તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Airport Gandhi Museum And Aiims Narendra Modi Making Ground For Loksabha Candidate In Rajkot

એરપોર્ટ, ગાંધી મ્યુઝિયમ અને હવે એઈમ્સ, વડાપ્રધાન મોદી રાજકોટથી ચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી રહ્યા છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં સ્થિતિ અને રાજકોટને મોદીએ આપેલા વિકાસકામોથી ધારણ તેજ બની - Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં સ્થિતિ અને રાજકોટને મોદીએ આપેલા વિકાસકામોથી ધારણ તેજ બની
  • ત્રણ રાજ્યોમાં પછડાટ પછી નવા રચાયેલા ચૂંટણી ગણિતમાં ગુજરાતમાં ક્લિન સ્વિપ મારવી ભાજપ માટે અનિવાર્ય
  • હાલ સૌરાષ્ટ્રની પાંચ બેઠકોમાં ભાજપ માટે મુશ્કેલી, અમરેલી જિલ્લામાં તો તમામ વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે
  • બનારસ ઉપરાંત સેફ સીટ તરીકે આ વખતે વડોદરાને બદલે રાજકોટને પસંદ કરીને સૌરાષ્ટ્રનો ગઢ જીતવાનો વ્યુહ
રાજકોટ: હાલમાં જ રાજકોટને એઈમ્સ આપવાની જાહેરાત થઈ. એ પૂર્વે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શીલાન્યાસ થયો. આમ એક પછી એક મળી રહેલી તગડી ભેટ જોતાં હવે એવી ધારણા મૂકાઈ રહી છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સેફ સીટ તરીકે ફરીથી રાજકોટ પર પસંદગી ઉતારે. પોતાની દીર્ઘ રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડનાર મોદી 2019ના 'ડૂ ઓર ડાઈ' મનાતા જંગમાં પણ રાજકોટથી જ શુકન મેળવે એવી શક્યતાને બળ આપનારા કેટલાંક પરિબળો પણ છે.

1) સૌરાષ્ટ્રનું ગણિત ગણી શકે છે

કેન્દ્રિય યોજનાઓનો ગુજરાતને લાભ આપવામાં મોદીએ રાજકોટ પ્રત્યે વધુ ઉદારતા દાખવી છે. અગાઉ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગાંધી મ્યુઝિયમ આપ્યા પછી હવે એઈમ્સની જાહેરાત પણ થઈ ચૂકી છે. રાજકોટને રિઝવવાના આટલા પ્રયાસો પાછળનો હેતુ પણ વિશિષ્ટ હોવો જોઈએ. 

હિન્દી હાર્ટલેન્ડના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાર્યા પછી ભાજપના નેતૃત્વને હવે નવેસરથી ચૂંટણી ગણિત માંડવું પડે એવી સ્થિતિ છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ છે. એ સંજોગોમાં ગુજરાતની 26 બેઠકો પર પુનઃ કબજો મેળવવો અનિવાર્ય છે. પરંતુ ગુજરાતમાં ય આ વખતે સ્થિતિ આસાન નથી.   

હાલમાં રાજકોટ અને જામનગર સિવાય સૌરાષ્ટ્રની અમરેલી, સુ.નગર, ભાવનગર, જુનાગઢ અને પોરબંદર બેઠકો પર ભાજપ માટે મુશ્કેલ સ્થિતિ ગણાય છે.

અમરેલી જિલ્લાની વિધાનસભાની તમામ પાંચ બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જુનાગઢ જિલ્લાની ત્રણ બેઠકો કોંગ્રેસે મેળવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં પણ કોંગ્રેસે કાઠું કાઢ્યું છે.

ભાવનગરમાં કોળી સમાજના નેતા પરશોતમ સોલંકી અને હિરાલાલ સોલંકીની નારાજગી હાલ ભલે બોલકી નથી, પરંતુ ચૂંટણી નજીક આવશે તેમ સોલંકી બ્રધર્સ પણ પોતાની લગાન વસૂલવા આક્રમક બનશે. કુંવરજી બાવળિયાને અપાઈ રહેલા મહત્વ સામે પાણી બતાવી દેવા હિરાલાલ સોલંકી કોંગ્રેસમાં જોડાઈને ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવે એવી શક્યતા પણ હાલ જોવાઈ રહી છે. જો એમ બને તો ભાવનગર બેઠક પણ ભાજપ માટે મુશ્કેલ બની શકે.

પોરબંદર બેઠક પર દબદબો ધરાવતા વિઠ્ઠલ રાદડિયા લાંબા સમયથી પથારીવશ છે. આ બેઠક ભાજપ કરતાં ય સવિશેષપણે રાદડિયાનો ગઢ છે. રાદડિયા જો ચૂંટણી લડવાના ન હોય તો પોરબંદરમાં પણ ભાજપ સામે મજબૂત પડકાર ઊભો થઈ શકે છે.   

સૌરાષ્ટ્રમાં લગભગ દરેક બેઠક પર કસોકસની લડાઈ હોય ત્યારે મોદી સ્વયં રાજકોટથી ઉમેદવારી નોંધાવે તેની બહુ મોટી અસર પડી શકે છે. મોદીની હાજરીના કારણે કાર્યકર્તાઓનો જુસ્સો વધે, પ્રચાર અભિયાન વધુ આક્રમક બને, વિપક્ષ મોળો પડી જાય અને જે જુવાળ ઊભો થાય એ આસપાસની બેઠકો પર પણ વાતાવરણ સર્જવામાં કારણભૂત બને.

રાજકોટ દાયકાઓથી ભાજપનો ગઢ છે. સમગ્ર સૌરાષ્ટ્રનો મિજાજ ઘડવામાં રાજકોટ નિર્ણાયક બને છે. મોદી પ્રથમ ચૂંટણી પણ અહીંથી લડી ચૂક્યા છે. એટલે શુકનવંતા રાજકોટ પાસેથી મોદી ફરી એકવાર કટોકટીના સમયે સમર્થન માગે એ શક્યતા નકારી શકાય નહિ.   

હાલ ભાજપના સંગઠન સ્તરે પણ આ શક્યતાની ચકાસણી ચાલી રહી છે. સ્વયં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મોદીની હાજરીથી પડી શકતાં ફરક વિશે ફિડબેક મેળવી રહ્યા હોવાનું ઉચ્ચ સ્તરે ચર્ચાય છે.   

બનારસથી ઉમેદવારી કરીને મોદીએ 2014માં સમગ્ર પૂર્વ ઉત્તરપ્રદેશ પર પ્રભાવ પાથર્યો હતો અને સેફ સીટ તરીકે વડોદરાની પસંદગી કરી હતી. આ વખતે બનારસ પછી સેફ સીટનું બહુમાન રાજકોટને મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...