ક્રાઇમ પેટ્રોલની અસર, લેશન નહોતું કર્યું, સ્કૂલે ન ગઇ, પરિવારના ઠપકાના ભયથી ધો.8ની વિદ્યાર્થિનીએ અપહરણની સ્ટોરી ઘડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલો સી ડિવીઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો - Divya Bhaskar
મામલો સી ડિવીઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો
  • જૂનાગઢ પોલીસે કાઉન્સેલીંગ કરતા સત્ય વિગતો બહાર આવી

જૂનાગઢ: ટીવી પર આવતી ક્રાઇમ સંબંધિત કિસ્સાઓની સિરીયલો બાળકો અને વિદ્યાર્થિઓ પર ખરાબ અસર કરતી હોય છે. ઘટનાઓથી ચેતવું જરૂરી છે પણ તેનું અનુકરણ ચોક્કસ ભારે પડી શકે છે. આવા ગેરમાર્ગે દોરતા અનુકરણથી પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં બની હતી. જેમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ક્રાઇમ સિરીયલની ઘટના આધારીત અપહરણની સ્ટોરી ઘડી કાઢી પરિવાર અને પોલીસ બંનેને દોડતા કરી દીધા હતા.

રિક્ષાચાલકે અપહરણ કર્યાનું પિતાને કહેતા પિતા પોલીસ સ્ટેશન લઇ ગયા
જૂનાગઢ શહેરમાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેમના પિતાને જણાવ્યું હતું કે, સ્કૂલથી પરત આવતી હતી. ત્યારે મધુરમ ખાતેથી એક રીક્ષામાં બેસતા રીક્ષા ચાલક દ્વારા બળજબરીથી અપહરણ કરી ભવનાથ જંગલમાં લઇ જઇને બિભત્સ ચેનચાળા કર્યા છે. બાદમાં પિતા કિશોરીને લઇ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને પોલીસને વાત કરી હતી. આથી પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્ટાફે ભવનાથ ખાતેના સીસીટીવી કેમેરા જોતા કિશોરી દત્ત ચોક ખાતે ચાલીને એકલી આવતી જણાઇ હતી. બાદમાં કિશોરીને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા કિશોરીએ જણાવ્યું હતું કે, બે દિવસથી પોતે લેશન કર્યું ના હોય અને આજે શાળાએ પણ ગયેલ ન હોવાથી માતા-પિતા ઠપકો આપશે તેવા ડરથી આ અપહરણની સ્ટોરી બનાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ક્રાઇમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલ જોતી હોય તેમાંથી આવા કિસ્સા જાણી સ્ટોરી બનાવી હતી. વિદ્યાર્થિનીની કબૂલાતથી પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ હતી.

શિક્ષકો સાથે સંપર્કમાં રહી બાળકોની તમામ પ્રવૃતિ પર નજર રાખવી
લોકોને અને ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકના માતા-પિતાને પોતાના બાળકો બાબતે ગંભીરતા રાખવા તેમજ જે સ્કુલ બસ કે વાન, ઓટો રીક્ષા મોકલતા હોય તેના ડ્રાઇવરના નામ, સરનામા, સ્કુલ બસ, વાન અને ઓટો રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર સાથેની સંપૂર્ણ વિગત રાખવી તેમજ અવારનવાર શાળાના શિક્ષકો સાથે સંપર્કમાં રહી બાળકોની પ્રવૃતિ જાણવા સંકલન રાખવું જરૂરી છે.  સૌરભ સિંઘ, એસપી, જૂનાગઢ