જૂનાગઢ / પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમાનો બે વખત વિધિવત પ્રારંભ કરાવાયો, એક યાત્રિકનું હાર્ટ એટેકથી મોત

લોકોના ધસારાથી જૂનાગઢમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા
લોકોના ધસારાથી જૂનાગઢમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

  • વરસાદ ન થતા અને ભીડ વધતા ગુરૂવારે રાત્રે જ દરવાજા ખુલ્લા મૂકી દેવાયા
  • ભવનાથ વિસ્તારમાં લાઇટ ગૂલ થાય તો પણ અંધારપટ્ટ ન સર્જાય તે માટે મનપા દ્વારા 5 જનરેટર ગોઠવાયા

Divyabhaskar.com

Nov 09, 2019, 05:58 PM IST

જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમાનો મધ્યરાત્રીથી વિધિવત પ્રારંભ થયો છે. જો કે ગુરૂવારના રાત્રીના યાત્રાળુઓ માટે પ્રવેશ ગેઇટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને રાત્રીના જ વહેલા આવેલ યાત્રાળુઓએ પરિક્રમા શરૂ કરી દીધી હતી. ત્યારે પરિક્રમા પ્રારંભ પહેલા શુક્રવારે રાત્રી સુધીમાં 1 લાખથી વધુ યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી દીધી હતી. જ્યારે 1 લાખથી વધુ યાત્રાળુ પરિક્રમા રૂટ પર છે. પરિક્રમાનો પ્રારંભ થતાની સાથે જ ભવનાથ તરફના માર્ગો પર માનવમહેરામણ ઉમટી પડ્યું છે. પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમાનો બે વખત વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરિક્રમા દરમિયાન એક યાત્રિકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

ભાવનગરના યાત્રિકનું મોત

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જો કે, લીલી પરિક્રમામાં એક યાત્રાળુનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પાસે ભાવનગરના અશોક ચનાભાઇ રાઠોડ (ઉ.40)નું હૃદયરોગના કારણે મોત નીપજ્યું હતું.

લોકોના ધસારાથી જૂનાગઢમાં ટ્રાફિક સર્જાયો

જૂનાગઢના મજેવડી ગેઇટ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કાળવા ચોક, ગિરનાર દરવાજા વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ તરફ આવતા વાહનોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી હતી. કેટલાક યાત્રાળુઓએ રાત્રે 12 વાગ્યે વિધિવત પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જો કે ગિરનારની પરિક્રમામાં ઉપર મહા વાવાઝોડાનો ખતરો હતો, જે ટળી ગયો છે. ખતરો ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ વરસાદ ન થતા અને યાત્રાળુઓની ભીડ વધી જતા વન વિભાગે ગુરૂવારની રાત્રે પરિક્રમા રૂટનાં દરવાજા ખોલવા પડ્યાં હતાં. ગુરૂવારેની રાત્રે એક લાખથી વધુ યાત્રાળુઓએ પરિક્રમા રૂટમાં પ્રવેશ કર્યો હતો.

વિદેશી મહિલાએ પરિક્રમા શરૂ કરી

દક્ષિણ કોરીયાની યૌવન કિમ નામની વિદેશી મહિલાએ આજે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યુ.પી.માં રહેતા મિત્રના માધ્યમથી માહિતી મળી છે અને હું પરિક્રમા કરવા આવી છું. હું મારી સાથે કેટલોક નાસ્તો વગેરે સામાન સાથે રાખ્યો હતો પરંતુ અહીં તો બધુ મળે છે તે જોઇ મને નવાઇ લાગી છે.

પરિક્રમા રૂટ પર ચેક કરતા દારૂની બોટલો અને ગાંજાની પડીકી નિકળી

પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક ન થાય તે માટે પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના ચિરાગબેન ગોસાઇ અને તેમનાં સ્વયંસેવકો દ્વારા અહીંથી પસાર થતા યાત્રિકોની પાસેનું પ્લાસ્ટિક તપાસી કાગળ અને કાપડની થેલી આપવામાં આવી રહી છે. આ સંસ્થાએ 1 લાખથી વધુ થેલીનું વિતરણ કર્યું છે તેમજ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા કાગળની થેલી આપવામાં આવી રહી છે.

વિખુટા પડેલા પુત્રનું પુન: મિલન કરાવતી પોલીસ

એસપી સૌરભ સિંઘના માર્ગદર્શનમાં પોલીસે ખોયા પાયા વિભાગ શરૂ કર્યો છે. જેથી પરિક્રમામાં વિખુટા પડેલા લોકોને મદદ કરી શકાય. દરમિયાન તળાજા તાલુકાના મામસા ગામના કંચનબેન મુકેશભાઇ મકવાણા પોતાના પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવ્યા હતા. દરમિયાન ભવનાથમાં પોતાનો 7 વર્ષનો પુત્ર દક્ષ વિખુટો પડી ગયો હતો. આ અંગેની જાણ કરતા પોલીસે બાળકને શોધી આપી તેના માં બાપ સાથે પુન: મિલન કરાવતા પરિવારજનોમાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.- પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી, જૂનાગઢ.

X
લોકોના ધસારાથી જૂનાગઢમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયાલોકોના ધસારાથી જૂનાગઢમાં ઠેર ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી