કજીયા કરે ત્યારે આપવાની દવા ભેગી કોઇએ મોનોકોટો ભેળવી દેતા 19 દિવસની બાળકીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકીનો મૃતદેહ - Divya Bhaskar
બાળકીનો મૃતદેહ
  • બાળકીની દવામાં ઝેરી દવા કોણે ભેળવી? તે અંગે રહસ્ય
  • ભેદ ઉકેલવા ગોંડલ પોલીસની મથામણ, મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ  

રાજકોટ: ગોંડલમાં એક વિચીત્ર અને રહસ્યમય ઘટનામાં લેઉવા પટેલ પરિવારમાં 19 દિવસ પહેલા જ જન્મેલી બાળાનું મોત નીપજ્યું હતું. નવજાત બાળકી કજીયા કરે ત્યારે તેને આપવા માટેની દવા તબીબે લખી આપી હતી. જેમાં બાળકીના દાદીએ ઝેરી દવા ભેળવી દીધી હતી. જે દવામાંથી માતાએ બે ટીપા દવા પીવડાવી હતી. એ પછી પિતા ઘરે આવ્યા ત્યારે પણ બાળકી રડતી હતી જેથી તેને પણ બે ટીપા દવા  આપ્યા હતાં. પરંતુ દીકરી શાંત થવાને બદલે વધુ રડવા માંડતા પિતાએ તેને તેડતાં મોઢામાંથી મોનોકોટો દવાની વાસ આવતાં તાત્કાલિક ગોંડલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં ખસેડી હતી. પરંતુ અહીં તેનું મોત નિપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે બાળકીના દાદીની ધરપકડ કરી છે. 

પોલીસની પૂછપરછમાં દાદીએ કબૂલાત આપી:મહત્વનું છે કે પોલીસે આ બનાવમાં પ્રથમથી જ શંકાના પરીઘમાં રહેલા દાદી શાંતાબેન રણછોડભાઇ રૈયાણી (ઉ.વ.60)ની કડક પુછપરછ કરતા તે ભાંગી પડયા હતા અને પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે તેના પુત્રને ત્યાં સંતાનમાં એક પુત્રી હતી અને બીજી પુત્રીનો જન્મ થતા તેનેઆ પુત્રી જોઇતી ન હતી. જેથી તેને ૧૯ દિવસની કિંજલને કજીયાની દવાની શીશીમાં  ઝેરી દવા મીકસ કરી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રને ત્યાં એક પુત્રી હોય અને બીજી પુત્રીનો જન્મ થતા તેનું શું થાશે? તે ચિંતામાં પૌત્રીને પતાવી દીધાની કેફીયત આપી હતી.

પિતા કેતનભાઇના લગ્ન મહારાષ્ટ્રની સંગીતા સાથે થયા છે: રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે મૃતક બાળકી કિંજલ (ઉ.19 દિવસ)ના પિતા કેતનભાઇ રણછોડભાઇ રૈયાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે તેના લગ્ન મૂળ મહારાષ્ટ્રની સંગીતા સાથે સાડા ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ત્રણ વર્ષની દિકરી ત્રિશા હતી. 19 દિવસ પહેલા પત્ની સંગીતાએ બીજી દિકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ કિંજલ પાડ્યું હતું. કિંજલ કજીયા કરે તો તેને આપવા માટેની દવા ડોક્ટરે લખી આપી હોય તે ઘરમાં રાખી હતી. કેતન રૈયાણીએ વધુમાં જણાવ્યું હતું કે પોતે હીરા ઘસવાનું કામ કરે છે. દીકરીને આપવાની કજીયાની દવામાં ઝેરી દવા કોણે ભેળવી તે અંગે પોતે અજાણ છે.