મર્ડર / ઉનામાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા હિન્દુ યુવાને ધર્મ પરિવર્તન કર્યું, કાર પાછળ બાંધી 200 મીટર ઢસડી હત્યા કરી

  • અજાણ્યા શખ્સોએ પથ્થર મારી હત્યા કરી, હત્યા પહેલા યુવાનનો અંતિમ વીડિયો વાઇરલ
  • વીડિયોમાં કહ્યું મારે મુસ્લિમ ધર્મ પાળવો છે અને સારી છોકરી સાથે લગ્ન કરવા છે

Divyabhaskar.com

Jul 12, 2019, 01:45 AM IST

ઊના: ઊનાના નવાબંદર ગામે પરિણીત યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી લાશ લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ આગેવાનો દોડી ગયા હતા. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને ગામલોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સામે અસંતોષ વ્યક્ત કરી ચક્કાજામ કરી દીધો હતો. પોલીસે મૃતકના ભાઇની ફરિયાદનાં આધારે ગુનો નોંધ્યો છે.

પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ઊના તાલુકાનાં નવાબંદર ગામે આવેલા રામપરા વિસ્તારની સીમમાં બાવળના કાંટાની ઝાડીમાં આજે સવારે ગામનાંજ રમેશ ભગાભાઇ સોલંકી (ઉ. 30) નામના યુવાનની લાશ જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કરાતાં નવાબંદર મરીન પોલીસ મથકેથી પીઆઇ મંઘરા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતાં ગામનાં સરપંચ સોમવાર માંડણભાઇ, દાનુભાઇ વિજાણંદભાઇ સોલંકી સહિતનાં આગેવાનો અને લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસએ લાશનો કબ્જો મેળવી પીએમ માટે પ્રથમ ઊના સરકારી દવાખાને અને બાદમાં જામનગર મોકલી આપી હતી. બનાવના સ્થળેથી 200 મીટર દૂર તપાસ કરતાં એક લોહીવાળો પથ્થર, ચશ્મા અને ચંપલ કાંટાની ઝાડીમાંથી મળી આવ્યા હતા. યુવાનને ગળે ટૂંપો દઇ હત્યા કર્યા બાદ હત્યારાઓએ મોઢા પર પથ્થરો મારી લોહીલુહાણ કરી નાંખ્યું હતું. બાદમાં લાશના ગળામાં દોરી બાંધી વાહન પાછળ 200 મીટર સુધી ઢસડી રોડ સાઇડે બાવળની કાંટાળી ઝાડીમાં નાંખી દીધાનું અનુમાન થઇ રહ્યું છે. લાશને ઢસડવાને લીધે જમીનમાં પડી ગયેલા લીસોટા દેખાતા હતા. તો ઢસડવાને લીધે તેનું પેન્ટ પણ ઉતરી ગયું હતું. બનાવની જાણ થતાં વેરાવળના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને મૃતકના નાનાભાઇ ભરત ભગાભાઇ સોલંકી (ઉ. 20) ની ફરીયાદનાં આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મરનારના ભાઇ ભરતે એવું કારણ આપ્યું છે કે, ગત તા. 8 જુલાઇ 2019ના રોજ પોતે પોતાનો ભાઇ વીડિયોમાં આવેલી પાનની દુકાને હતા.

એ વખતે યુનુસ ગુલ્ટી નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. અને ટેબલ ઉઠાવીને એવી ધમકી આપી હતી કે, રમેશને લઇજા નહીંતર મારી નાખીશ. અને ત્યારબાદ આજે તેની હત્યા થઇ ગઇ છે. આથી બનાવ પાછળ યુનુસ ગુલ્ટીનો હાથ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. મૃતક રમેશને 3 સંતાનો પણ છે.

શું છે 24 સેકન્ડના વીડિયોમાં ?

રમેશે 3 માસ પહેલાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે માથા પર મુસ્લિમોની ધાર્મિક ટોપી પહેરી હતી. અને તે બોલતો હતો કે, મારે મુસ્લિમ ધર્મ પાળવો છે. અને સારામાં સારી મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરવા છે. મારી પાસે 1 કરોડ રૂપિયા છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેને વારંવાર ધમકી પણ મળી હતી.

(જયેશ ગોંધિયા, ઉના)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી