા જ શીખી છું. 2004માં રાજકોટના કલેક્ટર મોનાબેન ખંધારે અમને બોલાવ્યા હતા. તે સમયે હું ગામની સરપંચ હતી. તેમણે અમને કહ્યું કે, તમે ગામની ગૌચરની જમીન કઇ રીતે કોઈને આપી શકો. ત્યારે તો અમને ખબર પડી કે, કોઇએ ઠરાવ પર બોગસ સહી-સિક્કા કરી ગૌચરની જમીન પડાવી લીધી છે. તપાસ કરતા જાણવા મળ્યું કે, તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઇએ બોગસ સહી કરી ઠરાવ મંજૂર કરાવી ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટના નામે કરી લીધી છે."

આ કૌભાંડમાં બાવળિયા જેલમાં પણ જઈ આવ્યા છે: આ ફરિયાદમાં પહેલા વીંછિયા પોલીસ અને પછી ગોંડલના ડીવાયએસપીને તપાસ સોંપાઈ હતી પરંતુ તેમાં ખાસ કોઈ પ્રગતિ થઈ શકી નહોતી. કુંવરજી એ વખતે કોંગ્રેસમાં હોવાથી શાસક ભાજપે તેમના ફરતે ગાળિયો મજબૂત કરવા સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી જેમાં કાગળના પાક્કા તપાસ અધિકારી ગણાતા સુખદેવસિંહ ઝાલાએ મૂળ સુધી પહોંચીને 62 જેટલા સાક્ષીઓના નિવેદન લીધા હતા. એટલું જ નહીં, ડિસેમ્બર 2008માં આ કેસમાં બાવળિયાએ ગોંડલ સબજેલમાં જવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ તેમનો સેશન્સ કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો.

2

હવે યોગાનુયોગ જુઓ...

હવે યોગાનુયોગ જુઓ...

એ કેસ હવે વીંછિયા કોર્ટના બોર્ડ પર આવી ગયો છે અને બાવળિયા સામેના પૂરાવા મજબૂત હોવાનું મનાય છે. તત્કાલીન તપાસ અધિકારી સુખદેવસિંહ ઝાલા પણ દાવો કરે છે કે આ કેસમાં બાવળિયાને ઓછામાં ઓછી 7 વર્ષની જેલ થઈ શકે છે. જોકે, એ પહેલાં ગત જુલાઈમાં બાવળિયા અચાનક ભાજપમાં જોડાયા અને કેબિનેટ મંત્રી બનીને પેટાચૂંટણી પણ જીતી ગયા. અગાઉ સરકારના વિરોધમાં હતા એટલે તેમની સામે કેસ થયો, તપાસ થઈ અને જેલમાં પણ જવું પડ્યું. પરંતુ હવે સરકારના માનીતા હોવાથી કેસના પૂરાવાઓ, સાક્ષીઓ સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો ફરિયાદી સવિતાબેન અને તેમનાં પતિ નાથાલાલ વાસાણી ઉઘાડેછોગ આક્ષેપ કરે છે.

ફરિયાદી જે-તે સમયે ભાજપના જ કાર્યકર હતા: રસપ્રદ બાબત એ છે કે બાવળિયાને સંડોવતા આ જમીન કૌભાંડના મુખ્ય ફરિયાદી સવિતાબેન અને તેમનાં પતિ નાથાલાલ દાયકાઓથી ભાજપના કાર્યકર હતા. કોંગ્રેસી ધારાસભ્ય તરીકે બાવળિયાની ગેરરીતિ સામે અવાજ ઊઠાવીને તેમણે ફરિયાદ દાખલ કરી હતી. આજે બાવળિયા ભાજપના ટોચના નેતા બની ગયા છે તો ભાજપની જ ઉચ્ચ નેતાગીરી ફરિયાદીને ડરાવી-ધમકાવી રહી છે.

રૂપાણીએ મને કેસ પાછો ખેંચવા દબાણ કર્યું હતું-નાથાલાલ: હું 24 વર્ષથી ભાજપમાં હતો અને બાવળિયા સામે કેસ લડી રહ્યો હતો. પણ ગત જુલાઈમાં ચિત્ર બદલાઈ ગયું જ્યારે બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. તેમને મંત્રી બનાવાયા અને પેટાચૂંટણી લડાવવાનું નક્કી થતાં જ મારી ઉપર ભાજપના નેતાઓનું દબાણ વધવા લાગ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન અહીં અમરાપુરમાં આવ્યા હતા અને મને કેસ પાછો ખેંચવા સમજાવ્યો હતો. તેમણે મારી વાત રૂપાણી સાથે પણ કરાવી હતી જેમણે મને ખૂબ દબાણ કર્યું હતું.

3

ટ્રસ્ટની મોટાભાગની જમીન બાવળિયાએ પચાવી પાડેલી છેઃ નાથાલાલ

ટ્રસ્ટની મોટાભાગની જમીન બાવળિયાએ પચાવી પાડેલી છેઃ નાથાલાલ

મારા પર ભાજપના નેતાઓનું ભારે દબાણ હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારિયા સહિતનાએ મને ફોન કરી કેસ પાછો ખેંચવા ખૂબ કહ્યું પણ હું માન્યો નથી. ભાજપના નેતાઓના ગેરવાજબી દબાણના કારણે જ હું છેવટે કંટાળીને કોંગ્રેસમાં જોડાઈ ગયો છું. કુંવરજી બાવળિયાના સાર્વજનિક ટ્રસ્ટની ત્રણ એકર જમીન જ કાયદેસર છે. ટ્રસ્ટે એક બિલ્ડીંગ પણ માપણીની બહાર ખડકી દીધું છે અને ગૌચરની જે 20 એકર જમીન પડાવી છે તેમાંથી પાંચેક એકરમાં વાવેતર કરે છે અને બાકીનામાં વાડ કરી વૃક્ષો વાવી દીધા છે. જે-તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી હતી.

ફરિયાદી પક્ષે હજુ કોઈ વકીલ જ નિમાયા નથી! બાવળિયાને જેલ થયાના 10 વર્ષ પછી પણ આ કેસ ચાલી રહ્યો છે. આ કેસને જસદણ કોર્ટમાંથી વીંછિયા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હાલ આ કેસ બોર્ડ પર આવી ગયો છે અને એક પછી એક સાક્ષીઓના નિવેદનો લેવાય રહ્યા છે. જો કે, સાક્ષીઓને ડરાવી-ધમકાવીને ફોડવા એ હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. વીંછિયા કોર્ટના રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યાના જણાવ્યાનુસાર 4 ફેબ્રુઆરી 2019ના રોજ તારીખ હતી જેમાં આરોપી તરીકે કુંવરજીએ હાજરી પૂરાવી હતી. હવેની મુદત 11 ફેબ્રુઆરી, 2019એ હતી. હજી સુધી સરકારી પક્ષે એટલે ફરિયાદી તરીકે કોઇ વકીલ રાખવામાં આવ્યા નથી. આ મુદ્દે અમે એટલે કોર્ટ તરફથી કલેક્ટરને વકીલની નિમણૂક અંગે પત્રવ્યવહાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રીતે કેસને નબળો પાડવાની ચાલ પણ હોઈ શકે છે.

કોર્ટની ચાર્જશીટમાં કુંવરજી બાવળિયા સામે હજી પણ મજબૂત પૂરાવા

સરપંચે આપેલા સિક્કામાં સરપંચ શબ્દ વચ્ચે છે અને પછી અલ્પવિરામ છે અને ક્યાંય શ્રી શબ્દ નથી.

તલાટી-મંત્રી પાસેના સિક્કામાં સરપંચ શબ્દ મધ્યમાં નથી.

જ્યારે ઠરાવમાં મારેલા સિક્કામાં સરપંચ શબ્દ વચ્ચે છે અને અમરાપુર આગળ શ્રી છે. આમ ત્રણેય સિક્કા જુદા છે.

ગૌચરની જમીન માત્ર ગ્રામ પંચાયતના ઠરાવ તથા સરપંચના સહી-સિક્કાના આધારે તબદિલ ન કરી શકાય.

કોર્ટમાં કુંવરજી ગુનેગાર સાબિત થાય તો 7થી 14 વર્ષની સજા પડી શકે છે.

4

બાવળિયા સામે મજબૂત પૂરાવા છે, નીચલી કોર્ટમાં ગુનેગાર ઠર્યા છેઃ સુખદેવસિંહ

બાવળિયા સામે મજબૂત પૂરાવા છે, નીચલી કોર્ટમાં ગુનેગાર ઠર્યા છેઃ સુખદેવસિંહ

આ કેસમાં જે તે સમયના તપાસ અધિકારી સુખદેવસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, જે-તે સમયે પૂરાવાને ધ્યાને લઇ બાવળિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં તેમની સ્પષ્ટ સંડોવણી હતી અને તેટલે જ એક મહિના જેટલો સમય ગોંડલ સબ જેલમાં રાખવામાં આવ્યા હતા. હું પણ સાક્ષીમાં છું. જે-તે સમયે બાવળિયા પકડાયા હતા અને નીચલી કોર્ટે ગુનેગાર સાબિત કરી સજા ફટકારી હતી. તે જ મોટી સાબિતી છે કે તે ગુનેગાર તો છે જ.

કૌભાંડમાં ફરિયાદ કરનાર રહીમ લોહિયાનું 2007માં મર્ડર થયું હતું: જસદણ તાલુકાના મોઢુકા ગામના રહીમ લોહિયા નામના ભાજપના કાર્યકર્તાએ 2007માં રાજ્યના ગૃહ વિભાગ સમક્ષ લેખિતમાં માગણી કરી હતી કે અમરાપુર ગામ જમીન કૌભાંડ સહિત 18 કેસમાં સીઆઈડી તપાસનો આદેશ આપવામાં આવે. આ કેસમાં બાવળિયા પણ આરોપી હતા. જો કે, સીઆઈડી તપાસનો આદેશ અપાયા બાદ 4 ઓગસ્ટ 2007ના રોજ ભરબજારે લોહિયાની હત્યા કરાઈ હતી. લોહિયાએ તેના મરણોન્મુખ નિવેદનમાં બાવળિયાએ પોતાની હત્યા કરાવી હોય તેવી શંકા વ્યક્ત કરી હતી.જો કે આ કેસમાં પુરાવાના અભાવે બાવળિયા નિર્દોષ છુટ્યા હતા.

બાવળિયા કહે છે, હું દિલ્હી છું... બહુ બિઝી છું: આ અંગે દિવ્ય ભાસ્કરે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરીને આ કેસ વિશે પૃચ્છા કરતા તેમણે પહેલાં તો કહ્યું હતું કે, આ કેસમાં તેમના જામીન થઈ ગયા છે અને તેમને વધારે કાંઈ કહેવાનું રહેતું નથી. જો કે, પોતે ગુનેગાર છે કે કેમ તેવો સવાલ પૂછતા તેમણે કહ્યું હતું કે, હાલ તો હું દિલ્હી છું અને બહુ બિઝી છું એટલે મારે આ મામલે કશું વધુ કહેવું નથી.

બાવળિયાના વકીલ અને દીકરીના ટ્રસ્ટ અંગેના નિવેદનમાં વિરોધાભાસ: બાવળિયાનો કેસ લડી રહેલા વકીલ યાકુબ દલાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ કેસ જ ખોટો છે અને તેમાં બાવળિયાને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા હતા. તેઓ સંપૂર્ણ નિર્દોષ છે. હાલ પણ કુંવરજી બાવળિયા આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી નથી. જો કે, આ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી શિક્ષણ સંસ્થામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતી તેમની ભાવનાબેને ઓન રેકોર્ડ જણાવ્યું હતું કે, "ટ્રસ્ટમાં પપ્પા (કુંવરજી બાવળિયા) અને મમ્મી બન્નેના નામ છે જ."

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી