જૂનાગઢ/પોરબંદર: નવસારી તાલુકાના જબાલપુરના બીજલપુર ગામે રહેતા રાજુભાઇ ગુલાબચંદ પરમાર(ઉ.વ.47)નામના ખલાસી માંગરોળ બંદર જેટી પર ધનવેલ નામની બોટમાં ફીશીંગ કરતા કરતા હતા. આ દરમિયાન રસોઇ બનાવવા માટે નીચે જતી વખતે બોટમાં રહેલ જાળ રાજુભાઇના માથામાં ફસાઇ જતા તેમને ગળેફાસો આવી ગયો હતો. જેના કારણે રાજુભાઇનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે પોરબંદરના દરિયામાં મોટી બોટે હોડીને ઠોકર મારતા ખલાસીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
હોડીની વચ્ચોવચ્ચ બોટે ઠોકર મારતા ખલાસીઓ દરિયામાં ફેંકાઇ ગયા હતા
પોરબંદરના દરિયામાં બોટે નાની હોડીને હડફેટે લેતા 1 ખલાસીનું પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું, જ્યારે હોડીને 1.20 લાખનું નુકશાન કરી બોટ ચાલક નાશી છૂટ્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોરબંદરના ખારવાવાડ કન્યાશાળા પાસે રહેતા કિરીટભાઇ દેવજીભાઇ પાંજરીની નાની હોડી બિરલાથી જેટી વચ્ચે 18 વામ દૂર દરિયાના પાણીમાં માછીમારી કરતી વેળાએ અજાણી ફીશીંગ બોટના ટંડેલે બોટ પૂરઝડપે બેદરકારી પૂર્વક ચલાવી નાની હોડીના વચ્ચેના ભાગે મોરો ભટકાવી અકસ્માત સર્જ્યો હતો. જેથી નાની હોડી ઉંધી વળી ગઇ હતી અને કિરીટભાઇ સહિતના ખલાસીઓ દરિયામાં ફેકાઇ ગયા હતા, જેમાંથી એક ખલાસી દિનેશભાઇ વિજાભાઇ ખોરાવા પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યુ હતું. પોલીસે અજાણી ફીશીંગ બોટના ટંડેલ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.