તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12મીએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સૌરાષ્ટ્રમાંથી નરી આંખે દેખાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાદળો નહીં હોય તો આઇએસએસ છ મિનિટ માટે નરી આંખે વાયવ્ય દિશામાં નિહાળી શકાશે

રાજકોટ:અવકાશમાં તરતો મૂકવામાં આવેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નરી આંખે નિહાળવાનો રોમાંચ અલગ જ હોય છે. આઇએસએસને નરી આંખે હવે 12મી એપ્રિલે નિહાળી શકાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તે 6.08 મિનિટ જેટલા સમય માટે પસાર થતો નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. 12મીએ સાંજે આકાશમાં વાદળા નહીં હોયતો આઇએસએસને નિહાળવામાં સરળતા રહેશે. 

પૃથ્વીનું એક ચક્કર કાપતા 92.68 મિનિટ જેટલો સમય લાગે છે
ફૂટબોલના મેદાન જેવડું કદ ધરાવતું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. જેને પૃથ્વીનું એક ચક્કર કાપતા 92.68 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ  કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. જે મુજબ રોજ તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી.  તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાંથી 12મીને શુક્રવારે સાંજે 7:29:19 વાગ્યે નોર્થ વેસ્ટ (વાયવ્ય દિશામા પરંતુ ઉત્તર તરફ થોડી ઢળતી) દિશામાં 338 ડિગ્રીએ તેનો ઉદય થશે અને ઇસ્ટ વેસ્ટ ઇસ્ટ (અગ્નિ દિશા)માં 117 ડિગ્રીએ 7:35:27 વાગ્યે તેનો મોક્ષ થશે. 

આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના
જાણીતા ખગોળ જીજ્ઞાસુ અને હેમ ઓપરેટર રાજેશ વાગડિયાના જણાવ્યા મુજબ તેની બ્રાઇટનેસ પણ -3.0 જેટલી રહેશે. જોકે આ સમયે આકાશમાં આછા વાદળો રહેવાની  સંભાવના છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 400થી 425 કિમી ઊંચાઇએ પરિભ્રમણ કરતો આઇએસએસ તા.12મીએ આપણાથી વધુમાં વધુ 2314 કિમી અને ઓછામાં ઓછા 653 કિમીના અંતરેથી પસાર થશે. હાલ તેના પર છ અવકાશયાત્રીઓ છે.