ગ્રાઉન્ડ રિપોર્ટ / વાયુ વાવાઝોડાને લઇ પોલીસ અને NDRFની ટીમ દ્વારા ઉના-જાફરાબાદના ગામોમાંથી લોકોનું સ્થળાંતર

પોલીસ દ્વારા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર
પોલીસ દ્વારા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર

  • 150ની સ્પીડે પવન આવશે તો માનવીય જાનહાની નહીં થાય: NDRF કપ્તાન
  • ઉનાના મામલતદાર દરિયાકાંઠાના ગામોમાં પહોંચ્યા, સાસંદ ધડુક પોરબંદર જવા રવાના

Divyabhaskar.com

Jun 12, 2019, 03:27 PM IST

અમરેલી/ઉના: વાયુ વાવાઝોડાને લઇને તંત્ર સજ્જ થયું છે. ઉનામાં એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે સાથોસાથે સ્થાનિક પ્રાશાસન પણ કામે લાગ્યું છે. પોલીસ અને એનડીઆરએફની ટીમે ઉનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી આરંભી દીધી છે. તેમજ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડ્યા છે. ઉનામાં એનડીઆરએફની ટીમ દરિયા વિસ્તારના ગામોમાં જઇ લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે. દિવના નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

શું કહે છે એનડીઆરએફની ટીમના કપ્તાન

એનડીઆરએફ ટીમના કપ્તાન મહેન્દ્ર ઠાકરેએ જણાવ્યું હતું કે, એક ટીમમાં આમ તો 30 જવાન છે. હાલ વેરાવળમાં 1 ટીમ છે બીજી ઉના ગીર વિસ્તારમાં કોઈ પણ પરિસ્થિતિમાં એનડીઆરએફની ટીમ સજ્જ છે. 150ની સ્પીડે પવન આવશે તો માનવીય જાનહાની નહીં થાય. વીજપોલ, ઝાડ, ઝુંપડાઓને અસર થશે. હાલ મધરાતથી ટીમ 2 વગ્યાથી સ્ટેન્ડ ટુ રહેશે. અલગ અલગ વિસ્તારમાં ટીમ પૂરી તૈયારી સાથે સજ્જ રહેશે.

વેરાવળના 630 લોકોનું સ્થળાંતર કરાવાયું: મામલતદાર

ઉનાના મામલતદાર દેવકુમાર આંબલીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ હું દરિયાકાંઠાના ગામડાઓમાં ફરી રહ્યો છું. જેમાં કાચા મકાન અને ઝુપડપટ્ટીમાં રહેતા હોય તેવા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું છે. મારા અન્ડરમાં વેરાવળના 17 ગામો છે. જેમાં અત્યાર સુધીમાં 11 ગામના 630 લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડી દીધા છે. મધ્યાહન ભોજનના સંચાલકો આ લોકોને ફૂડ પેકેટ આપશે તેમજ 10 હજાર ફૂડ પેકેટ સામાજીક સંસ્થામાંથી આવશે જે બપોરે અમે લોકોને આપીશું અને સાંજ મધ્યાહન ભોજનના રસોડામાં ગરમાગરમ ભોજન બનાવી લોકોને જમાડીશું.

પોરબંદરના સાંસદ રમેશ ધડુક પોરબંદર જવા રવાના

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને સાંસદ રમેશ ધડુક પોરબંદર જાવા રવાના થયા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. NDRFની ટીમ પણ તૈનાત કરાઈ છે.
વાઝોડાની પરિસ્થિતિ અંગે તંત્ર સાથે સતત સંપર્કમાં છે. વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડેપગે છે. તેમજ ફૂડ પેકેટ સહિત પ્રાથમિક જરૂરિયાતને પહોંચી વળીશું તેવું તેણે જણાવ્યું હતું.

શું કહે છે મહેસૂલ વિભાગના અધિક સચિવ

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, રાજ્યમાં ઉભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 47 જેટલી એન.ડી.આર.એફ.ની ટીમો ફાળવી દેવાઇ છે. જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઇ છે. એ જ રીતે એસ.ડી.આર.એફ.ની 11 ટીમો અને મરીન પોલીસ પણ સ્ટેન્ડ ટુ કરી દેવાઇ છે. ઉપરાંત આર્મીની 34 ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે છે, તેમ પણ તેમણ ઉમેર્યું હતું.

જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સ્થળાંતર શરૂ

જામનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરિયાકાંઠાના 25 ગામોના 13,300 લોકોનું સલામત સ્થળે શહેરમાં શાળાઓ, કોમ્યનિટી હોલ અને વાડીમાં સ્થળાંતર કરવામાં આવયું છે. આખો દિવસ સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

નાલીયા-માંડવીમાં બનાવેલુ સાયકલોન સેન્ટર બંધ
એક તરફ વાયુ નામનું વાવાઝોડું નજીક આવી રહ્યું છે. ત્યારે ઉનાના નાલીયા માંડવીમાં વાવાઝોડા વખતે સુરક્ષિત રહી શકાય તે માટે કરોડોના ખર્ચે બનાવાયેલું સાયકલોન સેન્ટર હાલ બંધ હાલતમાં છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સાયકલોન સેન્ટર પર અલીગઢના તાળા જોવા મળી રહ્યાં છે.

ગોંડલનાં અક્ષર મંદિર દ્વારા 15 હજાર ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા
ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 12 અને 13 જૂનના રોજ વાયુ ચક્રવાતની અસર જોવા મળવાની છે. આ ચક્રવાતથી વધુ કોઈ નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા પણ તમામ પ્રકારના સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત અસરગ્રસ્તો માટે ફૂડપેકેટ્સ બનાવવાની સૂચના પણ સરકારે જુદી જુદી ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને આપી છે.

ગોંડલમાં આવેલ અક્ષર મંદિર દ્વારા પણ અસરગ્રસ્તો માટે 15 હજાર જેટલા ફૂડપેકેટસ તૈયાર કરવાની સેવા સ્વયંસેવકોએ કરી હતી. ગરમાગરમ બુંદી અને ગાંઠિયાના કુલ 15 હજાર જેટલા ફૂડપેકેટ્સ અક્ષર મંદિરના 450 જેટલા મહિલા સ્વયંસેવિકાઓ અને 60 જેટલા પુરુષ સ્વયંસેવકોએ તૈયાર કર્યા હતા.

બોલબાલા ટ્રસ્ટ દ્વારા 2500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા
સરકારી તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ પણ એલર્ટ થઈ ગઈ છે. વાયુ વાવાઝોડાની આગાહીના પગલે અસરકારક વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડવા માટે બોલબાલા ટ્રસ્ટ દ્વારા 2500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સિનિયર સિનિયર સિટીઝનો દ્વારા આ ફૂડ પેકેટ કરવામાં આવ્યા છે અને હજુ 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.

જાહેર રજા છતાં રાજકોટમાં સ્કૂલ ચાલુ
વાવાઝોડાનાં પગલે શાળા બંધનો સરકારનો આદેશ છતાં રાજકોટની સનસાઈન સ્કૂલ ચાલુ છે. સ્કૂલના ટ્રસ્ટી શ્રીમતી માથુરએ કહ્યું અમને DEOનો એક પણ પરિપત્ર મળ્યો હતો. પરંતુ હાલ NSUIએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું છે.

X
પોલીસ દ્વારા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતરપોલીસ દ્વારા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી