102 વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ, રાજકોટમાં સિઝનનો 59 ઈંચ વરસાદ ખાબક્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાચલી ગામના રસ્તાઓ પર નદી વહેતી થઈ ગઈ, વીજળી પડતાં એક ભેંસનું મોત
  • ખાંભામાં વહેલી સવારથી જ ધોધમાર, સિંહોરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ
  • ઇ.સ. 1917થી અત્યાર સુધીના મહાનગરપાલિકામાં નોંધાયેલા વરસાદ પરથી થયું સ્પષ્ટ

રાજકોટ: હાલ સમગ્ર રાજ્યમાં અવિરત મેઘ સવારી જોવા મળી રહી છે. ફાયર વિભાગ મુજબ, રાજકોટ શહેરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા સિઝનનો 59 ઈંચ વરસાદ થતા 102 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. છેલ્લે 1979ના વર્ષમાં 53 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આગામી ત્રણ દિવસમાં આંકડો 60 ઇંચે પહોંચશે
રાજકોટમાં શુક્રવારે સવારે 11 કલાકથી વરસાદ શરૂ થયો હતો. થોડી જ વારમાં વરસાદની તીવ્રતા ઘટી હતી અને પછી સાંજ સુધી ઝરમર વરસ્યો હતો. સરકારી ચોપડે તો માત્ર 18 મીમી વરસાદ જ નોંધાયો છે પણ આખો દિવસ ઝાપટા પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઘણા આયોજકોએ શુક્રવારે રાત્રે વન ડે નવરાત્રીના આયોજન કર્યા હતા પણ વરસાદને કારણે ઘણા આયોજનો રદ થયા હતા.  રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ અનુસાર સિઝનનો કુલ વરસાદ 1468 થયો છે અને તેમાં હજુ શુક્રવારની રાત્રીએ પડેલો વરસાદ ઉમેરવાનો બાકી હોવાથી સિઝનનો કુલ વરસાદ 59 ઈંચ કરતા વધી ગયો છે. વરસાદનો રાજકોટનો ઈતિહાસ મુજબ 1917થી વરસાદની નોંધ શરૂ થઇ છે અને ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ 40થી 52 ઈંચની વચ્ચે જ રહ્યો છે જ્યારે આ વર્ષે પ્રથમ વખત 59 ઈંચની સપાટીએ પહોંચી નવો વિક્રમ બનાવ્યો છે. હજુ ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે જેનાથી આંક 60 ઈંચ કરતા પણ વધી જશે. 

1917થી 2018 સુધીમાં 40 ઈંચ કરતા વધુ વરસાદ

વર્ષ વરસાદ (ઈંચ)
1945 40
1953 43
1959 43
1979 52
1988 40
1995 40
2005 40
2006 42
2007 52
2010 54
2013 51
2017 52
2019 59

ભાસ્કર પ્રયોગઃ રાજકોટના લોકોએ આપ્યું મેઘરાજાને રેકોર્ડનું સર્ટિફિકેટ
શ્રી મેઘરાજા, રાજકોટમાં 2019ના વર્ષમાં કુલ વરસાદ 59 ઈંચ પડ્યો છે. 1917થી 2019 સુધી આ સૌથી વધુ વરસાદ છે. મેઘરાજાની આ સિધ્ધિને કારણે રાજકોટવાસીઓ હરખાયા છે અને પાણીની સમસ્યા એક ઝાટકે દૂર કરવા બદલ મેઘરાજાનો સમગ્ર રાજકોટવાસીઓ આભાર વ્યક્ત કરે છે. આ સાથે 2019ના વર્ષમાં 59 ઈંચ વરસાદનો નવો કિર્તિમાન સ્થાપવા બદલ હર્ષની લાગણી સાથે મેઘરાજાને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. - રાજકોટ બુક ઓફ રેકોર્ડસ વતી, રાજકોટની સમગ્ર જનતા

સુત્રાપાડાના પ્રાચલીમાં 3 કલાકમાં 9 ઇંચ
સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પ્રાચલીનાં રસ્તાઓ પર વરસાદનાં પગલે નદી વહેતી થઈ હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતું. 

ખાંભામાં વહેલી સવારથી વરસાદ
ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. વરસાદને કારણ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોચતા ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ઉના પંથકમાં રાત્રિના વરસાદ બાદ વહેલી સવારથઈ જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.  ખાંભા પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

નદીમાં તણાયેલી ગાયો અને ભેંસોને બહાર કઢાઇ
ડેડાણ નજીક આવેલ ખાંભાનો રાયડી ડેમ બીજી વખત ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. અગાઉ ત્રણ દરવાજા ખોલ્યા હતા ત્યારે આજે બે દરવાજા એક એક ફૂટ ખોલ્યા હતા. જ્યારે ગીર જંગલમાં પડેલા મુશળધાર વરસાદના પગલે સ્થાનિક નદીઓ, નાળા, કોઝવે છલકાયા હતા. જ્યારે ખાંભાના લાસા ગામની સ્થાનિક નદીમાં આવેલ વરસાદી પૂરમાં ભેંસોનું એક ટોળુ ફસાયું હતું. ત્યારે તે ભેંસોના ગોવાળે કેડસમાં પાણીમાંથી મહમેહનતે ભેંસો અને ગાયોને બહાર કાઢી હતી. ત્યારે રાયડી ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને મોટા બારમણની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

સિહોરમાં ગાજવીજ સાથે વરસાદ 
સિહોરમાં પણ વહેલી સવારે 4 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી થઇ ગયું છે. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મવાળા ગીરના સિંગોડા ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ કોડીનાર બ્રિજ પર પાણી ફરી વળ્યું છે. આથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો. 

ગોંડલ પંથકમાં પણ ભારે વરસાદ
તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસામાં વારંવાર સંપર્ક વિહોણું બને છે. જીવના જોખમે ગામના લોકો પુલ ઓળંગી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જામકંડોરણા પંથકમાં અસહ્ય ગરમી બાદ બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

ભાદર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણી આવક ચાલુ છે. ડેમના 6 દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમની નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની નીચેના 17 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.નદીના પટમાં નહીં જવા તંત્રએ સુચના આપી છે.

વેલકમ નવરાત્રીના આયોજનો રદ
રાજકોટમાં વરસાદને કારણે વેલકમ નવરાત્રીમાં ખલેલ પહોંચી છે. આજે સનરાઇઝ વેલકમ નવરાત્રીનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે દશેરા બાદ આયોજીત કરવામાં આવશે.
 

(જયેશ ગોંધિયા, હિરેન્દ્રસિંહ રાઠોડ, દેવાંગ ભોજાણી)

અન્ય સમાચારો પણ છે...