તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે અમીછાંટણા, સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Kખેતરમાં કરાની છાદર પથરાઇ - Divya Bhaskar
Kખેતરમાં કરાની છાદર પથરાઇ
  • 1000થી વધુ બોટ સમુદ્રમાં, માછીમારોને 18 તારીખ સુધી એલર્ટ રહેવા સુચના અપાઈ 

રાજકોટ:  જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે. તેમજ ખેતરોમાં કરાની સફેદ ચાદર પથરાઇ ગઇ હતી. પડધરીના ખાખડાબેલા ગામમાં તોફાની પવનને કારણે વૃક્ષ ધરાશાયી થતા મંજુબેન રંગપરા નામની વૃદ્ધા નીચે દબાતા તેનું મોત નીપજ્યું હતું. 

કગથરાનું કાર્યાલય ધ્વસ્ત: પડધરીમાં તોફાની પવન સાથે વરસાદ પડતા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનું કાર્યાલય ધ્વસ્ત થઇ ગયું હતું. કાર્યાલય પર લગાવેલા બોર્ડ અને મંડપ ધરાશાયી થયા હતા. પડધરી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા આંધી જેવો માહોલ સર્જાયો હતો. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઘઉં સહિતની ખેત પેદાશો પલળતા ખેડૂતો પર પડ્યા પર પાટુ પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. નજર સામે જ મહામહેનતે લીધેલા પાકને પલળતો જોઇ ખેડૂતો લાચાર બન્યા હતા. 

તોફાની પવનથી નુકસાન: તોફાની પવન સાથે વરસાદ આવતા પડધરીના ખાખડાબેલા ગામે મકાનની દીવાલો ધરાશાયી છે. ખાખડાબેલા ગામમાં ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. બરફના કરાથી પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત પડધરીથી મિતાણા રોડ પર વાવાઝોડુ ફૂંકાતા લીમડાનું ઝાડ ધરાશાયી થયું છે. ઝાડ પડતા પડધરી-મિતાણા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. એક કલાક સુધી વાહનની અવરજવપર બંધ રહી હતી. રાજકોટ ધીમી ધારે વરસાદથી મહિલા કોલેજ અંડરબ્રિજ પર 10થી વધુ વાહનો સ્લીપ થયા હતા. જેમાં એક મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને એક વૃદ્ધ ઘવાયા હતા. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થયું છે. તેમજ જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. રાજકોટના બેડી યાર્ડમાં શેડની વ્યવસ્થા ન હોય ઘઉં, ચણાના પાક પલળી ગયા હતા.

ઠંડક પ્રસરી: કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ઠંડા પવનોને કારણે ગરમીમાંથી રાહત મળી છે. લોકો પણ વરસાદ મોજ માણવા બહાર નીકળી ગયા હતા. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 15થી 17મી સુધી માવઠાની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

વાતાવરણમાં એકાએક પલ્ટો:ગુજરાતભરના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવા લાગ્યા છે અને ઠંડા પવનો હોવાથી ઠંડકભર્યું વાતવરણ પ્રસરી ઉઠ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ માછીમારોને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. માછીમારોને 18 એપ્રિલ સુધી એલર્ટની સુચના અપાઈ છે. 

2 દિવસ સુધી ભારે પવન ફૂંકાશે: ગુજરાતના દરિયામાં ભારે પવન ફૂંકાશે ત્યારે 2 દિવસ સુધી પોરબંદર, ગીર-સોમનાથ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નર્મદા, નવસારી, તાપી, સુરેન્દ્રનગર અને જામનગર વગેરે જિલ્લાઓમાં વધુ પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. 

માછીમારીની સીઝનનો આખરી તબક્કો: માછીમારીનો આખરી તબક્કો હાલ ચાલી રહ્યો હોય અને આ સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હોવાથી માછીમારોને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. આગામી તા. 18 એપ્રિલ સુધી માછીમારોને સાવચેત રહેવા જણાવાયું છે ત્યારે સીઝનના આખર સમયમાં માછીમારોને નુકસાની વેઠવી પડશે. 

(હસિત પોપટ, જામનગર)