‘વાયુ’ વાવાઝોડુ / સોમનાથમાં 75થી 80ની સ્પીડે પવન ફૂંકાવાનું શરૂ, સૌરાષ્ટ્રમાં વરસાદ, 19 જુન સુધી દરિયાકાંઠા પર જવા પર પ્રતિબંધ

વેરાવળમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો

  • રાજકોટ, ગોંડલ, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં ધીમી ધારે વરસાદ

Divyabhaskar.com

Jun 13, 2019, 05:00 PM IST

વેરાવળ/ રાજકોટ: વાયુ વાવાઝોડુનો ખતરો ગુજરાત પર નહીં આવે તેવું સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતું તેની અસર પોરબંદર, દ્વારકા, વેરાવળ અને ઓખાના દરિયાકાંઠે થશે. વહેલી સવારથી વેરાવળના દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 75થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ડિઝાસ્ટર ઓફિસર કે.એસ.ત્રિવેદીના જણાવ્યાનુસાર આ ગતિ સાંજના પાંચ વાગ્યા સુધી રહે તેવી શક્યતા છે. તેમજ પવનના સુસવાટા વચ્ચે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે. વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી. ગીરસોમનાથ જિલ્લા કલેક્ટરે વેરાવળ સહિત જિલ્લાના દરિયાકાંઠા પર કોઇ વ્યક્તિને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ દરિયાકાંઠા પર જશે તો તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે.

રાજુલા અને પીપીવાવ પોર્ટ ખાતે ધોધમાર વરસાદ

વાવાઝોડાની અસરને લઇને રાજુલા અને પીપાવાવ પો4ટ ખાતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદથી રસ્તા ઓ પર પાણી ભરાય ગયા છે. વાવાઝોડુ જેમ જેમ નજીક આવતું જશે તેમ તેમ દરિયાઇ કાંઠા પર ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધીમી ધારે વરસાદ

વાયુ વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ જસદણ, આટકોટ, વીંછિયા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગોંડલમાં પણ વરસાદ શરૂ થયો છે. જેને કારણે તંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જસદણના આટકોટ ગામે એક વૃક્ષ ધરાશાયી થયું છે.

સવારે નવ કલાક સુધીમાં સોમનાથ-વેરાવળમાં પરિસ્થિતિ સામાન્ય

સવારે નવ વાગ્યા સુધીમાં સોમનાથ-વેરાવળમાં પરિસ્થિતિ સામાન્ય રહી છે. કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. સવારે આઠ કલાક સુધીમાં વરસાદના આંકડા આ મુજબ છે. વેરાવળ-9 , તાલાળા-6, સુત્રાપાડા-5, કોડીનાર-7, ઉના- 17 અને ગીર ગઢડા-7 મિલીમીટર વરસાદ પડ્યો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતા એસ.ટીના રૂટ રદ્દ
વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતા એસ.ટીના રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝન હેઠળ રાજકોટ-વેરાવળના 10 રૂટ, રાજકોટ-દિવના 8 રૂટ અને રાજકોટ -ભુજના 18 રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. અનેક રૂટ રદ્દ કરવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પોરબંદર તરફ જતી એસ.ટી બસને પવનની અસર જણાતા નજીકના એસ.ટી ડેપો પર હોલ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી