પોરબંદર / સસ્તા અનાજની દુકાનમાં વેચવાની મંજૂરી ન મળતા ગોડાઉનમાં 25 ટન ચણાદાળ સડી ગઇ

ચણાદાળની ફાઇલ તસવીર
ચણાદાળની ફાઇલ તસવીર

  • દુકાનદારો પાસેથી રાશનમાં વિતરણ કરવાની દાળનો જથ્થો પાછો મોકલવો પડ્યો
  • દાળનો જથ્થો સડી જતા ગરીબ પરિવારો લાભથી વંચિત રહ્યા

Divyabhaskar.com

Jul 12, 2019, 10:40 AM IST

પોરબંદર: પોરબંદરમાં દેગામ આર.ટી.ઓ. કચેરી નજીક આવેલ સરકારી ગોડાઉન ખાતે 25 ટન ચણાદાળનો જથ્થો ખાવાલાયક ન રહ્યો હોવાને કારણે આ જથ્થાને પાછો મોકલી દેવામાં આવ્યો હોવાથી ગરીબ પરિવારો લાભથી વંચીત રહ્યા છે. પોરબંદર તાલુકામાં 135 જેટલા સસ્તા અનાજના દુકાનદારો હોય અને સસ્તા અનાજની દુકાનોએથી અનેક ગરીબ પરિવારોને રાહતદરે ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ સહિતનું રાશન આપવામાં આવતું હોય છે. સરકાર દ્વારા ગરીબ પરિવારોને લાભ મળી રહે તે માટે લાખો રૂપીયાના ખર્ચે ખાદ્યસામગ્રીનો જથ્થો ફાળવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં દેગામ નજીક આર.ટી.ઓ. કચેરીની બાજુમાં આવેલ સરકારી ગોડાઉન ખાતે એપ્રિલ માસમાં 25 ટન ચણાંદાળનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ જવાબદાર તંત્રએ સસ્તા અનાજના દુકાનદારોને આ ચણાંદાળનું વિતરણ કરવા માટે મંજૂરી આપી ન હતી. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ ચણાદાળનો જથ્થો સડી ગયો હતો.

તંત્ર ચણાંની દાળ પાછી મોકલવા માટે મજબુર બન્યું

આ ચણાદાળ બગડી જતા પ્રજાના લાખો રૂપીયા ઉપર પાણી ફરી વળ્યું હતું અને આ દાળનો જથ્થો 2 દિવસ પહેલા પરત મોકલાવી દેવામાં આવ્યો હતો. ચણાદાળના જથ્થાનું સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ માટે મંજૂરી આપવામાં વિલંબ કરાયો હોવાથી દાળ સડી ગઈ હોવાથી ગરીબ પરિવારો લાભથી વંચીત રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ગરીબોના મોઢે આવેલ છીનવાઈ ગયો હતો. તાજેતરમાં રાણાવાવમાં અખાદ્ય તુવેરદાળ સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ કરવા માટે પધરાવી દેવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. તેમજ આંગણવાડીના કુપોષિત બાળકોને અખાદ્ય સૂકો મેવો ધાબડી દેવાતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતા તંત્ર સફાળું જાગ્યું અને સડી ગયેલ ચણાંની દાળ પાછી મોકલવા માટે મજબુર બની ગયું હતું.

તાલુકા માટે કેટલો જથ્થો ફાળવાય છે?

મધ્યાહન ભોજન, આંગણવાડી અને ગરીબ પરિવારોના લાભાર્થે સસ્તા અનાજના દુકાનદારોને વેચાણ કરવા માટે દર મહિને ઘઉંનો 1000 ટન જથ્થો, ચોખા 600 ટન, ખાંડ 47 ટન, મીઠું 22 ટન તેમજ 200 તેલના ડબ્બા અને 1038 જેટલા કપાસીયા તેલના કાર્ટન, 28 ટન તુવેરદાળ વગેરે જથ્થો ફાળવવામાં આવે છે.

શું કહે છે ગોડાઉન મેનેજર?

એપ્રિલ મહીનામાં ચણાદાળના જથ્થાની ફાળવણી કરવામાં આવી હતી. સસ્તા અનાજના દુકાનદારોને વિતરણ કરવા માટેની પરમીશન આપવામાં વિલંબ થતા ચણાંદાળનો જથ્થો ખાવાલાયક રહ્યો ન હતો. સેમ્પલ ફેઈલ થતા આ જથ્થાને પરત મોકલાવી આપ્યો છે. -નિરવ પંડ્યા, ગોડાઉન મેનેજર

X
ચણાદાળની ફાઇલ તસવીરચણાદાળની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી