ગ્રાઉન્ડ રિપોર્ટ / ‘વાયુ’ની અસર: દીવ- ઉનામાં તોફાની પવન સાથે ધોધમાર, પોરબંદરમાં ધીમી ધારે વરસાદ, વિદ્યાનગરમાં મકાન ધ્વસ્ત

ઉનામાં ધીમી ધારે વરસાદ શરૂ

  • પોરબંદર, વેરાવળ અને દીવના દરિયો ગાંડોતૂર બન્યો,સ ઉંચા મોજા ઉછળ્યા
  • ઉનાના સૈયદરાજપરાનો દરિયો ગાંડોતૂર બનતા એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી

Divyabhaskar.com

Jun 12, 2019, 04:30 PM IST

દીવ: વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. પોરબંદર અને રાણાવાવમાં વાવાઝોડાની અસરને લઇને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનને કારણે જામનગરમા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. એસટી બસસ્ટેન્ડ સામે એક વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે મોરબીમાં ધૂળની ડમરી ઉડી હતી. વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે.

ઉના વિદ્યાનગરમાં વરસાદ પડતા મકાન ધ્વસ્ત થયું
ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૂઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ગોંડલમાં ભારે પવનના કારણે દિવાલ ધરાશાય થઈ
ગોંડલના ગુંદાળા દરવાજા પાસે આવેલી વિજય રાજ સુપર માર્કેટની બીજા માળની પારાપેટ ભારે પવનના કારણે ધરાશાયી થતાં 6થી 7 મોટરસાયકલને નુકસાન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. આ સાથે જ શહેરમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે બસ સ્ટેન્ડ રોડ પરની દિવાલ ધરાશાય થઈ હતી.

દીવનો દરિયામાં કરંટ જોવા મળ્યો
વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 300 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઉચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે. ઉનાના નવા બંદર દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તેમજ દરિયાઇ પટ્ટી પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ
દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઇકાલથી કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.

જાફરાબાદમાં ધીમી ધારે વરસાદ શરૂ
અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યાં હતા અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી