50 વિદ્યાર્થીએ સ્વખર્ચે કરી સરકારી શાળાની કાયાપલટ, સુવિધા બાદ 100 વિદ્યાર્થી વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાયાપલટ થયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઇ ગયો

રાજકોટ: રાજકોટની ઈન્ટરેક્ટ ક્લબ ઓફ રાજકુમાર એ 50થી વધારે વિદ્યાર્થીની બનેલી ક્લબ છે. જે અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરે છે. છેલ્લા એક વરસથી આ વિદ્યાર્થીઓએ વાંકાનેર તાલુકાની સૂર્યા રામપરા ગામની ખખાણા પ્રાથમિક શળાને દત્તક લીધી છે, જ્યારે દત્તક લીધી તે પહેલાં આ શાળા ખંડેર જેવી હાલતમાં હતી. તેમજ શાળા સુધી જવા માટે રોડ રસ્તા કે બાથરૂમની કોઇ સુવિધા પૂરી નહોતી. જેને કારણે વિદ્યાર્થીઓ ભણવા પણ નહોતા આવતા, શાળાને દત્તક લીધા બાદ આખી શાળાની કાયાપલટ થઇ ગઇ. 50 વિદ્યાર્થીએ જાત મહેનત અને સ્વખર્ચે 2 કિલોમીટર સુધી રસ્તો બનાવ્યો, વોશરૂમની સુવિધા ઊભી કરી, વોટર પ્યૂરીફાયર સિસ્ટમ તથા બાળકો માટે કિટનું અનુદાન કરેલું છે. આ બધી સુવિધા ઊભી કર્યા બાદ શાળામાં 100 વિદ્યાર્થીની સંખ્યા વધી  છે. આ કાર્યમાં 10 થી 15 દિવસનો સમય લાગ્યો હતો. 

હજુ આ સુવિધા ઊભી કરાશે 

પ્રમુખ સાહિલ દર્શન લાખાણીએ જણાવ્યું હતું કે, શાળાને દત્તક લીધા બાદ શાળાની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શું તકલીફ પડે છે તેના વિશે જાણ્યું હતું અને વિવિધ સમસ્યાનો ઉકેલ શોધ્યો હતો. ભવિષ્યમાં પ્રાથમિક શાળાને બેંચ આપવી, વિદ્યાર્થીઓને  સ્કૂલબેગ આપવા, સ્વાસ્થ્ય સારું રહે તે માટે નિયમિત આઇ ચેકઅપ કેમ્પ કરવો, વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને ઉપયોગી થાય તેવા પ્રકારના કાર્યો કરવામાં આવશે.