તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 કરોડના દાનનો સંકલ્પ, બે વર્ષમાં 1 કરોડનું દાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગદીશ ત્રિવેદી - ફાઇલ તસવીર - Divya Bhaskar
જગદીશ ત્રિવેદી - ફાઇલ તસવીર
  • હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સંકલ્પ પૂરો કરવા સંપત્તિ વેચવાની પણ તૈયારી બતાવી

રાજકોટઃ એક જાણીતો દોહો છે કે ‘તુલસી પંછી કે પીએ ઘટેના સરિતા નીર,દાન કીએ ધન ના ઘટે જો સહાય કરે રઘુબીર’. આ જ પંક્તિને સાર્થક કરતા એક કિસ્સામાં જાણીતા લેખક અને હાસ્ય કલાકારે મરતા પહેલા સમાજને 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો અને તેના ભાગ રૂપે છેલ્લા બે વર્ષમાં કલાકારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાના માતા-પિતા જ્યાં શિક્ષક હતા તે થાનગઢની બે શાળાઓનું  22 લાખના ખર્ચે વિસ્તરણ અને સાયલામાં રૂા.30 લાખના ખર્ચે યજ્ઞનગરની શાળાનું નવનિર્માણ સહિત એક કરોડનું દાન કર્યું છે. સાયલાની આ શાળાનું કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં 12મી ઓક્ટોબરે જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝાના હસ્તે લોકાર્પણ થશે.

કંઇક નક્કર કરવાની ઇચ્છા હતી
સમાજને નવી રાહ ચીંધનારો આ સંકલ્પ કરનારા કલાકાર જગદીશ ત્રિવેદીના શબ્દોમાં જ આ સંકલ્પને જાણીએ તો તેમનું કહેવું છે કે, ‘12 ઓક્ટોબર 2012માં હું અમેરિકા હતો ત્યારે મારા જન્મદિવસે ત્યાં સાવ એકલો હતો. ત્યારે મને મારી જાત સાથે સંવાદ કરવાની તક મળી. મને લાગ્યું કે હું વર્ષો વર્ષ કાર્યક્રમો આપી કમાણી કરતો રહીશ ત્યારે મારી સંપત્તિમાં વધુ બે ત્રણ મીંડા ઉમેરાશે. કાર્યક્રમોની સંખ્યા વધશે. તેનાથી વિશેષ શું? મરતા સમયે કઇ સાથે નહીં આવે. હવે એવું કંઇક નક્કર કામ કરવું છે કે જેનાથી પરભવનું ભાથું બંધાય.’

આજીવન 100% આવકના દાન સંકલ્પના પ્રેરક પરિબળો
જગદિશભાઈના કહેવા મુજબ 100 ટકા આવકનું દાન કરવાની પ્રેરણા માટેના પાંચ મુખ્ય પરિબળોમાં સુરેન્દ્રનગરની સ્વામિનારાયણ વિદ્યાર્થી ગુરુકુળના સ્વામી નારાયણસેવાદાસજીએ સમજાવેલા વિદુરનીતિના સૂત્રોનો અગત્યનો હિસ્સો છે.આ ઉપરાંત મારા નાના(માતાના પિતા)ના લઘુબંધુ કે જેમણે સંન્યાસ ધારણ કરેલો તેવા પ્રકાશભારથી બાપુ કે જેના કારણે મારું કુળ સંન્યાસી કુળ હોવાનું મને ગૌરવ છે. ત્રીજુ મારા માતા પિતા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ વીઆરએસ લઇને અપનાવેલો ભક્તિ માર્ગ. ચોથું સુરેન્દ્રનગરમાં એક સમયે ધીક્તી પ્રેક્ટિસ ધરાવતા અને હાલ દર્દીઓને સદંતર નિ:શુલ્ક નિદાન સેવા કરતું ડો. શાહ દંપતી. છેલ્લું મહત્ત્વનું પરિબળ મોરારિ બાપુની શીખ છે. તેમણે 2005માં દૂધરેજની કથામાં દાનનો મહિમા સમજાવતા આવકનો દસ ટકા હિસ્સો દાનમાં આપવા અપીલ કરી હતી. ત્યારથી દર મહિને આવકનો દસ ટકા હિસ્સો સેવા કાર્યમાં વાપરતો થયો. 2017માં થયું કે હવે એક દશાંશ દાનમાં એક મીંડું ઉમેરવાનો સમય આવી ગયો છે. એટલે મરું ત્યાં સુધીમાં 11 કરોડના દાનનો સંકલ્પ કરીને સો ટકા આવક દાનમાં આપું છુ઼ં. જેની શરૂઆત રૂપે બે વર્ષમાં 1 કરોડનું દાન કર્યુ છે. 11 કરોડના દાનનો સંકલ્પ જરૂર પડ્યે મારી મિલકત વેચીને પણ પૂરો કરીશ.

અન્ય સમાચારો પણ છે...