તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 5 શખ્સોએ બે યુવાનો પર છરીથી હુમલો કર્યો, એકનું મોત, એક ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જસદણના કુલદીપ ખવડ નામના યુવાનની હત્યા કરાઇ  

રાજકોટ: જસદણના અભિનવ ખાચરને પાંચ વર્ષ પહેલાના વિપુલ મર્ડર કેસમાં બુધવારે કોર્ટમાં તારીખ હોય મિત્ર કુલદીપ ખવડને લઇ રાજકોટ આવ્યો હતો. કોર્ટમાં કામ પત્યા બાદ રાત્રે બીજા મિત્રો સાથે જમ્યા બાદ બધા ઇન્દિરા સર્કલના પુલ નીચે ગોલા ખાવા ગયા અને સામું જોઇ ગાળો બોલવા મામલે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હિરેન ખેરડિયા, પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી એવા વિજય ડાંગર અને તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણ સહિત સાત લોકોએ છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હુમલો કર્યો હતો. જેમાં કુલદીપનું મોત નીપજ્યું હતું અને અભિનવને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. કાયદાના રક્ષક જ ખૂની બનતા બે પોલીસમેન સહિત સાત આરોપીની શોધખોળ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. 

બે પોલીસમેન સહિત સાત સામે ગુનો નોંધાયો: પોલીસે આ ઘટનામાં ગઢડાના ઇતરીયા ગામના અને હાલ રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે સરદારનગર વેસ્ટ શેરી નં. 2માં શિવશક્તિ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતાં તથા સ્વીગી નામની ફૂડ ડિલીવરી કંપનીમાં પાંચ માસથી નોકરી કરતાં દેવેન્દ્ર હરેશભાઇ ધાધલ નામના કાઠી યુવાનની ફરિયાદ પરથી અર્જુનસિંહ ચૌહાણ, હિરેન ખેરડીયા, વિજય ડાંગર અને બીજા ચાર અજાણ્યા શખ્સો સામે રાયોટીંગ, હત્યા, હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. દેવેન્દ્રએ પોલીસને જણાવ્યા મુજબ હત્યા પાછળ ગાળો બોલવા જેવું નજીવું કારણ જ જવાબદાર હોવાનું હાલ સામે આવ્યું છે. 

હત્યાનો ભોગ બનનાર કુલદીપ ખવડની સગાઇ થઇ ચૂકી હતી: બે બહેનનો એકનો એક ભાઇ કુલદીપની સગાઇ થઇ ચૂકી છે.  તેના પિતા ચાંપરાજભાઇ ખવડ સાથે ખેતીવાડી સંભાળતો હતો. તેના મોટા બહેનનું નામ ગાયત્રીબેન અને નાના બહેનનું નામ જયશ્રીબેન છે. તેની સગાઇ બે-અઢી વર્ષ પહેલા બોટાદના તરઘડા ગામે રહેતાં મામાની દિકરી સાથે થઇ હતી અને આગામી સમયમાં લગ્ન થવાના હતાં. કુલદીપ ઘરેથી મિત્ર અભિનવ સાથે રાજકોટ જઇ રહ્યાનું અને ગુરૂવારે આવી જશે તેમ કહીને નીકળ્યો હતો. 

અભિનવ સામે હત્યાનો ગુનો: અભિનવ શિવકુભાઇ ખાચર સામે પાંચ વર્ષ પહેલા હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં જસદણમાં વિપુલ હીરપરાની હત્યા થઇ હતી. આ ગુનામાં અભિનવ જામીન પર મુક્ત છે અને હાલમાં કેસ ચાલુ છે. આ કેસની 10 એપ્રિલે રાજકોટ કોર્ટમાં મુદ્દત હોય અભિનવ બુધવારે રાત્રે મિત્ર જસદણના જ કુલદીપ ખવડને પોતાની ફોર્ચ્યુનર કારમાં સાથે લઇને રાજકોટ આવ્યો હતો અને એસ્ટ્રોન ચોકમાં સરદારનગરમાં રહેતાં મિત્ર દેવેન્દ્ર ઉર્ફે બાઉ ધાધલને ત્યાં રોકાયો હતો. ગઇકાલે બપોર બાદ કોર્ટની તારીખનું કામ પુરૂ થયા બાદ અભિનવ અને કુલદીપ રાજકોટમાં જ રોકાયા હતા.

ગોલા ખાવા ન ગયા હોત તો બનાવ ન બનત: રાત્રે બીજા મિત્રો દેવેન્દ્રને લઇને આકાશવાણી ચોક પાસે મહાદેવ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતાં. જ્યાં બીજા મિત્રો સાગર વાળા, નિકુંજ જાની, સંજય ધાધલ, મહિપાલ ખાચર પણ આવ્યા હતાં. અહીંથી બધા જમીને ઉભા થયા પછી અભિનવ અને કુલદીપ પહેલા મિત્ર દેવેન્દ્રના ફ્લેટ પર જઇ ત્યાંથી જસદણ જવા રવાના થવાના હતાં. પરંતુ એ પહેલા બધાએ સાથે મળી ઇન્દિરા સર્કલ પાસે આવેલા આઝાદના ગોલા ખાવા જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ત્યાં પહોંચ્યા હતાં અને ઓર્ડર આપવાની તૈયારી કરતાં હતાં ત્યાં સામે ઓવરબ્રીજની નીચે બેઠેલા છ-સાત શખ્સોએ સામે જોઇ ઉંચા અવાજે બૂમ બરાડા ચાલુ કરી ગાળો બોલતા હતી. આથી તેને અભિનવ સમજાવવા જતાં વાત વણસી હતી અને હત્યા તથા હત્યાના પ્રયાસની ઘટના બની હતી.