• Home
 • Local
 • Gujarat
 • Junagadh
 • The wind speed of 140 to 150 is increasing towards Saurashtra, tomorrow will hit at a speed of 165 km of cyclone vayu

સાયક્લોન / ‘વાયુ’ વાવાઝોડું 140થી 150ની સ્પીડે સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે, કાલે 165 કિમીની ઝડપે ત્રાટકશે

The wind speed of 140 to 150 is increasing towards Saurashtra, tomorrow will hit at a speed of 165 km of cyclone vayu

 • વાવાઝોડું વાયુ  હાલ વેરાવળથી 340 કિમીના અંતરે સમુદ્રમાં છે
 • સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા અને દીવમાં વાવાઝોડાની અસરની સંભાવના
 • વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે વરસાદ

Divyabhaskar.com

Jun 12, 2019, 04:23 PM IST

જૂનાગઢ : અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું વાયુ 140થી 150 કિલોમીટરની સ્પીડથી આગળ વધી રહ્યું છે. 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. જ્યારે વાવાઝોડાના પગલે અત્યારેદક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડયા હોવાના અને વાતાવરણમાં પલટો આવ્યોના અહેવાલ છે.
વાયુ વાવોઝાડાની સાથેસાથે
135 કિમીની ઝડપે મુંબઈના દરિયા કિનાર તરફ આગળ વધી રહ્યું છે વાયુ
કંડલા પોર્ટને વાયુ વાવાઝોડાને પગલે બંધ કરાયું
અમદાવાદથી રેસ્ક્યૂ માટે બોદકદેવથી ફાયરની 14 સભ્યોની ટીમ રવાના
લાઈફ સેવિંગ જેકેટ, ટ્રી કટર મશીન, સ્પેશિયલ બુટ જેવા સાધનો સાથે મોકલાયા
કાળા ડિબાંગ વાદળાઓ વચ્ચે દરીયો ગાંડોતૂર, ઝરમર વરસાદ પડ્યો
ઊનાના 50 ગામોમાંથી 665 લોકોનું સ્થળાંતર કરાશે, ઊના તંત્રની 400ની ટીમ રવાના
ઊનામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
મંગળવારે રાત્રે બારડોલીમાં વાવાઝોડાની અસરને પગલે ગામડાઓમાં ઘરોના છાપરા ઉડ્યા
પોરબંદરમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાતર, NDRFની ટીમ તહેનાત, વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ
ગીર સોમનાથના કોડીનાર, વેરાવળમાં ધીમી ધારે વરસાદ
વાવાઝોડાના પગલે ઊનાના મામલતદાર દરીયાકાંઠાના ગામોમાં દોડી ગયા
ઊનામાં હજુ સુધી તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા ફૂડપેકેડની કરાઈ નથી
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કાળા ડિબાંગ વાદળો વરસ્યા
રાજકોટમાં વાવાઝોડાના પગલે મનપાએ સ્કૂલોના જોખમી ડોમ હટાવવા અને સીલ મારવાની કાર્યવાહી આરંભી
જામનગરમાં સ્થળાંતરની કાર્યવાહી, 13,900 લોકોને શાળાઓ, કોમ્યુનિટીહોલ અને વાડીમાં ખસેડાશે
વેરાવળના દરિયામાં કરંટ
વાવાઝોડાના પગલે અત્યારથી વેરાવળના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવતઃ આજે મોડી રાતે વાવાઝોડું વાયુ વેરાવળના દરિયાને ટકરાશે. જેને પગલે ગીર સોમનાથ જિલ્લાનું વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ છે. અહીં એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ હતી.

આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના
આ તરફ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તથા જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકારે બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા બેઠકો બોલાવાઈ હતી ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ સચિવ દ્વારા પણ બેઠકો યોજી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા કવાયત કરી હતી. કેન્દ્ર સરકારે અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત મોકલી છે. વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. રાહત- બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. 15 જેટલી બોટમાં 45 જેટલા માછીમારો પરત બોલાવવાની તજવીજ ચાલી રહી છે.

ઝીરો હ્યુમન લૉસનું લક્ષ્યાંક
મુખ્યમંત્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક અને ગુજરાતના સાંસદો સાથેની બેઠક પણ રાહત કામગીરીને ધ્યાને રાખીને મોકૂફ રાખી છે. સરકારે ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરી છે.

શાહે સ્થિતિની સમીક્ષા કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિનું સતત મોનિટરીંગ શરૂ કર્યું. મંગળવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા, અર્થ સાયન્સ સેક્રેટરી ડૉ.એમ.રાજીવન સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ

કાંઠે દોઢ મીટર ઊંચા મોજાં ઉછળશે

 • NDRF, SDRF, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તહેનાત
 • એરફોર્સના સી-17 વિમાનમાં NDRFના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે.
 • ચીફ સેક્રેટરી સિંઘે ઓડિશાના ચીફ સેક્રેટરી સાથે ચર્ચા કરી.
 • 5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે
 • એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઇ
 • દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચક્રવાત વખતે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી સર્જાશે એવી આશંકા.

સાવચેતી માટે આટલી તૈયારી રાખવી

આગમન પહેલાં

 • મોબાઇલ ફોનને ચાર્જ રાખવો. એસએમએસનો ઉપયોગ કરવો.
 • અગત્યના દસ્તાવેજો અને કિંમતી ચીજવસ્તુઓને વૉટરપ્રૂફ કન્ટેનર્સમાં સાચવી રાખવા.
 • પાલતુ પશુ, ઢોરની સુરક્ષા માટે તેમને બાંધી રાખવા નહીં.

ઘરની અંદર

 • વીજ પ્રવાહની સ્વીચ બંધ રાખવી ગેસ સપ્લાય બંધ કરી દેવો.
 • બારી બારણા બંધ રાખવા.
 • જો આપનું ઘર અસુરક્ષિત હોય તો વાવાઝોડાના આગમન પહેલા બહાર નીકળી જવું.
 • પાણી ઉકાળીને પીવુ હિતાવહ.

ઘરની બહાર

 • નુકસાનગ્રસ્ત ઘર-મકાનમાં પ્રવેશવું નહીં.
 • તૂટેલા, ઉખડેલા વીજ થાંભલા, વાયરોથી દૂર રહેવું.
 • સુરક્ષિત સ્થળે પહોંચી જવું.
 • ફોટો પાડવા, સેલ્ફિ લેવા દરિયાકાંઠે જવું નહીં.

એરફોર્સની હાઇટેક તૈયારી

 • વાયુદળે રાજ્યમાં લાઇટ હેલિકોપ્ટર તથા રડાર સિસ્ટમ તહેનાત કરી છે. સાથે સંદેશાવ્યવહાર જળવાય એ માટે
 • વિવિધ સ્થળે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ અને મોબાઇલ કમ્યુનિકેશન વ્હીકલ્સ પણ તહેનાત કર્યા છે.

3 દિવસમાં ક્યાં કેટલા વરસાદની આગાહી

જિલ્લો 12 જૂન 13 જૂન 14 જૂન
સુરેન્દ્રનગર હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ
રાજકોટ હળવોથી મધ્યમ ભારે વરસાદ ભારે વરસાદ
જામનગર હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
પોરબંદર હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
જૂનાગઢ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
અમરેલી ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
ભાવનગર ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
મોરબી હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ ભારે વરસાદ
દેવભૂમિ દ્વારકા હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
ગીર સોમનાથ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
કચ્છ હળવોથી મધ્યમ ભારે વરસાદ ભારે વરસાદ
દીવ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
મહેસાણા ઓછી શક્યતા ઓછી શક્યતા ઓછી શક્યતા
અમદાવાદ હળવોથી મધ્યમ ઓછી શક્યતા ઓછી શક્યતા
આણંદ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ
ભરૂચ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ ઓછી શક્યતા
સુરત હળવોથી મધ્યમ ભારે વરસાદ હળવોથી મધ્યમ
નવસારી ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ
વલસાડ ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ
દમણ ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ

NDRFની ક્યાં કેટલી ટીમ?

 • દ્વારકા - 3
 • ગીર સોમનાથ - 5
 • અમરેલી - 4
 • જૂનાગઢ - 3
 • પોરબંદર - 3
 • ભાવનગર - 3
 • જામનગર - 2
 • મોરબી - 2
 • કચ્છ - 2
 • વલસાડ - 1
 • સુરત - 1
 • રાજકોટ - 4
 • દીવ - 3
 • કુલ- 36

વાવાઝોડાની શકયતાને પગલે કેબિનેટની બેઠક મોકૂફ કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંભવિત વાયુ વાવાઝોડાની શક્યતા ને પગલે રાજ્ય મંત્રી મંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે. આવતીકાલે ગાંધીનગરમાં યોજાનારી રાજ્યના સાંસદોની બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે.
વડોદરામાં મોડી રાત્રે ધૂળની ડમરીઓ ઊડી
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે મંગળવારની મોડી રાત્રે વડોદરા શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પરેશાની ભોગવી પડી હતી.
‘ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટી’નો મક્કમ નિર્ધાર
રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડાં સામે ‘ઝીરો ટોલરન્સ ઝીરો કેઝ્યુઆલિટી’ના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના વહિવટીતંત્રએ સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે. મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વીજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ વાવાઝોડા સામેની લોકજાગૃતિ જેવા વિવિધ મુદે માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા.
માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપનીની ટીમો કાર્યરત
સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા વૃક્ષો ધરાશાયી થાય કે વીજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અને વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વીજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે.
નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ
વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલાં સ્વરૂપે સૌરાષ્ટ્ર–કચ્છના કાંઠાળા અગિયાર જિલ્લાઓ કે જ્યાં વાવાઝોડાની અસરની સંભાવના છે ત્યાં 12 અને 13 જૂન એમ બે દિવસ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે 13 જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. લોકોને શેલ્ટર હોમમાં ભોજન-પીવાનું પાણી- સેનિટેશન, વીજળી, આરોગ્ય સુવિધા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તેની કાળજી લેવા જિલ્લા વહિવટી તંત્રને મુખ્ય સચિવે સુચના આપી હતી.
પાણી ઉલેચવા 100 જેટલાં ડિવોટરિંગ પમ્પ્સ તૈયાર
આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી 100 જેટલાં ડિવોટરિંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવા સુચના આપી છે. એટલું જ નહીં સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ્સ પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપી છે.
પવનની ઝડપ વધીને પ્રતિ કલાકે 120 કિ.મી.ની થવાની શક્યતા
ભારતીય હવામાન ખાતાના ગુજરાત સ્થિત હવામાન શાસ્ત્રી જયંત સરકારે વાયુ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ વધીને પ્રતિકલાકે 120 કિ.મી.ની થવાની શક્યતા છે. માત્ર એટલું જ નહીં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે.
મોબાઇલ ટાવર 24x7 સતત કાર્યરત રાખવાની કાળજી લેવા સૂચના
હવામાન ખાતાની આ આગાહીના પગલે રાજ્ય સરકારે માછીમારોને દરિયો નહીં ખેડવા ઉપરાંત પ્રવાસીઓને દરિયાકાંઠે કે બીચ ઉપર ફરવા નહીં જવા સૂચના આપી છે. દરિયાકાંઠાના લોકોને વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું નહીં કરવાની ખાસ સૂચના દ્વારા સાવચેત કરાયા છે. વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ ટાવર 24x7 સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા કહેવામાં આવ્યું છે.
સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી
જ્યારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. તેમજ સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી લેવા પણ જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું. રાજ્ય સરકારે સાડા ચાર લાખ જેટલાં ખેડૂતો-માછીમારોને એસ.એમ.એસ. સેવા દ્વારા એલર્ટ કરાયા છે.

X
The wind speed of 140 to 150 is increasing towards Saurashtra, tomorrow will hit at a speed of 165 km of cyclone vayu

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી